મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ તેમને જેલમાં મોકલવા માટે કોંગ્રેસે કરેલા કારસાનો આજે આણંદ અને ગુજરાતની અન્ય ચૂંટણી સભાઓમાં પર્દાફાશ કર્યો હતો. તેમણે જણાવ્યું કે તેઓ જેલની જમીન ઉપર બેસીને પણ આતંકવાદ સામેની લડાઇમાં ઝૂકવાના નથી કે રોકાવાના નથી.

શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે પંદર દિવસ પહેલાં દેશના વરિષ્ઠ વકીલ અને કોંગ્રેસના કેન્દ્રીય મંત્રીએ જાહેરમાં નિવેદન કર્યું હતું કે મોદી જેલમાં જવાની તૈયારી રાખે અને હવે આ કારસો ખૂલ્લો પડી ગયો છે. કોંગ્રેસ તો સાત વર્ષથી ભારતમાતાના દિકરા મોદીને જેલમાં પૂરવા આકાશ-પાતાળ એક કરી રહી છે. બોફોર્સ કાંડમાં સંડોવાયેલા એક વિદેશી કવોટ્રોચીને સોનિયાજીના સગા હોવાના કારણે સી.બી.આઇ. દ્વારા છોડી મૂકાય છે ત્યારે ભારત માતાના સંતાન એવા મોદીના ગળામાં જેલનો ગાળીયો-કેમ? આ ષડયંત્રનો ફેંસલો જનતા જનાર્દન લોકશાહી માર્ગે નિર્ણય લઇને કરે.

"કોંગ્રેસે મોદી સામે લગાતાર આક્ષેપોનું તોફાન ઉભૂં કર્યું છે પણ કોઇ કરતાં કોઇ રીતે મોદી સામે પાંચ વર્ષના કેન્દ્રના શાસનમાં પગલાં લઇ શકયા નથી...હું તો જેલની જમીન ઉપર બેસીને પણ આતંકવાદ સામે લડવાનો છું, ઝૂકવાનો કે રોકાવાનો નથી'' એમ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે ગુજરાતની માતૃશકિત અને બહેનોનું રક્ષાકવચ મને મળ્યું છે. દુનિયાની કોઇ તાકાત માતૃશકિતના આ આશીષ સાથે મને ઝૂકાવી નહીં શકે. "હું જીવીશ તો પણ ગુજરાત માટે, હું મરીશ તો પણ ગુજરાત માટે'' એમ ભાવવાહી શબ્દોમાં કોંગ્રેસની દ્વેષવૃત્તિને પડકારતાં તેમણે જણાવ્યું હતું.