નરેન્દ્ર મોદીની છાપ ભારે પરિશ્રમ લેનારી વ્યક્તિની છે. અને તે પોતાની ટીમ પાસેથી તેની ક્ષમતાની હદ સુધી કામ લે છે અને ટીમને એથી પણ વધુ આગળ ધપવાની પ્રેરણા પૂરી પાડે છે. પોતાની ટીમ ધાર્યું પરિણામ આપવામાં નિષ્ફળ નિવડે તો મોદી ગુસ્સે થતા હશે? શું મોદી ઉગ્ર સ્વભાવની વ્યક્તિ છે?
તા.31 ડિસેમ્બર, 2012ના રોજ એવી રસપ્રદ પરિસ્થિતિ ઊભી થઈ, જે દ્વારા મોદી આવી સ્થિતિઓમાં કેવો અભિગમ અપનાવે છે તેનો ખ્યાલ આવ્યો. અને આ પ્રસંગ હતો ભારતના કોઈ નેતા દ્વારા સૌ પ્રથમ ગૂગલ હેન્ગઆઉટનો. દુનિયામાં આ બાબતે ભારે ઉત્સુકતા પ્રવર્તતી હતી, પરંતુ બ્રોડકાસ્ટના સમયે જ ગુગલનું સર્વર ક્રેશ થઈ ગયું અને યુ ટ્યુબ ઉપર લાઈવ બ્રોડકાસ્ટ 45 મિનિટ પછી જ શરૂ થઈ શક્યું.
બ્રોડકાસ્ટ પૂરૂ થયું ત્યારે ગૂગલની ઈન્ટરનેશનલ ટીમને ઔપચારિક વાતચીત માટે મોદીની ઓફિસમાં બોલાવવામાં આવી. મોદી ચોકસાઈના આગ્રહી હોવાની પ્રતિષ્ઠા ધરાવતા હોવાથી ગુસ્સાનો સામનો કરવો પડે તેવી સ્થિતિ હતી. કોઈપણ ભારતીય રાજકારણી આવી સ્થિતિમાં કેવું વર્તન કરી શકે તેનો સામાન્ય ખ્યાલ ધરાવતી આ ટીમને સ્મિત કરતા મોદીને જોઈને સુખદ આશ્ચર્ય થયું અને તેમણે ભવિષ્યના આયોજનો તથા ભવિષ્યમાં આવી સ્થિતિ ઉદ્દભવે તો કેવું ટેકનોલોજીકલ અપગ્રેડેશન જરૂરી બને તે અંગે ચર્ચા કરી.
આ માત્ર એક જ ઉદાહરણ નથી. મોદીનો મૂળભૂત સ્વભાવ એવો છે કે તે ક્યારેય મિજાજ ગૂમાવતા નથી, અત્યંત કપરા સંજોગોમાં પણ. આ વાત મોદી સાથે પરામર્શ કરનારા લોકો સ્વિકારે છે. તે ક્યારેય ઉગ્રતા દાખવતા નથી. પોતાની ટીમની વ્યક્તિ ધાર્યું પરિણામ આપવામાં નિષ્ફળ નિવડે તો તે આ તકનો લાભ લઈ અનુભવ દ્વારા શિખવાની તથા વિગતવાર આયોજનો કરીને હવે પછીથી તેનો અમલ કરવા સલાહ આપે છે. જ્યાં સુધી કશુંક શિખવાનો અભિગમ હોય તો મોદી તેમાં તમારે પક્ષે રહેશે.