મધ્ય ગુજરાતમાં નરેન્દ્રભાઇ મોદીનું ઝંઝાવાતી ચૂંટણી અભિયાન

ગુજરાતના હિતો જાળવે અને હક્કનું આપે એવી કેન્દ્ર સરકાર અડવાણીજી આપશે

પાંચ વર્ષમાં કોંગ્રેસે સત્તાસુખ માટે દેશના હિતોને ગિરવે મૂકયાં

મતબેન્કના રાજકારણના કારસા કરીને ગરીબોનો ભોગ લીધો-રાજકીય દ્વેષભાવથી ગુજરાતને હળાહળ અન્યાય કરનારી કોંગ્રેસ ના ખપે...

દિલ્હીની ગાદી ઉપરથી "પંજો'' હટશે એટલે લોકોના સુખચેન પાછાં આવશે

મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ મધ્ય ગુજરાતમાં ભાજપાનું ચૂંટણી અભિયાન કરતાં જણાવ્યું હતું કે રાજકીય વેરભાવથી ગુજરાતના હક્કો છીનવી લેનારી અને ધરાર અન્યાય કરનારી કેન્દ્રની કોંગ્રેસી સલ્તનતના દિવસો હવે ભરાઇ ગયા છે. દિલ્હીમાં શ્રી અડવાણીજીના નેતૃત્વમાં એવી સરકાર બનાવીએ જે ગુજરાતના હિતોની જાળવણી કરે અને હક્કનું બધું ગુજરાતને મળે, એમ તેમણે જણાવ્યું હતું.
આગ ઝરતી ગરમીમાં આજે દિવસ દરમિયાન મુખ્યમંત્રીશ્રીની કઠલાલ, કાલોલ, સાવલી, ખંભાત, લીંબડી અને સાણંદમાં જનસભાઓ યોજાઇ હતી. લોકલાડીલા નરેન્દ્રભાઇ મોદીને સાંભળવા દરેક સ્થળે જંગી જનમેદની ઉમટી હતી. આ લોકમિજાજનો ઉલ્લેખ કરી તેમણે જણાવ્યું કે કોંગ્રેસે પાંચ પાંચ વર્ષ ફરીથી સત્તાસુખ ભોગવ્યું પણ દેશહિત ધ્યાનમાં લીધું નહીં, નિર્દોષ જનતાની જિંદગી અસલામત બનાવી દીધી અને સામાન્ય માનવી, ગરીબ, દલિત, આદિવાસી, મહિલા, કિસાનો કોઇ કરતાં કોઇ કોંગ્રેસના રાજમાં સુખચૈનથી જીવી શકયા નથી. મતબેન્કનું રાજકારણ કોંગ્રેસ છોડી શકવાની નથી અને વિકાસની રાજનીતિ અપનાવી શકતી નથી.
ભ્રષ્ટાચારનો જેને કોઇ છોછ નથી રહ્યો એવી કોંગ્રેસ વિદેશમાંથી ભારતીયોનું કાળું નાણું પાછું લાવવા માટે કેમ જનતાને ખાતરી આપતી નથી, તેનું રહસ્ય પ્રજા જાણવા આતુર છે એમ પણ તેમણે જણાવ્યું હતું. અફઝલ જેવા આતંકવાદીને સુપ્રિમ કોર્ટે ફાંસીએ ચઢાવવા આપેલો આદેશ પણ વોટબેન્કના ખેલ કરનારી કોંગ્રેસને મંજૂર નથી.
ગુજરાતના ગુજકોકને મંજૂરી નહીં અને બંદરો-દરિયાકાંઠાની ઉપેક્ષા સહિતના અનેક પ્રશ્નો અભેરાઇએ ચડાવી દેવા માટે કોંગ્રેસની રાજકીય વેર-વિકૃતિને આડે હાથ લેતાં તેમણે જણાવ્યું કે ગુજરાતના પ્રતિનિધિ તરીકે કેન્દ્રમાં બિરાજમાન પેટ્રોલિયમ મંત્રીએ સત્તા સુખ માણવા સિવાય રાજ્યનું શું ભલું કર્યુ. ગુજરાતને હક્કનો ગેસ મળતો અટકાવી દીધો, ગેસગ્રીડ નેટવર્ક ઉભૂં કરવામાં રોડાં નાંખ્યા, શા માટે ગુજરાતની જનતાને કોંગ્રેસ માટે કોઇ પ્રેમ ઉભરાય.

ગુજરાતની જનતાએ નક્કી કરી લીધું છે કે હવે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર કોઇ કાળે ખપે નહીં-કેન્દ્રમાં તો ગુજરાતની મિત્ર બનીને વિકાસયાત્રાને વેગ આપનારી અડવાણીજીની સરકાર માટે ગુજરાતે ગાંઠ બાંધી લીધી છે અને ગુજરાત જે માર્ગ અપનાવે છે તેને આખું હિન્દુસ્તાન સ્વીકારે છે. ગુજરાતે વિકાસની રાજનીતિથી વિકાસની સિદ્ધિ મેળવી કારણ કે ભાજપાની સરકારને જનસમર્થન મળેલું છે, હવે હિન્દુસ્તાનમાં પણ ભાજપાનું નેતૃત્વ જ, વોટબેન્કની રાજનીતિ કરનારી કોંગ્રેસના રાજની બેહાલી દૂર કરવાનો એકમાત્ર ઉપાય છે તેમ તેમણે જણાવ્યું હતું.

પાંચ વર્ષના સત્તાસુખ માટે કોંગ્રેસે દેશના હિતો ગણકાર્યા નથી, ગરીબોની સહાય લીધી છે, યુવાનોની રોજગારી છીનવી લીધી છે, કિસાનોને બેહાલ બનાવ્યા છે અને દેશનું આખું અર્થતંત્ર ખાડે ધકેલી દીધું છે-સો કરોડની વિરાટ જનશકિત ધરાવતા દેશને કોંગ્રેસરૂપી ઉધઇએ એવી રીતે કોરી ખાધો કે શકિતશાળી સેનાને પણ સંપ્રદાયની વાડાબંધીનો ભોગ બનાવતા અચકાઇ નથી-કોંગ્રેસના દિવસો હવે પૂરા થઇ ગયા અને દિલ્હીની ગાદી ઉપરથી કોંગ્રેસનો પંજો હટશે ત્યારે જ ભારતની જનતાના સુખચેન પાછા આવશે એમ તેમણે જણાવ્યું હતું.