ગાંધીનગર, ગુરૂવાર : મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના સ્વાસ્થ્ય માટે દેશ-વિદેશમાંથી પ્રેમ, લાગણી, સંવેદના, સ્નેહ, હૂંફ અને પ્રાર્થના સ્વરૂપે શુભેચ્છા પાઠવનારા સૌ સ્નેહીજનો પ્રત્યે અંતઃકરણથી જાહેર આભાર વ્યક્ત કર્યો છે.

શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરની બિમારીથી સંપૂર્ણ સ્વસ્થ થતા, આજે જાહેર આભાર સંદેશ-પત્ર સ્વરૂપે ભાવસભર શબ્દોમાં જણાવ્યું છે કે "આપ સૌ સ્નેહીજનોએ મારી ચિંતા કરી, મારી પીડાને પોતાની બનાવી, આપનાથી બનતું બધું જ મને સાજો કરવા કર્યું... આપના સ્નેહભાવથી જ મને મારું સ્વાસ્થ્ય પાછું મળ્યું છે અને બમણી શક્તિથી આપ સહુની સેવામાં કામે લાગીશ એવો વિશ્વાસ આપું છું.''

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભારપત્ર અક્ષરશઃ આ પ્રમાણે છે.

મારા વહાલા સ્નેહીજનો...

માતાઓ, બહેનો, યુવાન મિત્રો, વડીલો, બાળકો...

આભાર સહ વંદન...

આપની લાગણીના ધોડાપૂરમાં મારી માંદગી પણ તણાઈ ગઈ.

મારી આ બિમારીએ દેશ-વિદેશમાં આપ સહુને ચિંતામાં મૂકી દીધાં; દુઃખી કર્યા.

જાણે-અજાણે, આપ સૌને મેં દુઃખ પહોંચાડયું તે માટે ક્ષમા પ્રાર્થું છું.

આપ સહુનો આ અપાર સ્નેહ અને આપના પ્રત્યેની લાગણી, મને આપણા ગુજરાત પ્રત્યે દિવસ-રાત દોડતી રાખતી. પ્રત્યેક પળ ગુજરાત માટે ખપી જવાનો આનંદ, આપના પ્રેમના લીધે જ હંમેશા બેવડાઈ જતો.

ગળાડૂબ કામની વ્યસ્તતા વચ્ચે, ક્યારેય મેં વિચાર્યું પણ નહીં કે શરીરનો પોતાનો પણ ધર્મ હોય છે. આખરે આ બિમારીએ શરીરને ફરજિયાત આરામ કરાવ્યો પણ આ શારીરિક બિમારીમાં આપની લાગણીના સ્પર્શથી તરબતર રહેવાની મને સુખદાયી અનુભતિ થઈ.

દેશ અને દુનિયાના ખૂણે ખૂણેથી અવિરત વહેતો રહેલો આ પ્રેમપ્રવાહ મારા અંતરમનને ભીંજવી ગયો. આપની આ લાગણી, આ સંવેદનાસભર હૂંફ, સ્પર્શ માટે વર્ણન કરી શકે તેવા શબ્દો મારી પાસે નથી. ક્યારેય કલ્પી પણ ના શકું તેવો આ સુખદ અનુભવ છે.

આપ સૌ સ્નેહીજનોએ મારી ચિંતા કરી, મારી પીડાને પોતાની બનાવી. મારી આ પીડા દૂર થાય તે માટે અનેક પ્રકારની વેદના સહન કરી; ઈશ્વરના પ્રાર્થના-દ્વાર ખટખટાવ્યા. આપનાથી બનતું બધું જ આપે મને સાજો કરવા કર્યું.

આપના આ સ્નેહ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી અટકી જાઉં તો મને પણ ખટકે. આપના સ્નેહભાવથી જ મને મારું સ્વાસ્થ્ય પરત મળ્યું છે અને બમણી શક્તિથી આપ સહુની સેવામાં કામે લાગીશ એવો વિશ્વાસ આપું છું.

આપની લાગણીએ મને સમાજ માટે જીવવાની, ઝઝૂમવાની નવી શક્તિ આપી છે. ફરી એકવાર આપના પ્રેમ, લાગણી, સંવેદના, સ્નેહ, હુંફ અને શ્રદ્ધા - સધળા ભાવોને વિનમ્રભાવે નમન કરું છું.

આપ સૌનો

નરેન્દ્ર મોદી

મુખ્યમંત્રી નિવાસસ્થાન, ગાંધીનગર