નરેન્દ્ર મોદી શા માટે થાકતા નથી? તેમની ઊર્જાનો સ્ત્રોત શું છે, જે તેમને આટલી વ્યસ્ત દિનચર્યા વચ્ચે પણ સતત મશીન જેવી સાતત્યતા સાથે ગુણવત્તાયુક્ત કામ દરરોજ કરવા શક્તિ પ્રદાન કરે છે? આ એક એવો પ્રશ્ર છે, જે પ્રધાનમંત્રીના સમર્થકો અને ટીકાકારો બંને દ્વારા સતત પૂછવામાં આવે છે.
આ પ્રશ્ર તેમને માઇગવના પ્રથમ ટાઉન હોલ કાર્યક્રમમાં અને તાજેતરમાં દિલ્હીમાં એક મીડિયા હાઉસના ટીવી કાર્યક્રમમાં પૂછવામાં આવ્યો હતો. તેમાં નરેન્દ્ર મોદીએ આપેલા જવાબમાં તેમની વ્યક્તિગત વ્યવહારિક વિચારસરણી જ નહીં, પણ તેમનું દાર્શનિક પાસું પણ સામેલ છે. તેમણે કહ્યું હતું કે – કોઈ લક્ષ્યાંક પ્રાપ્ત કરવામાં આવેલી મહેનતથી ક્યારેય થાક લાગતો નથી, પણ બાકી રહેલા અધૂરા કાર્યો વિશે વિચારવાથી જ માનસિક ચિંતા થાય છે. તેમણે રાહુલ જોશીને આપેલી મુલાકાતમાં પોતાના આ વિચારને કંઈક આવી રીતે વ્યક્ત કર્યા હતા – “હકીકતમાં આપણે કામ કરવાથી થાકતા નથી. હકીકતમાં કાર્ય તો આપણને સંતોષ પ્રદાન કરે છે. આ સંતોષ જ આપણને ઊર્જા આપે છે. હું હંમેશા આવું જ અનુભવું છું અને મારા યુવાન મિત્રોને પણ આ જ સલાહ આપું છું. જો તમે નવા પડકારો સ્વીકારો છો, તો તમારી અંદરથી જ તમને ઊર્જા મળશે. ઊર્જા તમારી અંદર જ છે, સ્વયંનિર્મિત છે.”
તેમનો મંત્ર સરળ, પણ અચૂક છે – જો તમને તમારા કામની મજા આવશે, તો તમને ક્યારેય થાક નહીં લાગે, કારણ કે તમે તમને મજા આવે તેવું કામ કરો છો!