કૃષિ મહોત્સવ
મુખ્ય મંત્રીશ્રીનો ખેડૂતો સાથે સાંધ્ય વાર્તાલાપ
વિડીયો કોન્ફરન્સ
કૃષિ મહોત્સવ એ તો ખેતીમાં કઠોર પરિશ્રમનો ઉત્સવ છેઃ નરેન્દ્રભાઈ મોદી
વિકાસ એ જ ઉત્સવ
ખેતીની જમીનની એકેએક ઇંચ માપણીનું વૈજ્ઞાનિક કામ ઉપાડયું છે
મહેસૂલી જમીન સુધારા કરનારી પહેલી સરકાર
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કૃષિ મહોત્સવ અભિયાન અંતર્ગત ખેડૂતો સાથે આજે સાંધ્ય વાર્તાલાપ કરતાં કૃષિ મહોત્સવ એ તો ખેતી માટે સરકાર અને કિસાન સમાજના કઠોર પરિશ્રમનો ઉત્સવ છે. ગુજરાતની ખેતીવાડી સમૃદ્ધ થાય એ માટે રાજ્ય સરકારના એક લાખ કર્મયોગીઓ ગામડે પહોંચીને ખેડૂતોના પરિવારો સાથે ખેતીની ક્રાંતિની ચર્ચા કરે છે.કૃષિ મહોત્સવનું આ અભિયાન આઠ વર્ષથી ચાલે છે જેણે ગુજરાત અને દેશના અર્થતંત્રને નવી તાકાત આપી છે તેનું ગૌરવ કરતાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લોકમાન્ય તિલકના સાર્વજનિક ગણેશોત્સવ માધ્યમથી સામાજિક ચેતનાનું અને આઝાદીની લડત માટેનું અભિયાન કરેલું એમ કૃષિ મહોત્સવ કોઇ મેળા-મેળાવડા કે સ્વગાત સન્માનનો ઉત્સવ નથી પણ કઠોર પરિશ્રમનો ઉત્સવ છે અને ખેડૂતોના જીવનમાં ગુણાત્મક બદલાવ આવે તે જ ઉદ્દેશ છે, એમ તેમણે જણાવ્યું હતું.
ખેતરમાં પાકની લણણીમાં સામૂહિક ગાનથી ઉત્સવરૂપે ઉજવવાની આપણી પરંપરા છે, એમ તેમણે જણાવ્યું હતું.
મુખ્ય મંત્રીશ્રીએ ભૂતકાળમાં કુવો ખોદાય ત્યાં પમ્પીંગ માટે વીજળી ના હોય એવી સ્થિતિ હતી. કોઇને ખેડૂતની જરૂરિયાતોના સંકલિત વ્યવસ્થાની પરવા નહોતી પણ વોટબેન્કને ધ્યાનમાં રાખી સહાય અપાતી, અમે આ બધા જ દૂષણો દૂર કર્યા છે. ખેતીને કોમ્પ્રીહેન્સીવ બનાવી છે. જમીનની સુધારણા કરવા સોઇલ હેલ્થ કાર્ડનો વિચાર કોને આવેલો? આ સરકારે ખેડૂતોની જમીનની મુશ્કેલીનો અંત લાવવા પહેલ કરી. મહેસૂલી કાયદા ગયા સો વર્ષમાં સુધારવાની કોઇએ વિચારણા કરી નહોતી ટોડરમલના જમાનાના જરીપૂરાણા મહેસૂલી નિયમો ચાલુ હતા પરંતુ આ સરકારે જમીનની એકેએક ઇંચની વૈજ્ઞાનિક માપણીનું ભગીરથ કામ ઉપાડયું છે. આના કારણે ખેડૂતના જમીનના વિવાદોનો અંત આવશે અને જમીન વિશે ૭/૧ર ઉતારાની દાયકાઓની નિયમ વ્યવસ્થામાં ઉતારો-સાત અને ઉતારો-બાર અલગ કરી દીધા. ખેડૂતોની નાનામાં નાની વ્યવસ્થાની ચિંતા આ સરકારે કરી છે.
ગુજરાતના ગામડાના લોકોએ તો આ સરકાર શાસનમાં આવી ત્યારે સાંજના સમયે "વાળુ' કરવા વીજળી માંગેલી પણ આ સરકારે ર૪ કલાક નિરંતર વીજળી ૧૮,૦૦૦ ગામડામાં મળતી કરી દીધી. એનાથી ખેતીવાડી ઉપર પણ ખૂબ મોટો પ્રભાવ પડયો છે. ડાંગનો ખેડૂત સુગંધિત ફુલોની ખેતી કરીને તેમાંથી કમાણી કરતો થયો છે. આ સરકારે ખેતીમાં પરિવર્તન લાવવાનું વેલ્યુએડિશન નેટવર્ક ઉભું કર્યું છે.
નાના-સિમાંત ખેડૂતોને માટે ટૂંકી જમીનમાં મબલખ પાક ઉત્પાદનની આવક મેળવવા નેટહાઉસ-પોલીસ હાઉસની યોજનાનો લાભ લેવા મુખ્ય મંત્રીશ્રીએ આહ્વાન કર્યું હતું.