યોગી પરિવારના તમામ મહાનુભાવો આજે 7 માર્ચ છે, પુરા 65 વર્ષ પહેલા એક શરીર આપણી પાસે રહીને ગયું અને એક સીમિત મર્યાદામાં બંધાયેલી આત્મા યુગોની આસ્થા બનીને ફેલાઈ ગઈ.
આજે આપણે 7 માર્ચે એક વિશેષ અવસર પર એકઠા થયા છીએ. હું શ્રી શ્રી માતાજીને પણ પ્રણામ કરું છું કે મને જણાવવામાં આવ્યું કે ત્યાં લોસ એન્જલસમાં તેઓ પણ આ કાર્યક્રમમાં સામેલ છે.
જે રીતે સ્વામીજી જણાવી રહ્યા હતા કે દુનિયાના 95 ટકા લોકો પોતાની માતૃભાષામાં યોગીજીની આત્મકથાને વાંચી શકે છે પણ તેના કરતા વધારે એ વાત ઉપર મારું ધ્યાન જાય છે કે શું કારણ હશે કે દુનિયામાં જે વ્યક્તિ કે જે ન તો આ દેશને જાણે છે, ન તો અહીંની ભાષા જાણે છે, ન તો આ પહેરવેશનો શું અર્થ થાય છે તે પણ તેને ખબર નથી, તેને તો આ એક કોસ્ચ્યુમ લાગે છે, શું કારણ હશે કે તે તેને વાંચવા માટે આકર્ષિત થતો હશે. શું કારણ હશે કે તેને પોતાની માતૃભાષામાં તૈયાર કરીને બીજાઓ સુધી પહોંચાડવાનું મન કરતું હશે. આ અધ્યાત્મિક ચેતનાની અનુભૂતિનું આ પરિણામ છે કે દરેક વ્યક્તિ વિચારે છે કે હું જ કોઈક પ્રસાદ વેહેંચું, આપણે મંદિરમાં જઈએ છીએ, થોડો પણ પ્રસાદ મળી જાય તો ઘરે જઈને પણ થોડો થોડો પણ જેટલા લોકોને વહેંચી શકીએ તેટલો વહેંચીએ છીએ. તે પ્રસાદ મારો નથી, ના તો મેં તેને બનાવ્યો છે પણ તે કંઈક પવિત્ર છે, હું વહેંચું છું તો મને સંતોષ મળે છે.
યોગીજીએ જે કર્યું છે આપણે તેને પ્રસાદ રૂપે લઈને વહેંચતા જઈ રહ્યા છીએ તો એક અંદરના આધ્યાત્મિક સુખની અનુભૂતિ કરી રહ્યા છીએ. અને તે જ મુક્તિના માર્ગ વગેરેની ચર્ચા આપને ત્યાં ખૂબ થાય છે, એક એવો પણ વર્ગ છે જેમની વિચારધારા છે કે આ જીવનમાં જે છે તે છે; કાલ કોણે જોઈ છે, કેટલાક લોકો છે જે મુક્તિના માર્ગને પ્રશસ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે પણ યોગીજીની સંપૂર્ણ યાત્રાને જોઇ રહ્યા છીએ તો ત્યાં મુક્તિના માર્ગની જ નહીં પરંતુ અંતરયાત્રાની ચર્ચા છે. તમે અંદર કેટલા જઈ શકો છો, પોતાની અંદર કેટલા સમાઈ શકો છો. ત્રુટીગત વિસ્તાર એક સ્વભાવ છે, અધ્યાત્મ અંદર જવા માટેની એક અવિરત અનંત મંગલ યાત્રા છે અને તે યાત્રાને સાચા માર્ગ પર સાચી ગતિએ યોગ્ય ગંતવ્ય પર પહોંચાડવા માટે આપણા ઋષિઓએ, મુનિઓએ, આચાર્યોએ, ભગવતીઓએ, તપસ્વીઓએ એક ખૂબ મોટું યોગદાન આપ્યું છે અને સમય સમય પર કોઈ ને કોઈ રૂપમાં આ પરંપરા આગળ વધતી જઈ રહી છે.
