‘JAM’ પાછળનો દૃષ્ટિકોણ, અનેક પહેલોની આધારશિલા બનશે. મારી દૃષ્ટિએ, ‘JAM’ એટલે જસ્ટ એચિવિંગ મેક્ઝિમમ (માત્ર મહત્તમ મેળવવું).
ખર્ચાતા પ્રત્યેક રૂપિયાનું મહત્તમ મૂલ્ય
આપણા દેશના ગરીબો માટે મહત્તમ સશક્તિકરણ
લોકો વચ્ચે ટેકનોલોજીનો મહત્તમ પ્રવેશ
- નરેન્દ્ર મોદી
સ્વતંત્રતાના 67 વર્ષ બાદ પણ ભારતની વસતીના વિશાળ હિસ્સા સુધી બેન્કિંગ સેવાઓ પહોંચી ન હતી. મતલબ કે, તેઓ પાસે બચત માટે કોઈ સાધનો ન હતા કે સંસ્થાકીય ધિરાણ મેળવવા પણ કોઈ તક ન હતી. પ્રધાનમંત્રી મોદીએ 28મી ઓગસ્ટના રોજ આ મૂળભૂત સમસ્યા ઉકેલવા માટે પ્રધાનમંત્રી જન ધન યોજના લૉન્ચ કરી. ગણતરીના મહિનાઓમાં આ યોજના લાખો ભારતીયોના જીવન અને ભવિષ્યમાં જબરદસ્ત પરિવર્તન લાવી. એક જ વર્ષના ગાળામાં 19.72 કરોડ બેન્ક ખાતાં ખોલવામાં આવ્યાં છે. રૂપે કાર્ડસ ઈસ્યુ કરવામાં આવ્યા છે. રૂ. 28699.65 કરોડની થાપણો નોંધાઈ છે. વિક્રમજનક 1,25,697 બેન્ક મિત્ર (બેન્ક કોરેસ્પોન્ડેન્ટ્સ) પણ કાર્યરત બનાવાયા છે. એક અઠવાડિયામાં 1,80,96,130 બેન્ક ખાતાં ખોલવા માટે ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાવ્યો.
લાખો બેન્ક ખાતાં ખોલવા એ પડકારજનક કામ હતું, ત્યારે લોકો તેમના બેન્ક ખાતાંનો ઉપયોગ શરૂ કરવા પ્રેરાય તે માટે વર્તણૂંકમાં પરિવર્તન લાવવું એ બીજો મોટો પડકાર હતો. ઝીરો બેલેન્સ બેન્ક ખાતાંઓની સંખ્યામાં સપ્ટેમ્બર, 2014માં 76.8 ટકાથી ડિસેમ્બર, 2015માં 32.4 ટકા જેટલો તીવ્ર ઘટાડો નોંધાયો હતો. અત્યાર સુધીમાં ઓવરડ્રાફ્ટ તરીકે રૂ. 131 કરોડ કરતાં વધુ રકમ મેળવવામાં આવી છે.
આ બધું જ, પ્રધાનમંત્રી મોદીના વિશ્વાસ અને લોકોને તેમજ સરકારી મશીનરીને કામમાં જોતરવાની તેમની શક્તિને કારણે શક્ય બન્યું. આ અસાધારણ કાર્ય મિશન તરીકે હાથ ધરાયું હતું અને સરકાર તેમજ જાહેર જનતાની ઉદાહરણીય ભાગીદારી અને સહભાગિતા વડે હાંસલ કરવામાં આવ્યું હતું.
બેન્ક ખાતાંઓને કારણે લાખો ભારતીયો સુધી બેન્કિંગ સેવાઓ પહોંચાડી શકાઈ છે, જેના પરિણામે, તેમણે ભ્રષ્ટાચાર અટકાવવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. હવે, સીધી લાભ તબદીલી (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર્સ) સ્વરૂપે લાભાર્થીને મળતી સબસીડી સીધી તેમના બેન્ક ખાતાંઓમાં જમા કરવામાં આવે છે, જેથી લાભાર્થી સુધી પહોંચતી સહાયમાં વચ્ચે થતી ગરબડ અને મનસ્વી પગલાં દૂર થયાં. પહલ યોજનાને તાજેતરમાં જ વિશ્વની સૌથી મોટી સીધા રોકડ લાભ તબદીલ કરતી યોજના તરીકે ગિનિઝ બૂક ઑફ વર્લ્ડ રેકોર્ડસમાં સ્થાન મળ્યું છે. પહલ યોજના હેઠળ એલપીજીની સબસીડી સીધી લાભાર્થીના બેન્ક ખાતામાં જમા થાય છે. આ યોજના હેઠળ 14.62 કરોડ લોકોને સીધી રોકડ સબસીડી મળી રહી છે. આ યોજનાની મદદથી જ આશરે 3.34 કરોડ ડુપ્લિકેટ અથવા નિષ્ક્રિય ખાતાંઓ શોધી કાઢવામાં અને બ્લોક કરવામાં આવ્યાં છે, જેનાથી કરોડો રૂપિયાની બચત થઈ છે. હાલમાં આશરે સરકાર 35થી 40 યોજનાઓ માટે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર્સનો ઉપયોગ કરી રહી છે અને આશરે વર્ષ 2015માં રૂ. 40000 કરોડ સીધા લાભાર્થીના બેન્ક ખાતામાં જમા કરવામાં આવ્યાં હતાં.
એકવાર લોકોને બેન્કિંગની મૂળભૂત સવલતો મળતી થઈ એટલે એનડીએ સરકારે નાગરિકોને વીમા અને પેન્શનનું રક્ષણ આપવાનું ઐતિહાસિક પગલું ભર્યું. પ્રધાન મંત્રી સુરક્ષા બીમા યોજના હેઠળ વર્ષે માત્ર રૂ. 12માં રૂ. 2 લાખનું અકસ્માત વીમા રક્ષણ મળે છે. પ્રધાન મંત્રી જીવન જ્યોતિ બીમા યોજના હેઠળ વર્ષે માત્ર રૂ. 330માં જીવન વીમા રક્ષણ મળે છે. અટલ પેન્શન યોજના હેઠળ યોગદાનને આધારે દર મહિને રૂ. 5000 સુધીનું પેન્શન મળે છે. 9.2 કરોડ કરતાં પણ વધુ લોકો પ્રધાન મંત્રી સુરક્ષા બીમા યોજના અને લગભગ 3 કરોડ લોકો પ્રધાન મંત્રી જીવન જ્યોતિ બીમા યોજનામાં જોડાયા છે. આશરે 15.85 લાખ લોકો અટલ પેન્શન યોજનામાં નોંધાયા છે.