26મી મે, 2014ના રોજ ભારત સરકારના સત્તાના સૂત્રો સંભાળ્યા, ત્યારથી વિશ્વ સાથે સક્રિય રીતે સંકળાયેલા રહેવાની વિદેશ નીતિ અપનાવી અને સાથે સાથે જ વિશ્વને ભારત આવવા અને ભારતમાં રોકાણો કરવા માટે આમંત્રણ આપ્યું. શ્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ, ભારતે હાલના મિત્ર દેશો સાથેની મિત્રતા વધુ ઘનિષ્ઠ બનાવી અને અન્ય ઘણા દેશો સાથે સહકારની નવી દિશાઓ ખોલી.
26મી મે, 2014ના રોજ પ્રધાનમંત્રી મોદી અને મંત્રીમંડળ શપથ લઈ રહ્યા હતા, ત્યારે પ્રેક્ષકગણમાં સાર્ક દેશોના વડાઓ બેઠા હતા. તેમાં પ્રમુખ કરઝાઈ (અફઘાનિસ્તાન), પ્રધાનમંત્રી તોબ્ગે (ભૂતાન), પ્રમુખ યામીન (માલદીવ્ઝ), પ્રધાનમંત્રી કોઈરાલા (નેપાળ), પ્રધાનમંત્રી નવાઝ શરીફ (પાકિસ્તાન) અને પ્રમુખ રાજપાક્સા (શ્રીલંકા) સામેલ હતા. પ્રધાનમંત્રી શેખ હસીના અગાઉથી નક્કી થયેલા જાપાનના પ્રવાસે હોવાથી બાંગ્લાદેશના પ્રતિનિધિ તરીકે બાંગ્લાદેશના સ્પીકર ભાગ લઈ રહ્યા હતા. એ પછીના દિવસે પ્રધાનમંત્રી શ્રી મોદીએ આ નેતાઓ સાથે વિસ્તૃત દ્વિપક્ષીય વાતચીત હાથ ધરી હતી.
સાર્ક દેશોના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટેના શ્રી મોદીના વિઝન અને પ્રતિબદ્ધતા વારંવાર જોવા મળ્યા છે. પ્રધાનમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછી ભારતની બહાર એમનો પહેલો જ પ્રવાસ ભૂતાનનો હતો, જેમાં તેમણે ભૂતાનની સંસદને સંબોધન કર્યું હતું અને ભારત-ભૂતાન સંબંધોને વધુ મજબૂત બનાવવા માટેના કેટલાક કરારો કર્યા હતા.
વર્ષ 2014માં નેપાળનો એકલ દ્વિપક્ષીય પ્રવાસ કરનારા તેઓ સૌપ્રથમ પ્રધાનમંત્રી બન્યા, જે પ્રવાસ દરમિયાન ફરી ભારત અને નેપાળ વચ્ચેના જોડાણોને વધુ સુદ્રઢ કરવા માટે મહત્ત્વપૂર્ણ પ્રગતિ થઈ. પ્રધાનમંત્રી શ્રીએ માર્ચ, 2015માં ભારત-શ્રીલંકા વચ્ચેના જોડાણો વધુ મજબૂત કરવા માટે શ્રીલંકાનો પ્રવાસ કર્યો. પ્રમુખ શ્રી મૈત્રીપાલા સીરીસેનાએ શ્રીલંકાના પ્રમુખ તરીકે જાન્યુઆરી, 2015માં પદભાર સંભાળ્યો, તે પછી એમણે સૌપ્રથમ ભારતની મુલાકાત કરી તેના એક મહિના પછી શ્રી મોદીએ શ્રીલંકાનો પ્રવાસ કર્યો હતો. શ્રીલંકાના પ્રધાનમંત્રી રાનિલ વિક્રેમેસિંઘેએ સપ્ટેમ્બર, 2015માં ભારતની મુલાકાત લીધી હતી.
