પ્રિય મિત્રો,
નીલ આર્મસ્ટ્રોંગનાં મૃત્યુથી એક સમગ્ર યુગનો અંત આવ્યો છે! જ્યારે મેં તેમનાં મૃત્યુનાં દુઃખદ સમાચાર વાંચ્યા ત્યારે મારા મનમાં વર્ષો પહેલાની યાદો તાજી થઈ આવી, જ્યારે હું અમેરિકાની મુલાકાતે ગયો હતો. આમ તો મને ઘણા લોકોને મળવાની ઈચ્છા હતી, પણ ખાસ તો હું ચંદ્ર પર પગ મુકનાર સૌ પ્રથમ વ્યક્તિ નીલ આર્મસ્ટ્રોંગને મળવા ખૂબ ઉત્સુક હતો. સદનસીબે હું તેમને મળી શક્યો. તેમની સાથેની મારી મુલાકાત ખૂબ યાદગાર બની રહી. તેમણે મારી સાથે ઘણી ઉષ્માભરી રીતે વાતો કરી. મુલાકાત દરમ્યાન મેં તેમને પૂછ્યું કે તેમની ચંદ્રયાત્રાનાં અનુભવને બે વાક્યમાં વર્ણવવાનો હોય તો તેઓ શું કહેશે? અને તેમનો જવાબ મારી સ્મૃતિમાં આજેય અંકિત છે. તેમણે કહ્યું, “જ્યારે હું ચંદ્ર ઉપર ગયો હતો ત્યારે એક અવકાશયાત્રી રૂપે ગયો હતો, પણ જ્યારે પાછો આવ્યો ત્યારે એક માનવ બનીને પાછો આવ્યો છું. આ જ મારો અનુભવ છે.” મિત્રો, નીલ આર્મસ્ટ્રોંગનાં એક નાનકડા કદમે માણસજાત માટે એક નવું વિશ્વ ઊભું કરી દીધું. તેમનાં મૃત્યુ બાદ તેમનાં કુટુંબ દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં નીલ આર્મસ્ટ્રોંગનાં જીવનનો સાર ખૂબ સુંદર રીતે છતો થાય છે – “જેઓ એમ પૂછતા હોય કે નીલનાં માનમાં અમે શું કરીએ, તેમને અમારી એક જ વિનંતી છે. નીલે સેવાવૃત્તિ, સિદ્ધિ અને નમ્રતાનો જે દાખલો બેસાડ્યો હતો, તેને આદર આપી તેનું અનુસરણ કરો. અને હવે પછી જ્યારે તમે રાત્રિમાં ખુલ્લા આકાશ તળે ચાલવા નીકળ્યા હોવ અને ચંદ્રને તમારી સામે મરકતો જુવો ત્યારે નીલને યાદ કરીને જરા આંખ મટકાવી લેજો.”પ્રભુ તેમના આત્માને શાંતિ આપે.
આપનો,
નરેન્દ્ર મોદી