મુખ્‍યમંત્રીશ્રી :સમરસ ગામના સંકલ્‍પથી ગુજરાતે લોકશાહીનું ઉત્તમ સ્‍વરૂપ દેશને આપ્‍યું છે

સમરસ સરપંચો સામૂહિક શકિતથી વિકાસ માટેનું નેતૃત્‍વ લે

પ્રત્‍યેક ઘરમાં શૌચાલય

પ્રત્‍યેક ગામમાં દિકરી શિક્ષિત હોય

પ્રત્‍યેક ગામના ખેડૂત ખાતેદારો ટપક સિંચાઇથી ખેતી કરે

ગામ કુપોષણથી મૂકત બને

સાત જિલ્લાની ર૯૮ સમરસ ગ્રામ પંચાયતો અને સમરસ સરપંચોનું અભિવાદન

રૂા. ૭.૩૦ કરોડના  પ્રોત્‍સાહક પુરસ્‍કારો પ્રદાન કરતા મુખ્‍યમંત્રીશ્રી

 મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ સર્વસંમતિથી ગ્રામ પંચાયતોની ચૂંટણી કરીને સમરસ સરપંચ અને સમરસ ગ્રામ પંચાયતોને રૂા. ૭.૩૦ કરોડથી વધારે પ્રોત્‍સાહક પુરસ્‍કારોનું આણંદ ખાતે વિતરણ કરતા જણાવ્‍યું હતું કે સમરસ ગ્રામ પંચાયત માટેના સંકલ્‍પને વિશાળ પ્રતિસાદ આપીને ગ્રામસમાજે ઉત્તમ લોકશાહીનો પથ બતાવ્‍યો છે.

સમરસ ગામની પ્રાથમિક શાળા ‘એ' ગ્રેડની કેમ ના હોય? -એવો કૃતસંકલ્‍પ કરવા તેમણે સરપંચોને આહ્‍્‌વાન કર્યું હતું. સન્‍ધ્‍યા સમયે ગામની યુવા બાળ પેઢી ભારતીય રમતો રમે તો ગામમાં નવી, ઊર્જા નવી, પ્રાણશકિત મળી રહેશે તેમ પણ તેમણે જણાવ્‍યું હતું.

સમરસ ગ્રામ પંચાયતોને વિકાસ માટે વિશેષ પ્રોત્‍સાહક અનુદાન આપવાની પ્રેરક યોજના હેઠળ આજે આણંદમાં મધ્‍ય ઝોનના સાત જિલ્લાઓની સમરસ ગ્રામ પંચાયતોના સરપંચોનું શાનદાર અભિવાદન મુખ્‍યમંત્રીશ્રીના હસ્‍તે થયું હતું. અમદાવાદ, આણંદ, ખેડા, વડોદરા, દાહોદ, પંચમહાલ અને સુરેન્‍દ્રનગર જિલ્લાઓની મળીને કુલ ર૯૮ સમરસ ગ્રામ મપંચાયતો અને સરંપચોને રૂા. ૭.૩૦ કરોડ પ્રોત્‍સાહક પુરસ્‍કારો પણ મુખ્‍યમંત્રીશ્રીએ એનાયત કર્યા હતા.

ચૈત્રી પડવાના પૂનિત દિવસે અને ક્રાંતિકારી શહીદો સુખદેવ, ભગતસિંહ અને રાજગુરૂના શહિદ દિવસે દેશભકિતના વાતાવરણમાં આજે પંચાયતની આ પાયાની સંસ્‍થાના ગૌરવ સમી સમરસ ગ્રામ પંચાયતોને પુરસ્‍કૃત કરવામાં આવી હતી.

ગુજરાતના ગ્રામ પંચાયતના સમરસ અભિગમનો અભ્‍યાસ કરવા મહારાષ્‍ટ્રમાંથી આવેલા સરપંચોને આવકારતાં શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ જણાવ્‍યું કે ચૂંટણી જીતવાનો મિજાજ અને સમસ્‍ત ગામ એક બનીને સર્વસંમતીથી ચૂંટાઇને આવે તેનો મિજાજ તો કોઇ ઓર જ હોય છે. સામાન્‍ય રીતે ગામડામાં ચૂંટણીના વેર-ઝેરથી પેઢીઓ સુધી સંઘર્ષ થતો હતો, તે બરબાદીથી ગામડાને બચાવવા સમરસ ગ્રામ પંચાયતના અભિગમને રાજ્‍યભરમાંથી વિશાળ આવકારદાયક પ્રતિસાદ મળ્‍યો છે. આ નાની ઘટના નથી.-સમસ્‍ત ગામનો ભરોસો મેળવવો મોટી સિધ્‍ધિ છે, અને આખું ગામ કેટલી મોટી આશા સાથે ઇજ્જત આબરૂ આપે છે તે સમજીને ગામના લોકો યાદ કરે તેવાં કામો કરીને જ પાંચ વર્ષ સુધી વહીવટ કરીશ એવો સંકલ્‍પ કરવા મુખ્‍યમંત્રીશ્રીએ આહ્‍્‌વાન કર્યું હતું.

ગુજરાતે સમરસ ગ્રામ પંચાયતના અભિગમથી ગામડામાં લોકશાહીનું ઉત્તમ સ્‍વરૂપ દેશને આપ્‍યું છે. સમરસ ગામમાં પાયાના સરકારી સેવાકર્મીઓને સાથે રાખીને ગામના ભલા માટે સામૂહિક શકિતથી પંચાયતના તમામ સભ્‍યો અને ગામના આગેવાનો સાથે ગામના ભલા માટેની નંદનવન બને તેવી વિકાસથી ચર્ચા કરવી જોઇએ એવું સમરસ સરપંચોને તેમણે પ્રેરક માર્ગદર્શન આપ્‍યું હતું.