જૂન,2015માં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની બાંગ્લાદેશ મુલાકાત દરમિયાન બંને દેશોએ જમીન સરહદ અંગેની સમજૂતીને મંજૂરી આપવાને પગલે ભારતના બાંગ્લાદેશ સાથેના જોડાણોમાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ થઈ હતી. સંપર્ક વધારવા માટે બંને દેશો વચ્ચેની બસ સેવાઓનો પણ પ્રારંભ કરાયો હતો. એપ્રિલ, 2016માં પ્રધાનમંત્રીએ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શ્રી યામીનને ભારતમાં આવકાર્યા હતા અને બંને નેતાઓએ ભારત-માલદીવ્ઝ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.
પ્રધાનમંત્રી શ્રી મોદીએ પદભાર સંભાળ્યા પછી અત્યાર સુધીમાં મહત્ત્વપૂર્ણ શિખર સંમેલનોમાં હાજરી આપી છે. જુલાઈ, 2014માં પ્રધાનમંત્રીએ બ્રાઝિલમાં ફોર્ટલેઝા ખાતે યોજાયેલા બ્રિક્સ દેશોના શિખર સંમેલનમાં ભાગ લીધો હતો, જેમાં બ્રિક્સ દેશો માટે વિકાસની આગામી કાર્યયોજના ઘડવા તેઓ બ્રિક્સ નેતાઓને મળ્યા હતા. મહત્વપૂર્ણ બાબત એ રહી કે, બ્રિક્સ બેન્કની રચના થઈ અને ભારતને આ બેન્કનું સૌપ્રથમ પ્રમુખપદ સોંપાયું.
સપ્ટેમ્બર, 2014માં પ્રધાનમંત્રીએ સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભાને સંબોધન કર્યું, જેમાં તેમણે ભારત કેવી રીતે વિશ્વને યોગદાન આપી શકે એમ છે એ બાબતો વર્ણવી તેમજ વૈશ્વિક શાંતિના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે વર્ષનો એક દિવસ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા માટે સમગ્ર વિશ્વને એકમત થવા માટે હાકલ કરી હતી. ડિસેમ્બર, 2014માં આ પ્રસ્તાવ સાકાર થયો અને 177 રાષ્ટ્રોએ સાથે મળીને 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરવા અંગેનો ઠરાવ પસાર કર્યો.
એનડીએની સરકાર હેઠળ જીટ્વેન્ટી જૂથના દેશો સાથેના સંબંધો મજબૂત બન્યા. શ્રી મોદીએ વર્ષ 2014માં ઓસ્ટ્રેલિયામાં તેમજ 2015માં તૂર્કીમાં યોજાયેલા જીટ્વેન્ટી દેશોના શિખર સંમેલનમાં હાજરી આપી હતી. બ્રિસબેન ખાતેના જીટ્વેન્ટી દેશોના શિખર સંમેલનમાં પ્રધાનમંત્રીએ કાળા નાણાંના પ્રત્યાવર્તન (સ્વદેશ પરત ફરે) પર ખૂબ ભાર મૂક્યો હતો અને કાળા નાણાંનો રાક્ષસ કેટલો ઘાતક નીવડી શકે છે એ વિશે મજબૂત વાત રજૂ કરી હતી. શિખર સંમેલનમાં ચર્ચા-વિચારણા દરમિયાન આ મુદ્દાની રજૂઆત અત્યંત મહત્વપૂર્ણ હતી અને સરકારનું આ મુદ્દા સાથેનું જોડાણ કેટલું અગત્યનું છે, એ એના પરથી જોઈ શકાતું હતું.
આશિયાન દેશો સાથેના સંબંધોને ઉચ્ચ પ્રાથમિકતા આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2014માં મ્યાનમારમાં તેમજ વર્ષ 2015માં કુઆલાલુમ્પુરમાં યોજાયેલા આશિયાન દેશોના શિખર સંમેલનમાં ભાગ લીધો હતો, જ્યાં તેઓ એશિયાઈ દેશોના ટોચના નેતાઓને મળ્યા હતા. તમામ નેતાઓ સરકારના ‘મેઇક ઈન ઈન્ડિયા’ કાર્યક્રમ અંગે ભારે ઉત્સુક હતા.
