મુખ્યમંત્રીશ્રીનોસ્વાગતઓનલાઇનજનફરિયાદનિવારણકાર્યક્રમ

સામાન્ય નાગરિકોની રજૂઆતોનું સંતોષજનક ન્યાયી નિરાકરણ

મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે ગાંધીનગરમાં સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કક્ષમાં સામાન્ય નાગરિકોની રજૂઆતોને સાંભળીને જિલ્લાતંત્રોને તેમને વાજબી ન્યાય મળે અને તેમની રજૂઆતોનો સંતોષકારક ઉકેલ લાવવા દિશા નિર્દેશો આપ્યા હતા.

સ્વાગત ઓનલાઇનમાં સામાન્ય નાગરિકો તરફથી થતી રજૂઆતો અંગે તાલુકા અને જિલ્લા તંત્રના અધિકારીઓ અને સંબંધિત સચિવ કક્ષાના રાજ્યસ્તરના અધિકારીઓની ઉપસ્થિતિમાં દર મહિનાના ચોથા ગુરૂવારે મુખ્યમંત્રીશ્રી જનફરિયાદો સંદર્ભમાં ઉકેલ લાવે છે. આ કાર્યક્રમમાં અત્યાર સુધીમાં ર.પ૦ લાખ જેટલી જનફરિયાદો અને રજૂઆતો મુખ્યમંત્રીશ્રીના સ્વાગત ઓનલાઇનમાં મળેલી હતી અને ૯૧ ટકાથી વધારે નિરાકરણ સ્થળ ઉપર અરજદારોની હાજરીમાં લાવવામાં આવ્યું છે.

સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ ઉત્તમ જાહેર સેવા માટે અને જનફરિયાદોના ઉકેલ માટે અત્યંત ફળદાયી બની રહ્યો છે અને સંયુકત રાષ્ટ્રસંધ દ્વારા તેને પબ્લીક સર્વિસ એવોર્ડ મળેલો છે. આ કાર્યક્રમ હવે ર૬ જિલ્લાકક્ષાએ, રરપ તાલુકા કક્ષાએ અને ૧૮૦૦૦ ગ્રામકક્ષાએ પણ જી-સ્વાન નેટવર્ક દ્વારા કાર્યરત થયેલો છે.

આજે યોજાયેલા સ્વાગત ઓનલાઇન કાર્યક્રમમાં અધિક અગ્ર સચિવશ્રી જી. સી. મુર્મુ  સહિત મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક કક્ષના અધિકારીઓ પણ ઉપસ્થિત હતા.