ગુજરાત સાથે વિસ્તૃત ફલક ઉપર સહભાગીતા વિકસાવવા ઇટાલી તત્પર
વાઇબ્રન્ટ ગુજરાતના સાક્ષાત્કારની અનુભૂતિ થઇ છે - ડેનિયલ માનકીની
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીને ઇટાલીથી ગુજરાતના પ્રવાસે આવેલા ઇટાલીના રાજદૂત શ્રીયુત ડેનિયલ માનકીની (Mr. DANIELE MANCINI) ના નેતૃત્વમાં આવેલા બિઝનેસ ડેલીગેશને આજે સૌજ્ન્ય મૂલાકાત લીધી હતી અને ગુજરાત સાથે વધુ વ્યાપક ફલક ઉપર સંબંધો અને સહભાગીતા વિકસાવવાની તત્પરતા સાથે પરામર્શ કર્યો હતો.
ઇટાલીના રાજદૂત શ્રીયુત ડી. માનકિનીએ મુખ્યમંત્રી સમક્ષ જણાવ્યું હતું કે ઇટાલી, ગુજરાત અગ્રીમ યાદીમાં ઇચ્છે છે અને અમે અહીં આવ્યા છીએ અને તમારી સાથે પ્રગતિમાં જોડાઇશું.
શ્રી નરેન્દ્રભાઇ મોદી સાથેની વ્યકિતગત મૂલાકાતમાં, ઇટાલીની વરિષ્ઠ કંપનીઓના ડેલીગેશન સાથે આવેલા રાજદૂતશ્રીએ એમ પણ જણાવ્યું હતું કે વાઇબ્રન્ટ ગુજરાતનો સાચા અર્થમાં સાક્ષાત્કાર થઇ રહયો છે.
ઇટાલીના ડેલીગેશન સાથેની આ બેઠકમાં ઇટાલીની વિવિધ કંપનીઓના પદાધિકારીઓએ ગુજરાત સાથે ગ્રીન ટેકનોલોજી ઇન કન્સ્ટ્રકશન સેકટર એન્ડ ઇન્ફ્રાસ્ટ્રકચરલ કન્સ્ટ્રકશન લોજીસ્ટીક પાર્ટનરશીપ, સીરામિકસ સ્મોલ સિટી કન્સેપ્ટ ઇન ઇન્ડસ્ટ્રીઅલ કલસ્ટર્સ અને એગ્રો બિઝનેસ સહિતના ક્ષેત્રોમાં સહભાગીતા અને રોકાણની તત્પરતા દાખવી હતી. યુનિવર્સિટી-નોલેજ પાર્ટનરશીપ અને ટેકનોલોજીકલ સપોર્ટ માટે પણ ઇટાલીના ડેલીગેશને ફળદાયી પરામર્શ કર્યો હતો.
આ બેઠકમાં ઉદ્યોગના અધિક મુખ્ય સચિવશ્રી મહેશ્વર શાહુ અને મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવશ્રી એ. કે. શર્મા ઉપસ્થિત હતા.