નવેમ્બર, 2015માં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પેરિસ ખાતે સીઓપી21 શિખર સંમેલનમાં ભાગ લીધો હતો, જેમાં વિશ્વના ટોચના નેતાઓ આબોહવા પરિવર્તન અંગે ચર્ચા માટે એકઠા થયા હતા. શ્રી મોદીએ આબોહવા ન્યાય (ક્લાયમેટ જસ્ટિસ) પર તેમજ ભાવિ વિશ્વને વધુ સ્વચ્છ અને વધુ હરિયાળું બનાવવાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વિકાસ અને પર્યાવરણ સાથે આગળ વધી શકે છે. તેમણે વિશ્વને પ્રસંગોથી ઉપર ઊઠીને પૃથ્વીને રક્ષણ આપવા માટે અનુરોધ કર્યો હતો. સીઓપી ટ્વેન્ટી વન શિખર સંમેલન દરમિયાન પ્રધાનમંત્રી શ્રી મોદી અને પ્રમુખ શ્રી ઓલાંદે સૂર્ય ઊર્જાથી સંપન્ન હોય તેવા કેટલાક દેશોના ઈન્ટરનેશનલ સોલર એલાયન્સની જાહેરાત કરી હતી. આ એલાયન્સ, પૃથ્વીને હરિયાળી બનાવવા માટેનો ગંભીર પ્રયાસ છે. માર્ચ, 2016માં શ્રી મોદીએ પરમાણુ સલામતી અંગે પ્રમુખ ઓબામાના યજમાનપદે યોજાયેલા ન્યુક્લિયર સિક્યોરિટી શિખર સંમેલનમાં ભાગ લીધો, જેમાં તેમણે પરમાણુ સુરક્ષા અને શાંતિ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા.
શ્રી મોદીએ વિશ્વના પ્રત્યેક પ્રદેશો પર ખૂબ ધ્યાન આપ્યું છે. માર્ચ, 2015માં ત્રણ રાષ્ટ્રો - સેશેલ્સ, મોરિશિયસ અને શ્રીલંકાના તેમના પ્રવાસ દરમિયાન તેમણે હિંદ મહાસાગર પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. સેશેલ્સમાં પ્રધાનમંત્રીએ ભારતની સહાયથી સ્થપાયેલા કોસ્ટલ રડાર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. ભારત અને મોરિશિયસ વચ્ચેનો સહકાર વધુ સુદ્રઢ બનાવવાની વધુ એક મિસાલરૂપે મોરિશિયસના નેશનલ કોસ્ટ ગાર્ડના ઑફશોર પેટ્રોલ વેસલ બારાકુડાને કાર્યાન્વિત કરવાના પ્રસંગમાં પણ પ્રધાનમંત્રી શ્રી મોદી જોડાયા હતા.
એપ્રિલ, 2015માં પ્રધાનમંત્રીએ ફ્રાંસ, જર્મની અને કેનેડાનો પ્રવાસ કર્યો. આ પ્રવાસનો ધ્યેય યુરોપના દેશો અને કેનેડા સાથે સહયોગ વધારવાનો હતો. ફ્રાંસમાં પરમાણુ ઊર્જા અને સંરક્ષણ બાબતે નોંધપાત્ર પ્રગતિ સહિત 17 જેટલી વિક્રમજનક સમજૂતી કરવામાં આવી. જર્મનીમાં પ્રધાનમંત્રી શ્રી મોદી અને ચાન્સેલર મર્કેલે સાથે મળીને હેન્નોવર મેસેનું ઉદ્ઘાટન કર્યું અને પ્રધાનમંત્રીએ રેલવેના આધુનિકીકરણ અંગે જાત નિરીક્ષણ માટે બર્લિનના રેલવે સ્ટેશનની મુલાકાત પણ લીધી. જર્મનીની મુલાકાત દરમિયાન કૌશલ્ય વિકાસ પર પણ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું હતું. કેનેડામાં આર્થિક જોડાણો ઉપરાંત ઊર્જા અને સાંસ્કૃતિક સહયોગ પર લક્ષ સાધવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીની કેનેડાની મુલાકાત ઐતિહાસિક હતી, કારણ કે ભારતના પ્રધાનમંત્રીએ 42 વર્ષોમાં સૌપ્રથમવાર સ્વતંત્ર મુલાકાત કરી હતી.
