આપણા યુવાનો આપણું ગૌરવ છે. તેઓ આપણા દેશને પ્રગતિની નવી ઊંચાઈએ લઈ જશે. જ્યારે આપણા યુવાનો કોઈ સમસ્યા કે બિમારીનો સામનો કરતા હોય, ત્યારે તેમને મદદ કરવાની આપણી પ્રથમ ફરજ છે.

પૂણેની 7 વર્ષની વૈશાલી વંચતિ કુટુંબમાંથી આવે છે અને બે વર્ષ કરતા વધારે સમયથી હૃદયમાં એક છીદ્રથી પીડાતી હતી. આ તમામ વર્ષો તેણે કેવી પીડા વેઠી હશે તેની કલ્પના કરો!

જ્યારે યુવા વૈશાલીએ પ્રધાનમંત્રીને પત્ર લખીને હૃદયની બિમારી માટે થોડી મદદ કરવા વિનંતી કરી, ત્યારે તેને ખ્યાલ નહોતો કે પ્રધાનમંત્રી તેને જવાબ આપવાની સાથે વ્યક્તિગત રીતે તેને મળશે અને તેનું નૈતિક મનોબળ વધારશે.

વૈશાલીનાં બે પાનાના પત્રમાં ભારતના પ્રધાનમંત્રીને લાગણીસભર અપીલ કરવામાં આવી હતી અને તેમની પુત્રી તરીકે મદદ માગવામાં આવી હતી, જેથી તેનું પોલીસ અધિકારી બનવાનું સ્વપ્ન સાકાર થાય.

તેના પત્રની ધ્યાનમાં લઈને પ્રધાનમંત્રીએ અધિકારીઓને વૈશાલીની ઓળખ સ્થાપિત કરવા કહ્યું હતું, તેની યોગ્ય તબીબી ચકાસણી કરવામાં આવી હતી અને પછી નિઃશુલ્ક ધોરણે તેની સારવાર થઈ હતી.

ત્યારબાદ વૈશાલીએ પ્રધાનમંત્રીને અતિ હૃદયસ્પર્શી પત્ર લખ્યો હતો અને પત્ર સાથે ચિત્ર દોરીને મોકલ્યું હતું, જેનો જવાબ પણ પ્રધાનમંત્રીએ આપ્યો હતો.

પછી જ્યારે પ્રધાનમંત્રી 25 જૂન, 2016ના રોજ પૂણેની મુલાકાતે ગયા હતા, ત્યારે તેઓ વ્યક્તિગત રીતે યુવા વૈશાલી અને તેના પરિવારને મળ્યા હતા. શ્રી મોદીએ જણાવ્યું હતું કે આ મુલાકાત હંમેશા તેમને યાદ રહેશે.

વૈશાલીનો એક હિસ્સો ફક્ત ઉદાહરણરૂપ છે. આવા ઘણાં પત્રો પ્રધાનમંત્રી અને તેમના કાર્યાલય પર પહોંચે છે. તેઓ દરેક પત્રનો જવાબ આપવા પ્રયાસ કરે છે અને ભારતના નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે તેવું સુનિશ્ચિત કરવા ઇચ્છે છે.