ગાંધીનગરઃ સોમવારઃ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનું ત્રિદિવસીય અભિયાન આ વર્ષે તા. ૧૭-૧૮-૧૯ જૂન-ર૦૧૦ દરમિયાન રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં યોજાઇ રહ્યું છે. જ્યારે રાજ્યના શહેરી વિસ્તારોમાં તા. ર૪-રપ-ર૬ જૂન-ર૦૧૦ દરમિયાન આ અભિયાન યોજાશે.

રાજ્યભરમાં છેલ્લા સાત વર્ષથી યોજાઇ રહેલાં કન્યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને નોંધપાત્ર સફળતા પ્રાપ્ત થઇ છે. ગરવી ગુજરાતના સ્વર્ણિમ જયંતિ વર્ષમાં ૬ થી ૧૪ વર્ષની વયના તમામ બાળકો શાળામાં પ્રવેશ મેળવે, નિયમિત રીતે શાળામાં જાય અને પોતાનું પ્રાથમિક શિક્ષણ પુરું કરે તેવા સંકલ્પો તમામ કક્ષાએથી થાય તેવા હેતુથી વર્ષ ર૦૧૦ના જૂન માસમાં ગુજરાત સ્વર્ણિમ વર્ષ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ યોજાઇ રહ્યો છે.

મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી સમગ્ર રાજ્યમાં અનેરા ઉત્સાહ સાથે યોજાતાં આ કાર્યક્રમમાં કન્યા શિક્ષણના સંપૂર્ણ ધ્યેયને સાકાર કરવા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી, રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ, રાજ્ય સરકારના સચિવશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ તથા ઉચ્ચ અધિકારીઓ આ અભિયાનમાં જોડાઇ રહ્યા છે.

આ વર્ષે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં બે તબકકામાં યોજાઇ રહેલો મહોત્સવ સ્વર્ણિમ જયંતિ વર્ષને અનુરૂપ ભવ્ય રીતે ઉજ્વાશે. કાર્યક્રમની ગુણવત્તા વધારે પ્રભાવ અને પ્રેરક બને તે પર ખાસ ભાર મુકવામાં આવ્યો છે. અગાઉ યોજાઇ ગયેલા પ્રવેશોત્સવ કાર્યક્રમની વ્યાપક સફળતા અને કન્યા શિક્ષણની આવશ્યક્ જાગૃતિને ધ્યાને લઇને ચાલુ વર્ષે પછાત, અતિપછાત તાલુકાઓ જ્યાં બાળકોનો શાળા પ્રવેશદર ઓછો હોય, ડ્રોપઆઉટ રેટ વધુ હોય તેવા ગામોને વિશેષ પ્રાધાન્ય અપાશે તથા પ્રાથમિક શિક્ષણ કન્યા કેળવણીનો લક્ષ્યાંક પાર પાડવા માટેની ગ્રામસમાજની ભાગીદારીને પ્રેરિત કરાશે.

દરેક મહાનુભાવોએ દરરોજના પાંચ ગામની મુલાકાત લેવાનું ધોરણ રાખવામાં આવ્યું છે. મહાનગરપાલિકા વિસ્તારોમાં મ્યુનિસિપલ કમિશનર તથા નગરપાલિકા વિસ્તારોમાં જિલ્લા કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ આયોજન ગોઠવાશે. મુલાકાત વધુ ઉપયોગી બની રહે, કાર્યક્રમ દરમિયાન યોગનું નિદર્શન થાય, ધોરણ ૧થી ૭ના બાળકોવાંચી શકે તેવું પુસ્તક મુલાકાત લેનાર મહાનુભાવ તરતુ મૂકે, વાંચે ગુજરાત અભિયાન હેઠળ ભેટ મળતાં પુસ્તકો શાળામાં સ્વીકારવામાં આવે, તેવા વિશેષ આયોજનો પણ આ વર્ષે ગોઠવાયા છે. આંગણવાડી તથા ધોરણ-૧માં નવીન પ્રવેશ મેળવવા પાત્ર બાળકોને કુમકુમ તિલક કરીને પ્રવેશ અપાશે. શાળા છોડી ગયેલા ૬ થી ૧૪ વર્ષની વય જૂથના તમામ બાળકોને પુનઃપ્રવેશ અપાશે. નવા શૈક્ષણિક સત્રના પહેલાં દિવસથી માંડીને કન્યા કેળવણી મહોત્સવના દિવસો સુધી ગીતો તથા સૂત્રો સાથેની પ્રભાતફેરીનું ગામમાં આયોજન કરાશે. દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, સહકારી સંસ્થાઓ પાસેથી લોકફાળો મેળવવા પ્રયાસો કરાશે. વિદ્યાલક્ષ્મી બોન્ડનું વિતરણ તથા મધ્યાહન ભોજન યોજના અમલીકરણની ચકાસણી કરાશે.

મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ ચાલતું કન્યા શિક્ષણનું આ રાજ્ય વ્યાપી ક્રાંતિકારી અભિયાનથી રાજ્યમાં બાળકોના સર્વાંગીણ કૌશલ્યપૂર્ણ વિકાસ માટે અસરકારક પૂરવાર થયું છે. રાજ્યમાં કન્યા કેળવણી માટે લોકજાગૃતિ અને શાળા પ્રવેશ પાત્ર બાળકોના સો ટકા નામાંકન માટે ગરવી ગુજરાતના સ્વર્ણિમ જયંતિ વર્ષમાં યોજાઇ રહેલું કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ અભિયાન સમાજના સંનિષ્ઠ પ્રયાસોથી અભૂતપૂર્વ સફળતા હાંસલ કરશે.