પ્રધાનમંત્રીએ ભારતના પૂર્વના પાડોશી રાજ્યો સાથે જોડાણો વધુ મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ પ્રયત્નો કર્યાં છે. તેમણે ઓગસ્ટ, 2014માં જાપાનનો મહત્વપૂર્ણ પ્રવાસ કર્યો, જેમાં બંને દેશો ઉદ્યોગ, ટેકનોલોજી અને સરકારના સ્માર્ટ સીટીઝના પ્રોજેક્ટ જેવા ક્ષેત્રોમાં વ્યાપક સહકાર માટે સહમત થયા હતા. મે, 2015માં પ્રધાનમંત્રીએ ચીનનો પ્રવાસ કર્યો હતો, જ્યાં ઝાયનમાં અત્યંત વિશિષ્ટ રીતે સત્કારવામાં આવ્યા હતા. વિશ્વના કોઈ પણ નેતાને બીજિંગની બહાર સૌ પ્રથમવાર આવો સત્કાર મળ્યો હતો. તેમણે મોંગોલિયાની મુલાકાત પણ લીધી હતી અને મોંગોલિયા જનારા તેઓ સર્વપ્રથમ ભારતીય પ્રધાનમંત્રી બન્યા હતા. દક્ષિણ કોરિયાના પ્રવાસ દરમિયાન તેઓ અગ્રણી કંપનીઓના સીઈઓને મળ્યા હતા, શિપયાર્ડની મુલાકાત લીધી હતી અને રોકાણકારોને ભારતમાં રોકાણ કરવા માટે મજબૂત તખ્તો તૈયાર કર્યો હતો.
જુલાઈ, 2015માં શ્રી નરેન્દ્ર મોદીએ મધ્ય એશિયાના પાંચ દેશો - ઉઝબેકિસ્તાન, કઝાકિસ્તાન, તુર્કમેનિસ્તાન, તાજિકિસ્તાન અને કિર્ગિસ્તાનનો પ્રવાસ કર્યો હતો. તેમના મધ્ય એશિયાના પ્રવાસને કારણે આ ક્ષેત્ર સાથે ભારતના સંબંધોમાં આમૂલ પરિવર્તન આવ્યું હતું. ઊર્જા, સાંસ્કૃતિક જોડાણોથી માંડીને ઘનિષ્ઠ આર્થિક સહયોગ સુધીના વિષયો પર વિસ્તૃત ચર્ચા-વિચારણા થઈ હતી.
પ્રધાનમંત્રીએ પશ્ચિમ એશિયાના દેશો સાથે લાંબા સમયથી વિલંબમાં મૂકાયેલા જોડાણોને ગતિમાન કર્યા અને એ વધારવા માટે અનેક પ્રયત્નો હાથ ધર્યા. માર્ચ, 2016માં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયાના પ્રવાસે ગયા હતા. રાજદ્વારી તેમજ આર્થિક સંબંધોને વેગ આપવાના હેતુ સાથે યોજાયેલા આ પ્રવાસમાં તેઓ સાઉદી અરેબિયાના ટોચના નેતાઓ અને બિઝનેસપર્સન્સને મળ્યા હતા. એક નોંધપાત્ર પગલા તરીકે એમણે એલ એન્ડ ટીની શ્રમિકોની છાવણીની મુલાકાત લીધી હતી અને ત્યાં કામ કરતા લોકો સાથે નાસ્તો કર્યો હતો. એમના કઠોર પરિશ્રમની તેમણે પ્રશંસા કરી હતી અને એમની પ્રતિબદ્ધતાને વખાણી હતી. ઓગસ્ટ, 2015માં શ્રી મોદીએ યુએઈની ઐતિહાસિક મુલાકાત લીધી હતી, જેમાં તેમણે અનેક ક્ષેત્રોમાં સહકાર અંગે વાતચીત કરી હતી.