યોગીજીના જીવનની વિશેષતા, જીવન તો ખૂબ અલ્પ સમયનું રહ્યું, કદાચ તે પણ કોઈ આધ્યાત્મિક સંકેત હશે. ક્યારેક ક્યારેક હઠીઓને ખરાબ માનવામાં આવે છે પણ તેઓ પ્રખર રૂપે હઠ યોગના સકારાત્મક પાસાઓને તર્ક વિતર્કની રીતે વ્યાખ્યા કરતા હતા. પરંતુ દરેક વ્યક્તિને ક્રિયા યોગ તરફ આકર્ષિત કરતા હતા, હવે હું માનું છું કે યોગના જેટલા પણ પ્રકાર છે તેમાં ક્રિયા યોગે પોતાનું એક સ્થાન નિશ્ચિત કરેલું છે. જે આપણને આપણા અંતર તરફ લઇ જવા માટે જે આત્મબળની જરૂરિયાત હોય છે. કેટલાક યોગ એવા હોય છે કે જેમાં શરીરના બળની જરૂર હોય છે, ક્રિયા યોગ એવો છે જેમાં આત્મબળની જરૂર હોય છે, જે આત્મબળની યાત્રાથી લઇ જાય છે અને એટલા માટે, અને જીવનનો ઉદ્દેશ કેવો, ખૂબ ઓછા લોકોના આવા ઉદ્દેશ્ય હોય છે. યોગીજી કહેતા હતા કે ભાઈ હું દવાખાનામાં પથારી ઉપર મરવા નથી માગતો. હું તો જોડા પહેરીને ક્યારેક મહાભારતીનું સ્મરણ કરતા કરતા છેલ્લી વિદાય લઉં તે રૂપ ઇચ્છુ છું. અર્થાત તેઓ ભારતને વિદાય, નમસ્તે કરીને ચાલી નીકળ્યા પશ્ચિમની દુનિયાને સંદેશ આપવાનું સપનું લઈને નીકળી પડ્યા. પરંતુ કદાચ એક સેકન્ડ પણ એવી કોઈ અવસ્થા નહીં હોય કે જયારે તેઓ આ ભારત માતાથી અલગ થયા હશે.
હું ગઈકાલે કાશીમાં હતો, બનારસથી જ હું રાત્રે આવ્યો, અને યોગીજીની આત્મકથામાં બનારસમાં તેમના બાળપણની વાતો ભરપુર માત્રામાં, શરીર તો ગોરખપુરમાં જન્મ્યું હતું પણ બાળપણ બનારસમાં વીત્યું અને તે મા ગંગા અને ત્યાંની બધી પરંપરા તે આધ્યાત્મિક શહેરની તેમના મન પર જે અસર હતી જેણે તેમના બાળપણને એક રીતે સજાવ્યું, સવાર્યું, ગંગાની પવિત્ર ધારાની જેમ તેને વહાવ્યું અને તે આજે પણ આપણા સૌની અંદર વહી રહ્યું છે. જયારે યોગીજીએ પોતાનું શરીર છોડ્યું તે દિવસે પણ તેઓ કાર્યરત હતા પોતાના કર્તવ્ય પદ પર. અમેરિકા જે ભારતના રાજદૂતો હતા તેમનો સમ્માન સમારોહ ચાલી રહ્યો હતો અને ભારતના સન્માન સમારોહમાં તેઓ વ્યાખ્યાન આપી રહ્યા હતા અને તે જ સમયે કદાચ કપડા બદલવામાં વાર લાગે એટલી પણ વાર ના લાગી અને એમ જ નીકળી પડ્યા અને જતા જતા તેમના જે છેલ્લા શબ્દો હતા, હું સમજુ છું કે દેશભકિત હોય છે માનવતાની, અધ્યાત્મ જીવનની યાત્રાને ક્યાં લઇ જાય છે તે શબ્દોમાં ખૂબ અદ્ભુત રીતે, છેલ્લાં શબ્દો છે યોગીજીના અને તે જ સમારોહમાં અને તે પણ એક રાજ્દૂતનો, સરકારી કાર્યક્રમ હતો, અને તે કાર્યક્રમમાં પણ યોગીજી કહી રહ્યા છે, જ્યાં ગંગા, જંગલ, હિમાલય, ગુફાઓ અને મનુષ્ય ઈશ્વરના સપના જુએ છે, અર્થાત જુઓ ક્યાં સુધી વિસ્તાર છે, ગુફાઓ પણ ઈશ્વરના સપના જુએ છે, જંગલ પણ ઈશ્વરના સપના જુએ છે, ગંગા પણ ઈશ્વરના સપના જુએ છે, માત્ર મનુષ્ય નહીં.
