મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ તેમને આ વર્ષમાં મળેલી વિવિધલક્ષી ભેટસોગાદોની અવનવીન એવી વધુ ૮૪૧ ચીજવસ્‍તુઓ આજે તેમના જન્‍મિદવસે સરકારી તોષાખાનામાં જમા કરાવી હતી. આમાં ૧૨૮ જેટલી તો ચાંદીની ભેટસોગાદો છે.જેનું મૂલ્‍ય રૂ. ૧૮.૪૧ લાખ જેટલું થવા જાય છે. આજે જમા થયેલી કુલ ૮૪૧ ભેટસોગાદોનું અંદાજીત એકંદર મૂલ્‍ય રૂ. ૨૪,૧૯,૩૪૮ થવા જાય છે જેની હરાજી હવે પછી થશે.

શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ગુજરાતની કન્‍યાઓને શિક્ષિત બનાવવા અનોખો વ્‍યક્તિગત સંકલ્‍પ કર્યો છે. જાહેર સમારંભો અને પ્રજાજનો તરફથી તેમને મળતી તમામ પ્રકારની કિંમતી ભેટસોગાદો રાજય સરકારના તોષાખાનામાં તેઓ શાસનની શરૂઆતથી જ જમા કરાવતા રહ્યા છે અને જાહેર હરાજીથી તેનું પ્રજામાંથી જ ભંડોળ એકત્ર કરી મુખ્‍યમંત્રી કન્‍યા કેળવણી નિધિ દ્વારા કન્‍યાઓના શિક્ષણ માટે જ વાપરવામાં આવે છે.

નવેમ્‍બર – ૨૦૦૧ થી અત્‍યાર સુધીમાં શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ કન્‍યા કેળવણી માટેના આ પ્રેરક સંકલ્‍પ તરીકે જે ભેટસોગાદો જમા કરાવી અને તેની હરાજીમાંથી માતબર ભંડોળ મેળવ્યું છે અને આજ સુધીમાં ૬૬૩૪ કિંમતી ભેટ સોગાદો સરકારી તોષાખાનામાં જમા કરાવી છે. રાજયની જનતાએ ભારે ઉમળકાભર્યો પ્રતિસાદ આપીને તેની હરાજીમાં ભાગ લીધો છે. અત્‍યાર સુધીમાં અમદાવાદ, ગાંધીનગર, સુરત, મહેસાણા, રાજકોટ, વલસાડ અને વાપી એમ ૯ શહેરોમાં આવી જાહેર હરાજી દ્વારા કુલ રૂ. ૧૦ કરોડ જેટલું માતબર ભંડોળ કન્‍યા કેળવણી માટે એકત્ર થયું છે.

આજે જમા કરાવવામાં આવેલી ભેટસોગાદોની જાહેર હરાજીની તારીખ અને સ્‍થળની જાહેરાત હવે પછી કરાશે.

આજે સરકારી તોષાખાનામાં જમા થયેલી વિવિધ ભેટસોગાદોમાં ચાંદીના કડાં સહીત ચાંદી – સોનાની મૂર્તિઓ, કલાકૃતિઓ, કલામય રથ, ધાતુની અનન્‍ય કલાકૃતિઓ, ઘડિયાળો, સ્‍મૃતિભેટો અને ચંદ્રકો, કાષ્‍ટ કલાકૃતિઓ, શાલ–પાઘડીઓ, કલા છત્રીઓ, સિક્કા,અવનવી ફોટોફ્રેમ, તલવારો અને તીરકામઠા, આદિવાસી અને અન્‍ય કોમના પરંપરાગત વસ્‍ત્રો સહીતની અનેક આકર્ષક ભેટ સોગાદોનો સમાવેશ થાય છે.

મુખ્‍યમંત્રીશ્રીએ કન્‍યા કેળવણીને પ્રોત્‍સાહન આપવા ખાસ કન્‍યા કેળવણી નિધિની રચના કરી છે. મુખ્‍યમંત્રીશ્રીના આ કન્‍યા કેવળણી નિધિમાં અત્‍યાર સુધીમાં રૂ. ૩૯.૫૮ કરોડનું ભંડોળ જનતા જનાર્દને અપ્રતિમ પ્રતિસાદ આપીને એકત્ર કરી આપ્‍યું છે અને તેમાંથી કન્‍યા કેળવણીના પ્રોત્‍સાહન રૂપે રૂ. ૧૪.૭૭ કરોડ કન્‍યા શિક્ષણ પાછળ ઉપયોગમાં લેવામાં આવ્યા છે. શાળા પ્રવેશ કરતી કન્‍યાને રૂ. ૧૦૦૦નું વિધાલક્ષ્‍મી બોન્‍ડ અપાય છે અને પ્રાથમિક શાળાનો અભ્‍યાસ પૂરો કરનારી કન્‍યા આગળ અભ્‍યાસ માટે તેમાંથી પ્રોત્‍સાહન મેળવે છે.