નરેન્દ્રભાઇ મોદીએ વનવાસી ક્ષેત્રમાં ચૂંટણી ઝૂંબેશ વેગીલી બનાવી
નાનાપોંઢા-કપરાડા, લીંબડી-દાહોદ ભરૂચમાં વિરાટ સંખ્યામાં વનવાસી સમાજની જનસભાઓ
ગુજરાતના વિકાસમાં રોડાં નાંખે એવી દિલ્હીની કોંગ્રેસી સલ્તનત ફગાવી દો… ગુજરાતની વિકાસયાત્રાને સડસડાટ દોડાવવા અડવાણીજીની કેન્દ્ર સરકાર જોઇએ
મનમોહનસિંહની મીઠા વગરની સરકારે ખાંડ મોંધી કરીને મોંધવારીમાં ગરીબોનું જીવતર બેહાલ કર્યું
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં ચૂંટણી ઝૂંબેશને વધુ આક્રમક બનાવતા આજે જણાવ્યું હતું કે ગુજરાતના વિકાસમાં રોડાં નાંખનારી કેન્દ્રની કોંગ્રેસી સલ્તનતને ફગાવી દેવાની છે. અડવાણીજીના હાથમાં દિલ્હી સરકાર હશે તો ગુજરાતની વિકાસયાત્રા સડસડાટ દોડતી જ રહેશે.મુખ્યમંત્રીશ્રીએ આજે દિવસ દરમિયાન વનવાસી ક્ષેત્રમાં ભાજપાની જનસભાઓમાં કોંગ્રેસની સત્તાલાલસા ઉપર સીધું નિશાન કરતા જણાવ્યું કે પાંચ વર્ષમાં તો કોંગ્રેસે આખા દેશમાં વોટબેન્કના રાજકારણનું ઝેર ફેલાવી દીધું છે.
આતંકવાદ, નકસલવાદ, માઓવાદ, ઉગ્રવાદ, બાંગલાદેશી ધૂસણખોરી જેવા ખતરનાકના હિંસક ખેલ રોકવાની હિંમત નથી અને મોંધવારી ડામવામાં મજબૂરી છે એવી કોંગ્રેસ સરકારને શા માટે કેન્દ્રમાં બેસાડવી જોઇએ? એવા વેધક સવાલો તેમણે ઉઠાવ્યા હતા.
વલસાડ લોકસભાના નાના-મોટા પોંઢા, દાહોદ બેઠકમાં લીંબડી અને ભરૂચની આ વનવાસી જનસભાઓમાં શ્રી નરેન્દ્રભાઇ મોદીને વારંવાર હર્ષનાદોથી વધાવી લેવામાં આવ્યા હતા.
ગરીબોને કોંગ્રેસે ત્રણ રૂપિયે કીલો ધઉં આપવાની કરેલી જાહેરાતનો છેદ ઉડાડતાં લોકલાડીલા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે પાંચ વર્ષ સુધી સત્તા ભોગવી ત્યાં સુધી ગરીબો યાદ કેમ ના આવ્યા? ગુજરાતમાં તો ભાજપા સરકાર સાત વર્ષથી ગરીબોને બે રૂપિયે કીલો ધઉં આપે છે. ભાજપાની સરકાર કેન્દ્રમાં આવશે તો દેશના ગરીબોને બે રૂપિયે કીલો ધઉં મળશે. ગરીબોએ નિર્ણય કરી લેવાનો છે કે ત્રણ રૂપિયે કીલોવાળી કોંગ્રેસને સરકારમાં રાખવી છે કે બે રૂપિયે ધઉં આપે તેવી ભાજપાની સરકારને બેસાડશો? એવો જનસભામાં સવાલ કરતા હજારો વનવાસીઓએ હાથ ઉંચા કરીને ભાજપા માટે સમર્થન કર્યું હતું. તેમણે એવો પણ પ્રહાર વેધકરૂપે કર્યો હતો કે કોંગ્રેસ બે રૂપિયે કીલોવાળા ધઉં ગરીબોને ત્રણ રૂપિયે કીલો વેચીને રૂપિયો ટપકાવી લેશે! જે કોંગ્રેસના વડાપ્રધાન, આ દેશની સંપતી ઉપર ગરીબોના પ્રથમ અધિકારને માન્ય નથી રાખતા તે કોંગ્રેસને ગરીબો શા માટે મત આપે?