હું ધન્ય છું કે મારા શરીરે તે માતૃભૂમિને સ્પર્શ કર્યો. જે શરીરમાં તે વિરાજમાન હતા, તે શરીર દ્વારા નીકળેલા તે છેલ્લાં શબ્દો હતા. પછી તે આત્મા પોતાનું વિચરણ કરીને ચાલી ગઈ જે આપણા સૌમાં વિસ્તૃત થાય છે. હું સમજુ છું કે એકાત્મભાવ, આદી શંકરે અદ્વૈતના સિદ્ધાંતની ચર્ચા કરી છે. જ્યાં દ્વૈત્ય નથી તે જ અદ્વૈત છે. જ્યાં હું નથી, હું અને તું નથી, તે જ અદ્વૈત્ય છે. જે હું છું અને તે ઈશ્વર છે એવું નથી માનતો, તે માને છે કે ઈશ્વર મારી અંદર છે, હું ઈશ્વરમાં છું, તે અદ્વૈત્ય છે. અને યોગીજીએ પણ તેમની એક કવિતામાં ખૂબ સુંદર રીતે આ વાતને, આમ તો તેને, આમાં લખવામાં તો નથી આવ્યું, પણ હું જયારે તેનું અર્થઘટન કરતો હતો, જયારે આ વાંચતો હતો તો હું તેને અદ્વૈત્યના સિદ્ધાંત સાથે ખૂબ નજીકથી જોતો હતો.
અને તેમાં યોગીજી કહે છે, “બ્રહ્મ મારામાં સમાઈ ગયું, હું બ્રહ્મમાં સમાઈ ગયો”. આ પોતાનામાં જ અદ્વૈત્યના સિદ્ધાંતનું એક સરળ સ્વરૂપ છે – બ્રહ્મ મારામાં સમાઈ ગયું, હું બ્રહ્મમાં સમાઈ ગયો. “જ્ઞાન, જ્ઞાતા, જ્ઞૈ:” બધા એક થઇ ગયા. જેમ આપણે કહીએ છીએ ને કે “કર્તા અને કર્મ” એક થઇ જાય, ત્યારે સિદ્ધિ સહજ બની જાય છે. કર્તાને ક્રિયા નથી કરવી પડતી અને કર્મ કર્તાની રાહ નથી જોતું. કર્તા અને કર્મ એકરૂપ બની જાય છે ત્યારે સિદ્ધિની અનોખી અવસ્થા બની જાય છે.
તે જ રીતે યોગીજી આગળ કહે છે, શાંત, અખંડ, રોમાંચ સદા, શાંત, અખંડ, રોમાંચ સદા, શાંત, અખંડ, રોમાંચ સદા માટે જીવતી જાગતી, નિત્ય નુતન શાંતિ, નિત્ય નવીન શાંતિ. એટલે કે કાલની શાંતિ આજે કદાચ કામ ના આવે. આજે મારે નિત્ય, નુતન, નવીન શાંતિ જોઈએ અને એટલા માટે અહિંયા સ્વામીજીએ છેલ્લે પોતાના શબ્દો કહ્યા, “ઓમ શાંતિ શાંતિ”. આ કોઈ પ્રોટોકોલ નથી, એક ઘણી લાંબી તપસ્યા પછી થયેલી અનુભૂતિનો એક પડાવ છે. એટલે જ તો ‘ઓમ શાંતિ, શાંતિ, શાંતિ’ની વાત આવે છે. બધી જ આશાઓ અને કલ્પનોથી પરે, બધી જ આશાઓ અને કલ્પનાઓથી પરે આનંદ આપનારો સમાધિનો પરમઆનંદ. આ અવસ્થાનું વર્ણન કે જે એક સમાધિ કવિતામાં, યોગીજીએ ખૂબ સુંદર રીતે આપણી સામે પ્રસ્તુત કર્યું છે અને હું સમજુ છું કે આટલી સરળતાથી જીવનને ઢાળી દઈએ અને યોગીજીના સંપૂર્ણ જીવનને જોઈએ, આપણે હવા વગર નથી રહી શકતા. હવા દરેક ક્ષણે હોય છે પણ ક્યારેક આપણે હાથ આ બાજુ લઇ જવો હોય તો હવા કહે છે કે ના ઊભા રહો, મને જરા ખસી જવા દો. હાથ અહિંયા ફેલાયેલો છે તો તે કહે છે કે ના, ઊભા રહો મને અહિંયા વહેવા દો. યોગીજીએ પોતાનું સ્થાન તે જ રૂપે આપણી આસપાસ સમાહિત કરી દીધું કે આપણને અહેસાસ થતો રહે, પણ અડચણ ક્યાંય નથી આવતી. વિચારીએ છીએ કે ઠીક છે આજે આ નથી કરી શક્યા, કાલે કરી લઈશું. આ પ્રતીક્ષા, આ ધૈર્ય ખૂબ ઓછી વ્યવસ્થાઓ અને પરંપરાઓમાં જોવા મળે છે. યોગીજીએ વ્યવસ્થાઓને પણ એટલી લવચીકતા આપી અને આજે શતાબ્દી થઇ ગઈ, પોતે તો આ સંસ્થાને જન્મ આપીને ચાલ્યા ગયા. પણ આ એક આંદોલન બની ગયું, આધ્યાત્મિક ચેતનાની નિરંતર અવસ્થા બની ગઈ અને અત્યાર સુધીમાં કદાચ ચોથી પેઢી આજે આમાં સક્રિય હશે. આની પહેલા ત્રણ ચાર ચાલી ગઈ.
