દિલ્હીમાં આઇસીટી બીઝનેસ એવોર્ડસ સમારોહ
‘વન નેશન-વન વિઝન-વન મિશન’નો ધ્યેય સાકાર કરવા ઇર્ન્ફ્મેશન એન્ડ કોમ્યુનીકેશન ટેકનોલોજી (આઇસીટી) સમર્થ છેઃ મુખ્યમંત્રીશ્રી
દેશના આઇ.ટી. સેકટરના વરિષ્ઠ અગ્રણીઓની શ્રી નરેન્દ્રભાઇ મોદી સાથે રાઉન્ડ ટેબલ
ગુજરાતે જનસુખાકારી માટે આઇ.ટી.નો વિનિયોગ કરી ઉત્તમ ગુડ-ગર્વનન્સની અનુભૂતિ કરાવી-શ્રી નરેન્દ્રભાઇ મોદી
યુ.પી.એ.ના ટેલિકોમ ટુજી કૌભાંડથી ભારતની વૈશ્વિક છબી ખરડાઇ
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વન નેશન-વન વિઝન-વન મિશન હાંસલ કરવા ઇર્ન્ફ્મેશન એન્ડ કોમ્યુનીકેશન ટેકનોલોજી (આઇસીટી)નો ઇન્ફરમેશન હાઇ-વે વિકસાવવાનો નિર્ધાર વ્યકત કર્યો છે. આઇ.ટી સેક્ટરના ઉત્તરોત્તર વિકાસના વિનિયોગથી દેશના આધુનિક વિકાસને ગતિ મળશે તેમ તેમણે જણાવ્યું હતું.
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સાયબરમીડિયા ગ્રુપ આયોજીત નવી દિલ્હીમાં યાજાયેલા ર૦માં ડેટાક્વેસ્ટ આઇ.સી.ટી. (ઇર્ન્ફ્મેશન એન્ડ કોમ્યુનીકેશ ટેકનોલોજી) બિઝનેસ એવોર્ડ સમારંભમાં વિશેષ અતિથી તરીકે ઉપસ્થિત રહી એવોર્ડ પ્રદાન કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ ઇર્ન્ફ્મેશન ટેકનોલોજી ભારતના અર્થતંત્ર અને સમાજમાં પરિવર્તન લાવવાની ક્ષમતા ધરાવતું ગ્રોથ એન્જીન છે તેમ જણાવ્યું હતું. માત્ર વિજ્ઞાનીઓ અને ઇજનેરો જ નહીં પરંતુ પોતાની આગવી કોઠાસૂઝથી ખેત ઉત્પાદન વધારવામાં ઉત્કૃષ્ઠ પ્રદાન કરનારા ખેડૂતોના જ્ઞાન સંવર્ધનમાં આઇ.સી.ટી. સેકટર આમૂલ પરિવર્તન લાવવાની સક્ષમ ભૂમિકા ભજવી શકે તેમ પણ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઉમેર્યું હતું. આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ દેશના ૩પથી ઓછી વયજૂથના પ્રગતિશીલ ખેડૂતો આઇ.સી.ટી.ના મહત્તમ ઉપયોગથી વધુ ખેતઉત્પાદન મેળવી દેશમાં કૃષિક્રાંતિ માટે યોગદાન આપી રહયા છે તેની ભૂમિકા આપી હતી.
સામાન્ય માનવીના સશક્તિકરણ માટે કોમ્યુનીકેશન ટેક્નોલોજીની ભાષાકીય વૈવિધ્યતાનું એકીકરણ કરી તેનો મહત્ત્।મ ઉપયોગ કરવાની જરૂરીયાત તેમણે સમજાવી હતી.
ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ કેન્દ્રની યુ.પી.એ. સરકારના ટેલિકોમ સેકટરના ર-જી સ્પેક્ટ્રમ કૌભાંડને કારણે ભારતની છબી વિશ્વમાં ખરડાઇ છે તેનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે કેન્દ્રની યુ.પી.એ. સરકારના શાસનમાં આવા અનેક ભ્રષ્ટાચારને કારણે દેશને જંગી આર્થિક નુકસાન તો થયું જ છે પરંતુ એથીએ વિશેષ દેશની યુવાશકિત ભવિષ્ય પણ રોળાઇ ગયું છે. હવે ટેલીકોમ સેકટરને તેમાંથી બહાર કાઢવાનો પડકાર આપણી સામે છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે એન.ડી.એ.ના શાસનકાળમાં તત્કાલિન વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીના દ્રષ્ટિવંત આયોજનથી પ્રથમવાર અલાયદું આઇટી મંત્રાલય શરૂ કરવામાં આવ્યું એટલું જ નહીં, નવા આઇ.ટી. કાયદા અને પોલિસી ઘડવામાં આવી હતી. તેમજ ટેલિકોમ સેક્ટર માટે અલાયદી ટાસ્ક ફેર્સની પણ રચના કરવામાં આવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ યુ.પી.એ. સરકારની નિષ્ફળતાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે ભારત ઇલેક્ટ્રોનીક ઉત્પાદનો માટે સક્ષમ છે પરંતુ, યુપીએની સરકાર તેની બિનકાર્યક્ષમતાને કારણે તમામ તક ગુમાવી ચૂકી છે અને હાલ ઇલેક્ટ્રોનીક ઉત્પાદનોની આયાત જ ૬૫ ટકા જેટલી ઉંચી છે અને ઘરેલુ ઉત્પાદન માત્ર ૩૫ ટકા જ છે. આના કારણે ભારત ઉપર કરન્ટ એકાઉન્ટ ડેફિસીટનું સંકટ ગંભીર બન્યું છે.
આ અગાઉ દેશના આઇ.ટી. ક્ષેત્રના ૩૦ જેટલા અગ્રણી ઉદ્યોગ સંચાલકો અને પ્રતિષ્ઠિત આઇ.ટી. તજજ્ઞોએ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી સાથે રાઉન્ડ ટેબલ યોજીને દેશમાં આઇ.સી.ટી. અને ટેલીકોમ સેકટરના વિકાસ માટે અનેકવિધ સૂચનો કર્યા હતા.
આ સૂચનોને આવકારતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતે ઇન્ફરમેશન ટેકનોલોજીનો સામાન્ય માનવીના સુખ-સુવિધા અને સુખાકારી માટે વિનિયોગ કરવાના સફળ પ્રયોગની રૂપરેખા આપી હતી અને જણાવ્યું હતું કે રૂઢિગત કાર્યસંસ્કૃતિથી ઉપર ઉઠીને સ્કીલ, સ્કેલ અને સ્પીડ આધારિત આઇ.ટી સેક્ટરને પ્રોત્સાહિત કરવા માટે તેઓ પ્રતિબધ્ધ છે. ગુજરાતે ઇનોવેશન કમિશન અને આઇ-ક્રિએટ- જેવા વિશ્વકક્ષાના ઇન્કુબેશન સેકટરની પહેલ કરીને પ્રતિભાવંત ઉદ્યોગસાહસીકો તેમજ ઊંપ્રભાવશાળી આઇ.ટી. તજજ્ઞો માટે ઉત્કૃષ્ઠ કેન્દ્ર ઉભા કર્યા છે. રાજ્યના ૧૮,૦૦૦ હજાર ગામડાંને બ્રોડબેન્ડ કનેકટીવીટીથી જોડી દેવાની એકમાત્ર ગુજરાતની પહેલરૂપ સિધ્ધિની ભૂમિકા તેમણે આપી હતી અને ઇ-ગવર્નન્સના માધ્યમથી ઉત્કૃષ્ટ સુશાસનની અભિનવ સિધ્ધિઓની વિસ્તૃત છણાવટ કરી હતી.
સોસ્યલ મીડિયા સામાન્યજનનો અવાજ બનવાની સાથે સાથે લાખો લોકોને સાંકળતું એક શક્તિશાળી માધ્યમ હોવાથી તેના મહત્તમ ઉપયોગ માટે પણ મુખ્યમંત્રીશ્રીએ હિમાયત કરી હતી.