મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે ગુજરાતની સ્વર્ણિમ જ્યંતી ઉજવણીના સમાપન મહોત્સવના ભાગરૂપે પંચશકિત આધારિત સ્વર્ણિમ જનશકિત ઉત્સવમાં દાહોદ ખાતે ગુજરાતમાં સમાજશકિત દ્વારા વિકાસનું વિરાટ જનઆંદોલન ઉપાડવાની નેમ વ્યકત કરી હતી.
પંચશક્તિ આધારિત સ્વર્ણિમ ઉત્સવો દ્વારા સ્વર્ણિમ જ્યંતિ ઉજવણી સમાપનનો પ્રારંભ વનવાસી ક્ષેત્ર દાહોદ ખાતે મુખ્યમંત્રીશ્રીના હસ્તે થયો ત્યારે એક લાખથી વધુ વિરાટ વનવાસી જનશકિતનું દર્શન થયું હતું.

સ્વર્ણિમ જયંતિ ઉજવણી સમાપનના આજના પ્રથમ ચરણમાં મધ્ય ગુજરાતના દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના આદિજાતિ પ્રભુત્વ ધરાવતા તાલુકાઓને આવરી લેવામાં આવ્યા છે. આ અવસરે જનશક્તિ થીમ આધારિત આદિજાતિ સંસ્કૃતિને ઝંકૃત કરતા વિશાળ પ્રદર્શનને મુખ્ય મંત્રીશ્રીએ ખુલ્લું મુકયું હતું. તેમણે સમગ્ર પ્રદર્શન લગભગ એક કલાક સુધી ફરીને રસપૂર્વક નિહાળ્યું હતું તેમજ આદિજાતિ કલાકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી આકર્ષક કૃતિઓ વિશે ઝીણવટભરી પૂછપરછ કરી હતી.

તેમણે જણાવ્યું કે, ર૧મી સદી જ્ઞાનની સદી છે ત્યારે ગુજરાતનો દરેક બાળક-યુવાન જ્ઞાનની ઉપાસના કરનાર ઉપાસક બની રહે તે માટે ‘વાંચે ગુજરાત'ના અભિયાન થકી શહેરીથી લઇને ગ્રામીણ બાળકની જ્ઞાનપિપાસા સંતોષવાનું અભિયાન ઉપાડયું. બાળક માત્ર તીવ્ર બુદ્ધિશાળી અને તંદુરસ્ત મનનો જ નહીં પણ સાથોસાથ તંદુરસ્ત તનનો સ્વામી બને તે માટે સ્વર્ણિમ ખેલ મહાકુંભના આયોજન થકી ગુજરાતના ૧૬ લાખ જેટલા બાળક-યુવક-યુવતીઓની શક્તિથી કૌશલ્યને નવો ઓપ આપવામાં આવ્યો.

ગુજરાતે સ્વર્ણિમ જયંતિ વર્ષમાં પ૬૦૦ જેટલી અદ્દભૂત શાકહારી વાનગીઓ બનાવીને નવો વિક્રમ સ્થાપ્યો છે, તો ગુજરાતના ર૦ હજાર જેટલા નાગરિકોએ એક સાથે શતરંજની રમત રમીને વિશ્વને ગુજરાતી યુવાનોના ધૈર્ય અને સામર્થ્યના દર્શન કરાવ્યા છે, તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

મુખ્ય મંત્રીશ્રીએ વનબંધુઓના કલ્યાણ માટેની તીવ્ર ખેવના દોહરાવતાં જણાવ્યું કે, રાજ્ય સરકારે ગુજરાતના આદિજાતિ ક્ષેત્રમાં વસતા વંચિતોના સર્વાંગી વિકાસ માટેની રૂા. ૧પ હજાર કરોડની મહત્વાકાંક્ષી યોજના રજૂ કરી ત્યારે તેના સાકાર થવા અંગે શંકા-કુશંકાઓ ઉભી કરનારા તત્ત્વોને રૂા. ૧૭ હજાર કરોડથી વધુના વિકાસકાર્યો દ્વારા ગુજરાતે સજ્જડ જવાબ આપી દીધો છે.

ભારત સરકારે સંસદમાં રજૂ કરેલા આંકડા મુજબ સમગ્ર દેશમાં વનવાસીને જમીનની સનદ આપનાર રાજ્યોમાં ગુજરાત અને છત્તીસગઢનો સમાવેશ થાય છે, તેમ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું.

મુખ્ય મંત્રીશ્રીએ આદિજાતિને શિક્ષિત અને સામર્થ્યવાન બનાવવાની નેમ વ્યકત કરતાં જણાવ્યું કે, આદિજાતિ બાળક આવતીકાલનો ઇજનેર, તબીબ કે વૈજ્ઞાનિક બને તે માટે પાયાની જરૂરિયાતરૂપે દરેક આદિજાતિ તાલુકામાં અમે વિજ્ઞાન પ્રવાહની શાળાઓનો આરંભ કર્યો છે.

મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આદિજાતિ ક્ષેત્રમાં આરોગ્ય સેવાઓના વિશાળ નેટવર્કની વિગતો આપતાં જણાવ્યું કે, અગાઉ પંચમહાલ-દાહોદ જિલ્લામાં ૧૦૦માંથી માત્ર ૩૦ માતાઓની પ્રસુતિ હોસ્પિટલમાં થતી, આજે ૧૦૦ પૈકી ૯ર માતાઓની પ્રસુતિ હોસ્પિટલોમાં કરાવીને સરકારે માતા-શીશુના જીવનો બચાવ્યા છે. આદિજાતિ કિશોરીઓમાંથી કુપોષણ દૂર કરવા તેમને આવશ્યક પોષણયુકત ઔષધિ અને ખોરાક પૂરો પાડીને, તંદુરસ્ત બાળકના જન્મ માટેનો રાહ સુનિશ્ચિત કર્યો છે.

રાજ્યની કોઇપણ દલિત, પીડિત, દરિદ્ર માતા-બહેન ઓશિયાળું જીવન ન ગુજારે તે માટે ગુજરાતમાં બે લાખ સખીમંડળો કાર્યરત કરીને ગ્રામીણ મહિલાઓના હાથમાં રૂા. ૧ હજાર કરોડનો વહીવટ આર્થિક પ્રવૃત્તિઓ માટે સોંપ્યો છે, એમ જણાવી મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, આ મહિલાઓના હાથમાં આગામી દિવસોમાં રૂા. પ હજાર કરેાડનો વહીવટ સોંપવાની યોજના છે. રાજ્યની આ મહત્વાકાંક્ષી ‘મિશન મંગલમ' યોજનાનો કેસ સ્ટડી કરવા આગામી દિવસોમાં વિશ્વભરની યુનિવર્સિટીના સંશોધકો ઉતરી પડશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, વંચિતોના વિકાસ માટે રાજ્ય સરકારે એક વર્ષમાં ૩પ૦ કરતા વધુ ગરીબ કલ્યાણ મેળાઓ યોજીને રૂા. પ હજાર કરોડ કરતા વધુ રકમની સહાય દરિદ્રોના હાથમાં સીધેસીધી પહોંચાડી છે અને વચેટિયાઓની નાબૂદી કરવામાં આવી છે. આ સ્વર્ણિમ જયંતિ ઉત્સવ પ્રત્યેક ગુજરાતીના ઘરમાં વિકાસના દીવડા પ્રગટાવવાનો અવસર બની રહેશે.

મુખ્ય મંત્રીશ્રીએ એવી મક્કમ અભિલાષા વ્યકત કરી હતી કે, અવસરની ઉજવણીમાંથી નૂતન શક્તિઓ પ્રાપ્ત કરીને આગળ વધવું છે, એ શક્તિઓ ગુજરાતના ઘરેઘરે પહોંચાડવી છે અને શિક્ષણની બુનિયાદ પર વિકાસની બુલંદ ઇમારત તૈયાર કરીને નૂતન ગુજરાતનું નિર્માણ કરવું છે.

આ અવસરે પરંપરાગત આદિજાતિ પાઘડી અને ચાંદીના સટ (બટન) સાથેની ઝૂલડી મુખ્યમંત્રીશ્રીને પહેરાવવામાં આવી હતી.

આદિજાતિ કલ્યાણ રાજ્ય મંત્રી શ્રી જશવંતસિંહ ભાભોરે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું કે, રાજ્યના સ્વર્ણિમ જયંતિ સમારોહના સમાપનનો પ્રારંભ વનબંધુઓની ધરતી પરથી કરીને મુખ્ય મંત્રીશ્રીએ તેમની વનબંધુઓ પ્રત્યેની અદમ્ય લાગણી વ્યકત કરી છે. રાજ્ય સરકારે આદિજાતિ કલ્યાણ માટે રૂા. ૧૭ હજાર કરોડથી વધુ ખર્ચ કરીને આદિજાતિ ક્ષેત્રની કાયાપલટ કરી નાખી છે.

આ પ્રસંગે પંચાયત અને ગ્રામગૃહ નિર્માણ મંત્રી શ્રી નરોત્તમભાઈ પટેલ, રાજ્ય મંત્રીમંડળના સદસ્યો સર્વશ્રી જયસિંહભાઈ ચૌહાણ, જયદ્રથસિંહ પરમાર, કિરીટસિંહ રાણા, ઇશ્વરસિંહ પટેલ, સંસદીય સચિવ શ્રી હર્ષદભાઈ વસાવા, સાંસદ સર્વશ્રી મનસુખભાઈ વસાવા, રામસિંહ રાઠવા, ર્ડા. પ્રભાબેન તાવિયાડ, પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી દિલીપસિંહ ભૂરિયા, ધારાસભ્યશ્રીઓ, મુખ્ય સચિવ શ્રી એ. કે.જોતિ, ગ્રામ વિકાસ વિભાગના અગ્ર સચિવ શ્રી આર. એમ. પટેલ, દાહોદ જિલ્લા કલેકટરશ્રી, પાંચ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ, ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ તથા વિશાળ સંખ્યામાં જનસમુદાય ઉપસ્થિત રહ્યો હતો.