પરંતુ ના તો વહેમ આવ્યો કે ના તો વળાંક આવ્યો. જો સંસ્થાગત મોહ હોત, જો વ્યવસ્થા કેન્દ્રી પ્રક્રિયા હોત તો વ્યક્તિના વિચાર, પ્રભાવ, સમય, તેનો તેમની ઉપર પ્રભાવ પડ્યો હોત. પરંતુ જે આંદોલન કાળ કાલાતીત હોય છે, કાળના બંધનોમાં બંધાયેલું નથી હોતું, અલગ અલગ પેઢીઓ આવે છે તો પણ વ્યવસ્થાઓમાં ના તો ક્યારેય ટકરાવ આવે છે ના અતડાપણું આવે છે, તે તો હલકી ફૂલકી રીતે પોતાના પવિત્ર કાર્યને કરતા રહે છે.
યોગીજીનું એક ખૂબ મોટું યોગદાન છે કે એક એવી વ્યવસ્થા આપીને ગયા કે જે વ્યવસ્થામાં બંધન નથી. તેમ છતાં જેમ પરિવારમાં કોઈ બંધારણ નથી હોતું પણ પરિવાર ચાલે છે. યોગીજીએ પણ તેની એવી વ્યવસ્થા બનાવી કે જેમાં સહજ રૂપે પ્રક્રિયાઓ ચાલી રહી છે. તેમના બહાર ગયા બાદ પણ ચાલતી રહી અને આજે તેમના આત્મિક આનંદને મેળવતા મેળવતા આપણે લોકો પણ તેને ચલાવી રહ્યા છીએ. હું સમજું છું કે આ ખૂબ મોટું યોગદાન છે. દુનિયા આજે અર્થજીવનથી પ્રભાવિત છે, ટેકનોલોજીથી પ્રભાવિત છે અને એટલા માટે દુનિયામાં જેનું જે જ્ઞાન હોય છે, તે જ ત્રાજવે તે વિશ્વને તોલે પણ છે. મારી સમજના હિસાબે હું તમારું અનુમાન લગાવું છું. જો મારી સમજ કંઈક અલગ હશે તો હું તમારું અનુમાન અલગ લગાવીશ, તો આ વિચારવાવાળાની ક્ષમતા, સ્વભાવ અને તે પરિવેશનું પરિણામ હોય છે. તેના કારણે વિશ્વની દ્રષ્ટીએ ભારતની તુલના થતી હશે, તો વસતીના સંબંધમાં થતી હશે, જીડીપીના સંદર્ભમાં થતી હશે, રોજગાર બેરોજગારના સંદર્ભમાં થતી હશે. તો આ વિશ્વના એ જ ત્રાજવા છે, પરંતુ દુનિયાએ જે ત્રાજવાને ક્યારેય જાણ્યું નથી, ઓળખ્યું નથી, ભારતની ઓળખાણનો એક બીજો પણ માપદંડ છે, એક ત્રાજવું છે અને તે જ ભારતની તાકાત છે, તે છે ભારતનું અધ્યાત્મ. દેશનું દુર્ભાગ્ય છે કે કેટલાક લોકો અધ્યાત્મને પણ ધર્મ માને છે, તે વધારે દુર્ભાગ્ય છે. ધર્મ, રીલિજન, સંપ્રદાય આ બધા અને અધ્યાત્મ એ બહુ અલગ છે. અને આપણા પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામજી વારંવાર કહેતા હતા કે ભારતનું આધ્યાત્મીકરણ એ જ તેનું સામર્થ્ય છે અને આ પ્રક્રિયા નિરંતર ચાલતી રહેવી જોઈએ. યોગ એક સરળ પ્રવેશ દ્વાર છે, મારા માટે દુનિયાના લોકોને તમે ‘આત્મવત સર્વભૂતેષુ’ સમજાવવા જશો તો ક્યાં મેળ પડવાનો હતો, એક બાજુ જ્યાં ખાઓ, પીઓ અને જલસા કરોની ચર્ચા થાય છે ત્યાં ‘तेन त्यक्तेन भुन्जिता:’ કહીશ તો ક્યાં ગળે ઉતરશે.