ભારતે વિશ્વના મહત્વપૂર્ણ નેતાઓને આવકાર્યા પણ હતા. જાન્યુઆરી, 2015માં પ્રજાસત્તાક દિવસની પરેડ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે અમેરિકાના તત્કાલીન પ્રમુખ બરાક ઓબામા ભારત આવ્યા હતા. પ્રધાનમંત્રી શ્રી મોદી અને પ્રમુખ શ્રી ઓબામાએ ભારત અને અમેરિકાના બિઝનેસ અગ્રણીઓને સંયુક્ત સંબોધન કર્યું હતું અને એમની સાથે વ્યાપક વાતચીત પણ કરી હતી.
પ્રધાનમંત્રી ટોની એબોટ, સપ્ટેમ્બર, 2014માં અને એ જ મહિનામાં પ્રમુખ શી જિનપિંગ પણ ભારતની મુલાકાતે આવ્યા હતા, જેમનું સ્વાગત પ્રધાનમંત્રી શ્રી મોદીએ ગુજરાતમાં કર્યું હતું. રશિયાના પ્રમુખ પુતિને ડિસેમ્બર, 2014માં ભારતની મહત્વપૂર્ણ મુલાકાત લીધી હતી, જેમાં પરમાણુ અને વેપાર જોડાણો અંગે વ્યાપક ચર્ચા થઈ હતી.
શ્રી મોદીએ પેસિફિક મહાસાગરના ટાપુ રાષ્ટ્રોની મુલાકાત પણ લીધી હતી. નવેમ્બર, 2014માં તેમના ફિજિ ખાતેના પ્રવાસ દરમિયાન તેઓ પેસિફિક મહાસાગરના તમામ ટાપુ રાષ્ટ્રોના નેતાઓને મળ્યા હતા અને આ પ્રદેશ સાથે ભારતના જોડાણો વધારવા અંગેના વિવિધ મુદ્દાઓ પર નેતાઓએ વિસ્તૃત ચર્ચાવિચારણા કરી હતી. એ જ વર્ષે આફ્રિકાના રાષ્ટ્રોના નેતાઓ પણ શિખર સંમેલનમાં દિલ્હી આવ્યા હતા. છેલ્લા એક વર્ષ દરમિયાન પ્રધાનમંત્રી આરબ નેતાઓને મળ્યા છે અને તેમની સાથે હંમેશા ભારતના પરમ મિત્ર રહેનારા આરબ વિશ્વ સાથે ભારત કેવી રીતે વધુ મજબૂત જોડાણો કરી શકે તે વિશે ચર્ચા કરી છે.
પ્રધાનમંત્રી જ્યારે પણ વિદેશ પ્રવાસે જાય છે, ત્યારે તેમનું સમયપત્રક બેઠકો અને અગત્યની મુલાકાતોથી ભરેલું હોય છે. આ બેઠકો અને મુલાકાતો માળખાકીય સવલતોમાં પરિવર્તન અને ભારતમાં રોકાણો વધારવાના લક્ષ સાથેની હોય છે. ઊર્જા, મેન્યુફેક્ચરીંગ, રોકાણ, કૌશલ્ય વિકાસ અને માળખાકીય સવલતો જેવા મુદ્દાઓ તમામ મુલાકાતોમાં સમાન હોય છે તેમજ દરેક મુલાકાત ભારતના લોકો માટે કંઈકને કંઈક નવું આનંદદાયક લઈને આવે છે.