ગુજરાતના ઉદ્યોગોને રાજ્ય બહાર ધકેલી દેવાની સોચી સમજી સાજિશ થઇ રહી છે
ગુજરાત સરકારને ઉદ્યોગ વિકાસ માટે બદનામ કરવાના ષડયંત્રને ખુલ્લું પાડતા મુખ્ય મંત્રીશ્રી
અંકલેશ્વરમાં ‘અતુલ'ના વિશ્વના સૌથી મોટા કેમિકલ્સ- પી - ક્રેસોલ પ્લાન્ટનું ઉદ્દઘાટન
ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે અંકલેશ્વરમાં ગુજરાતની અગ્રણી રસાયણ ઉદ્યોગ કંપની ‘અતુલ'ના પી-ક્રેસોલ કેમિકલ્સ પ્લાન્ટનું ઉદ્દઘાટન કરતા ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ રાજ્ય બહાર મહારાષ્ટ્રમાં ખસેડી લેવા માટેનું પડદા પાછળનું ષડયંત્ર ચાલી રહ્યું હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, ગુજરાત સરકારને દરરોજ ઉઠીને ઉદ્યોગોના વિકાસ માટે બદનામ કરવાના જૂઠાણાનો સિલસીલો માત્ર રાજકીય ઇરાદાનું પરિણામ નથી પરંતુ ગુજરાતના ઉદ્યોગોને રાજ્ય બહાર ધકેલી દેવાની સોચી સમજી સાજિશ છે. આની સામે ગુજરાતે સજાગ રહેવું પડશે એવી ચેતવણી આપી હતી.મે. અતુલ લિ.નો આ P-CRESOL કેમિકલ્સ મેન્યુફેકચરીંગ પ્લાન્ટ રૂા. ૧૦૦૦ કરોડના મૂડીરોકાણથી કાર્યરત થયેલો વિશ્વનો આ પ્રકારનો સૌથી મોટો પ્લાન્ટ છે.
‘ગુજરાત' અને ‘વિકાસ'એ સમાનાર્થી શબ્દ બની ગયા છે તેનો ગૌરવભેર ઉલ્લેખ કરતાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, ગુજરાતના ઔદ્યોગિક વિકાસની પારંપરિક ઓળખ કેમિકલ્સ સેકટરની રહી અને ક્રમશઃ ફાર્માસ્યુટીકલ્સ સેકટરમાં પણ નામ અંકે કર્યું હતું. એક જમાનામાં ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ ‘ગોલ્ડન કોરિડોર' પૂરતો સિમીત હતો જે અંકલેશ્વરથી વાપી સુધીનો નેશનલ હાઇવે ઔદ્યોગિક વિકાસનો કોરિડોર ગણાતો અને ગુજરાતનો શો કેસ તરીકે રજૂ થતો પણ ગુજરાતમાં સમ્યક ઔદ્યોગિક વિકાસનું સાચું ચિત્ર જ ઉપસતું નહોતું એવા દશ વર્ષમાં ગુણાત્મક પરિવર્તન આ સરકારની સમ્યક ઔદ્યોગિક નીતિઓ અને રાજ્ય સરકારની પારદર્શી વહીવટ પ્રક્રિયાથી આવેલું છે.
આજે જે લોકો ગુજરાત સરકારને ઔદ્યોગિક વિકાસ માટે જમીનો વેચી દેવાના નામે બદનામ કરે છે તેમણે ખેતીવાડીની ફળદ્રુપ જમીનો અંકલેશ્વરથી વાપી સુધીના ઔદ્યોગિક વિકાસ માટે બલી ચઢાવી દીધી હતી ને તેના કારણે ગામડાના લોકોને ખેતીવાડીની જમીન પાણીના મૂલે આપી દેવી પડતી, ખેતી બરબાદ કરીને આ ઔદ્યોગિક વિકાસ કરનારા આજે ગુજરાત સરકારને બદનામ કરી રહ્યા છે. ગુજરાતના કિસાનોને ઔદ્યોગિક વિકાસ માટે ભડકાવનારા વિપક્ષની માનસિકતાને પડકારતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, આ સરકારે તો ખેતીની ફળદ્રુપ જમીનો ઉપર ઉદ્યોગોના વિકાસ નહીં પણ દરિયાઇ પડતર ભૂમિ રણકાંઠાની બંજર ભૂમિ ઉપર ઔદ્યોગિક વિકાસની નવી દિશા અપનાવી છે. જેનાથી કિસાનોને ફાયદો થયો છે, ઔદ્યોગિક વિકાસથી ગામડાં સમૃદ્ધ બન્યાં છે એનું દ્રષ્ટાંત ઉત્તર ગુજરાતના રણકાંઠે વિશ્વનો સૌથી મોટો સોલાર પાર્ક બની રહ્યો છે જે રણકાંઠાની પડતર ભૂમિની તાસીર બદલી નાંખશે એમ તેમણે જણાવ્યું હતું.
મુખ્ય મંત્રીશ્રીએ ગુજરાતના ખેડૂતોને કપાસની નિકાસ ઉપર પ્રતિબંધ મૂકી અબજો રૂપિયાથી આર્થિક બરબાદ કરી દીધા પછી કપાસીયાના તેલના ઉત્પાદન ઘટી જતાં સીંગતેલના ભાવો વધી રહ્યા છે તે કેન્દ્રની સરકારની ખેડૂત વિરોધી નીતિનું પરિણામ છે.
ગુજરાતનો ભરૂચ અને કચ્છ જિલ્લો આજે દેશનો સૌથી ઝડપી વિકાસ કરતો જિલ્લો બની ગયા છે અને ગુજરાતની ઔદ્યોગિક અને આર્થિક વિકાસની શાખ એટલી ઊંચી આવી છે કે એશિયાના બધા દેશો ગુજરાત સાથે વિકાસમાં ભાગીદાર બનવા તૈયાર રહે છે એનો ઉલ્લેખ ગૌરવભેર કરતા મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાત ઉદ્યોગો સાથે કૃષિ અને સર્વિસ ક્ષેત્રના ઝડપી વિકાસ માટે પણ સતત પ્રયાસ કરી રહ્યું છે. ગુજરાતના દરેક ખૂણામાં સર્વાંગી વિકાસ થાય એવું વિકાસ વિઝન રાજ્ય સરકારે અપનાવ્યું છે એની રૂપરેખા મુખ્ય મંત્રીશ્રીએ આપી હતી અને જણાવ્યું કે, ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં ‘જીરો મેનડેઇડ લોસ' છે જે સુમેળભર્યા ઔદ્યોગિક સંબંધોની સાક્ષી પૂરે છે.
આ અવસરે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી શ્રી મંગુભાઈ પટેલ, રાજ્યના સહકાર, યુવા, સેવા અને સાંસ્કૃતિક બાબતોના રાજ્ય મંત્રી શ્રી ઇશ્વરભાઈ પટેલ, ભરૂચના ધારાસભ્ય શ્રી દુષ્યંતભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મનહરભાઈ ગોહિલ, અતુલ કંપનીના શ્રી સુનિલભાઈ, શ્રી સિદ્ધાર્થભાઈ, ર્ડા. મનમોહન શર્મા, અતુલ કંપનીના નિર્દેશક શ્રી હસમુખભાઈ શાહ, જિલ્લા કલેકટર શ્રી રૂપવંતસિંહ તેમજ અધિકારીઓ, પદાધિકારીઓ અને ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.