પણ જો હું એમ કહું કે ભાઈ તમે નાક પકડીને આવી રીતે બેસી જાઓ થોડો આરામ મળી જશે તો તેને લાગે છે કે ચાલો શરુ કરી દઈએ. તો યોગ જે છે તે આપણી આધ્યાત્મિક યાત્રાનું પ્રવેશદ્વાર છે, કોઈ તેને અંતિમ ના માની લે. પરંતુ દુર્ભાગ્યથી ધન બળની પોતાની જ એક તાકાત હોય છે, ધનવૃત્તિ પણ રહે છે. અને તેના કારણે તેનું પણ વ્યાવસાયીકરણ થઇ રહ્યું છે, આટલા ડોલરમાં આટલી સમાધિ થશે આ પણ… અને કેટલાક લોકોએ યોગને જ અંતિમ માની લીધું છે.
યોગ અંતિમ નથી, તે અંતિમ તરફ લઇ જવાના માર્ગમાં પહેલું પ્રવેશ દ્વાર છે અને કોઈ પહાડ પર આપણી ગાડી ચલાવવી હોય તો ત્યાં ધક્કા લગાવીએ છીએ, ગાડી બંધ પડી જાય છે પણ એક વાર ચાલુ થઇ જાય તો પછી ગતિ પકડી લે છે, યોગનું એક એવું પ્રવેશ દ્વાર એક વાર પહેલી વાર જો તેને પકડી લીધું નીકળી ગયા પછી તો તે ચાલતું રહે છે. પછી વધારે મહેનત નથી કરવી પડતી, તે પ્રક્રિયા જ તમને લઇ જાય છે જે ક્રિયા યોગ કહેવાય છે.
આપણા દેશમાં ફરી કાશીની યાદ આવવી ખૂબ સ્વાભાવિક છે, મને સંત કબીર દાસ, કેવી રીતે આપણા સંતોએ દરેક વસ્તુને કેટલી સરળતાથી પ્રસ્તુત કરી છે, સંત કબીર દાસજીએ એક ખૂબ રસપ્રદ વાત કરી છે અને હું સમજુ છું કે તે યોગીજી ઉપર પૂરી રીતે લાગુ પડે છે, તેમણે કહ્યું છે કે “अवधूता युगन युगन हम योगी…आवै ना जाय, मिटै ना कबहूं, सबद अनाहत भोगी” કબીર દાસ કહે છે યોગી, યોગી તો યુગો યુગો સુધી રહે છે..ના આવે છે ના જાય છે..ના તો નામશેષ થાય છે. હું સમજું છું કે આજે આપણે યોગીજીના તે આત્મિક સ્વરૂપ સાથે એક સહયાત્રાની અનુભૂતિ કરી રહ્યા છીએ ત્યારે સંત કબીર દાસની આ વાત એટલી જ સટીક છે કે યોગી જતા નથી, યોગી આવતા નથી, તે તો આપણી વચ્ચે જ હોય છે.
તે જ યોગીને નમન કરીને આપ સૌની વચ્ચે આ પવિત્ર વાતાવરણમાં મને સમય વિતાવવાનું સૌભાગ્ય મળ્યું, મને ઘણું સારું લાગ્યું. ફરી એકવાર યોગીજીની આ મહાન પરંપરાને પ્રણામ કરીને બધા જ સંતોને પ્રણામ કરીને અને આધ્યાત્મિક યાત્રાને આગળ વધારવામાં પ્રયાસ કરનારા દરેક નાગરિક પ્રત્યે આદર ભાવ વ્યક્ત કરીને હું મારી વાણીને વિરામ આપું છું. આભાર.