એમના કાર્યોના સમયપત્રક અને પ્રવાસને ધ્યાનમાં લઈએ તો સ્વાભાવિક રીતે જ જણાય કે નરેન્દ્ર મોદીને ફિલ્મો જોવાનો ખરેખર ક્યારેય સમય જ નથી હોતો. મોદીએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે "સામાન્ય રીતે મને મુવિઝની ઘેલછા નથી. પરંતુ હું જ્યારે યુવાન હતો, ત્યારે ફિલ્મો જોતો હતો, જેમાં માત્ર યુવાનોને હોય એવી જિજ્ઞાસામાત્ર રહેતી. એ સમયે પણ, માત્ર મનોરંજન ખાતર મુવિઝ જોવાનો ક્યારેય મારો સ્વભાવ ન હતો.એના બદલે, એ મુવિઝ દ્વારા કહેવાયેલી વાર્તામાંથી જીવનના બોધપાઠની શોધ કરવાની મને આદત હતી. મને યાદ છે કે, એકવાર હું મારા કેટલાક શિક્ષકો અને મિત્રો સાથે આર. કે. નારાયણની નવલકથા પર આધારિત જાણીતી હિન્દી મુવી ગાઈડ જોવા ગયો હતો. અને, એ મુવી જોયા પછી, હું મારા મિત્રો સાથે ભારે ચર્ચામાં પડી ગયો હતો. મારી દલીલ એ હતી કે મુવીની મુખ્ય વિચારવસ્તુ, છેવટે, પ્રત્યેક વ્યક્તિને તેના પોતાના અંતરાત્માનું માર્ગદર્શન મળતું હોવાનું છે. પરંતુ હું હજુ નાનો હોવાથી મારા મિત્રોએ મને ગંભીરતાથી લીધો ન હતો!" ફિલ્મ ગાઈડે એમના પર બીજા જ એક હેતુથી છાપ છોડી હતી - દુકાળની કરુણ વાસ્તવિકતા અને ખેડૂતોને પાણી નહીં મળવાને પગલે સર્જાયેલી અસહાયતાની પરિકલ્પના. એ પછી, એમને જ્યારે તક મળી હતી, તેમણે ગુજરાતમાં જળ સંગ્રહના સંસ્થાગત વ્યવસ્થતાતંત્રને પ્રોત્સાહન આપવામાં નોંધપાત્ર સમય ફાળવ્યો હતો. આ જ પ્રોજેક્ટને તેઓ પ્રધાનમંત્રીની ભૂમિકામાં રાષ્ટ્રીય સ્તરે પણ લાવ્યા.

શ્રી મોદી કામમાં ગળાડૂબ રહે છે અને એમને જે પદ માટે ચૂંટવામાં આવ્યા છે, તેની માગણીઓ એમની સર્વોચ્ચ પ્રાથમિકતા હોવાથી ફિલ્મો જોવાની લક્ઝરી એમને ઉપલબ્ધ નથી. જોકે, તેઓ કળા અને સંસ્કૃતિના વિશ્વ સાથે સતત સંપર્કમાં રહેતા હોય છે. આપણી એકંદર સાંસ્કૃતિક સભાનતામાં આપણા કલાકારોના યોગદાનને ઊંડા અંતઃકરણપૂર્વક મૂલવતા શ્રી મોદીએ ગુજરાતમાં કાઈટ ફેસ્ટિવલથી માંડીને તાજેતરમાં જ ઈન્ડિયા ગેટ નજીક રાજપથની લૉનમાં ભારત પર્વ યોજવા જેવા નવીન વિચારો અમલમાં મૂક્યા છે.

અને મોદીને કોઈ ગીત મનપસંદ છે? એનો તત્કાલ મળેલો જવાબ છે, લતા મંગેશ્કરનું બોધ પ્રસ્તુત કરતું ગીત - "હો પવન વેગ સે ઉડને વાલે ઘોડે...." 1961ની ફિલ્મ 'જય ચિત્તોડ'નું ગીત...ભરત વ્યાસના પ્રેરણાદાયક શબ્દોમાં એસ. એન. ત્રિપાઠીના કમ્પોઝિશનમાં સુદ્રઢ રીતે વણાયેલું ગીત "તેરે કંધો પે આજ ભાર હૈ મેવાડ કા, કરના પડેગા તુઝે સામના પહાડ કા... હલ્દી ઘાટી નહીં હૈ કામ કોઈ ખિલવાડ કા, દેના જવાબ વહાં શેરોં કે દહાડ કા.... "