પંચાવન વર્ષ સુધી કોંગ્રેસના એક પરિવારે જ સત્તા સુખ ભોગવ્યું અને આદિવાસી કે ગરીબોની પીડા એમને સમજાઇ નહીં-અટલ બિહારી વાજપેઇની સરકાર પહેલી એવી સરકાર હતી જેણે આદિવાસીની માનવ ગરિમા સ્થાપી, અલગ મંત્રાલય, અલગ બજેટ આપ્યા-ગુજરાતમાં ભાજપાની સરકારે આજે વનબંધુ યોજનામાં તાલુકે-તાલુકે વિજ્ઞાનની હાઇસ્કુલો અને ટેકનીકલ સંસ્થાઓ શરૂ કરી, ત્રણ નર્સિંગ સ્કુલો ચાલુ કરી છે, ઇજનેરી કોલેજોમાં આદિવાસી ક્ષેત્રમાં છે. યુવક-યુવતિ ડોકટર, એન્જીનિયર પાઇલોટ બની શકે તેવી તકો આપી છે.
કોંગ્રેસે આપી આપીને શું આપ્યું? મરધાં-બતકાં ખરીદવા લોન આપી એમાંથી ઇંડા-મરધાં થયા તેની મિજબાની આ સાહેબો જ ઉડાવે…કેમ ટ્રેકટરની, ખેતીની લોન આપી નહીં કારણ આદિવાસી પગભર બને તો કોંગ્રેસની પોલ ખૂલી જાય!-આવા અનેક કટાક્ષ તેમણે કર્યા હતા.
ચાર મહિના પહેલાં દેશમાં ખાંડનો ભંડાર ભરેલો એમ વડાપ્રધાને કહેલું આજે ખાંડના ભાવ આસમાને છે-મનમોહનસિંહની મીઠાં વગરની સરકારે ખાંડ મોંધી કરીને ગરીબો ઉપર મોંધવારીની પીડા વકરાવી હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગરીબો અને ગામડાંઓ માટે રસ્તા, પાણી, વીજળીની સુવિધા કોંગ્રેસના રાજમાં કેવી હતી અને અત્યારના ભાજપાની સરકારમાં કેવી છે તેની સરખામણી કરશો તો જણાશે કે કોંગ્રેસે પાયાની સવલતોથી પણ ગરીબોને વંચિત રાખેલા…
કોંગ્રેસ માટે ગરીબો, વનવાસીઓ, દલિતો બધાના ભોગે વોટબેન્કનું રાજકારણ ખેલીને એક સંપ્રદાયના આધારે સત્તાસ્થાને બેસી રહેવું છે પરંતુ હવે ગરીબો અને વંચિતોએ ભાજપાના શાસનમાં વિકાસ શું છે તેની અનુભૂતિ કરી છે તેથી કોંગ્રેસથી છેતરાશે નહીં. કોંગ્રેસ તો છેલ્લી ધડીએ પણ ખેલ પાડવાની છે જ, પણ બીજા પાંચ વર્ષ પાણીમાં જાય નહીં તે માટે દિલ્હીમાં સત્તા માટે કુસ્તી કરનારા તકવાદી પક્ષોની શાન ઠેકાણે લાવવા અને કોંગ્રેસથી મૂકિત મેળવવાનો આ અવસર ઝડપી લઇને ભાજપાનું કમળ ખીલવવાનો અનુરોધ તેમણે કર્યો હતો.
મધ્યગુજરાતના પેટલાદ અને નડિયાદમાં પણ મુખ્યમંત્રીશ્રીની વિશાળ જનસભાઓ યોજવામાં આવી.