ગામમાં વરસાદનું પાણી રોકવા માટેનું નેતૃત્‍વ લઇને આખા ગામની જનશકિત સ્‍થિતિ બદલી શકે છે. હજારો ગામડાં આ રીતે પાણીની અછતમાંથી મૂકિત મેળવી શકે છે એમ મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું હતું અને, કુપોષણની પીડામાંથી સગર્ભા માતાની કુખે વિકલાંગ બાળક પેદા ના થાય તે માટે ગામ ભેગુ મળીને સગર્ભા ગરીબ માતાની સગર્ભાવસ્‍થાના નવ મહિના પોષણની ચિન્‍તા કરે તો એક નવજાત શિશુના નેવું વર્ષની જિંદગી તંદુરસ્‍ત બની જશે. નાના-નાના કામોથી ગામડાની અનેક સમસ્‍યાના ઉકેલ સાથે પરિવર્તન લાવવા સામૂહિક ગ્રામશકિત જાગૃત કરવાનું નેતૃત્‍વ લેવા મુખ્‍યમંત્રીશ્રીએ પ્રેરક માર્ગદર્શન આપ્‍યું હતું.

ગામમાં કોઇ બાળક માયકાંગલુ કે કુપોષિત રહે નહીં, કોઇ દિકરી અભણ રહે નહીં, કોઇ ગામે ગંદકી રહે નહીં- એવા અનેક સંકલ્‍પો કરવા તેમણે અપીલ કરી હતી.

સમરસ સરપંચ ધારે તો આખા ગામની સમસ્‍યા ઉકેલીને વિકાસની શિકલ બદલી જશે. ગરીબ પરિવારોનું સશકિતકરણ કરવાની અનેક સરકારી યોજના છે તેનો મહત્તમ લાભ અપાવવાનો પ્રેરક અનુરોધ કરતાં મુખ્‍યમંત્રીશ્રીએ દશ વર્ષ પહેલાં ગુજરાતમાં માત્ર ૪ ગામ નિર્મળ હતા અને દશ વર્ષમાં ૬૦૦૦ ગામો નિર્મળ ગ્રામ બની ગયા- જે ગ્રામશકિતના પ્રતાપે જ બન્‍યા છે એમ જણાવ્‍યું હતું.

પ્રત્‍યેક ગામમાં બહેન-દીકરીની ઇજ્જત લૂંટાતી અટકાવવા જાન આપી દેનારા, ગૌરક્ષા માટે બલિદાન આપનારા કોઇને કોઇ શહિદો છે ત્‍યારે હવે સરપંચ નેતૃત્‍વ લઇને પ્રત્‍યેક ગામની બહેન-દિકરી, માતા માટે ઘર-ઘરમાં શૌચાલયની સુવિધા આપે એવી હ્વદયસ્‍પર્શી અપીલ તેમણે કરી હતી.

ગામમાં પાણી બચાવવાની સાથે ટપક સિંચાઇથી જ ખેતી કરવાની પ્રેરણા આપતાં મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું કે ઉત્તમ ખેતી દ્વારા આર્થિક વ્‍યવસ્‍થા તરફ લઇ જવાં છે. ગામડાને જાજરમાન બનાવવા છે, ગામડાને વિકાસથી ધબકતા પ્રાણવાન બનાવવા છે. માત્રને માત્ર વિકાસનો જ મંત્ર લઇને આ સરકાર ચાલે છે. રપ કી.મી. ત્રિજયામાં આ સરકારમાં કોઇને કોઇ વિકાસકામો થતાં જ રહે છે. અને આ વિકાસ માટેના નાણાં જનતાના છે અને તેને સમાજને પરત આપી વિકાસમાં રૂપિયો ઉગી નીકળે એવા કામો થઇ રહ્યા છે. તેમ તેમણે જણાવ્‍યું હતું.

સરપંચોની નેતૃત્‍વશકિતને બિરદાવતા મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું કે ગ્રામ પંચાયતો ઉત્તમ વહીવટની શાખ પૂરી પાડે.

ડિસેમ્‍બરના ચુનાવોમાં રાજ્‍યની ર૧૩૩ પંચાયતોમાં વિકાસ માટે સમરસતાનો માર્ગ અપનાવ્‍યો છે તેવી માહિતી આપવાની સાથે સહુને આવકારતા પંચાયત વિભાગના અધિક મુખ્‍ય સચિવશ્રી રજનીકાંત પટેલે જણાવ્‍યું હતું કે ૮૭૪ પંચાયતોએ મહિલા સરપંચો અને સમરસતાનો આગવો દાખલો બેસાડયો છે.

પંચાયત મંત્રીશ્રી નરોત્તમભાઇ પટેલ, શિક્ષણ મંત્રીશ્રી રમણલાલ વોરા, આરોગ્‍ય રાજ્‍યમંત્રીશ્રી પરબતભાઇ પટેલ, આદિજાતિ વિકાસ રાજ્‍યમંત્રીશ્રી જશવંતસિંહ ભાભોર, નાયબ દંડકશ્રી અંબાલાલ રોહિત, સાંસદ સ્‍મૃતિ ઇરાની, મનસુખભાઇ માંડવીયા, રાજ્‍ય મહિલા આયોગના અધ્‍યક્ષ લીલાબેન અંકોલીયા, ધારાસભ્‍ય જ્‍યોત્‍સનાબેન પટેલ, શિરીષ શુકલ, જિલ્લા પંચાયતોના અધ્‍યક્ષશ્રીઓ, પૂર્વ સાંસદશ્રી દીપકભાઇ પટેલ, અગ્ર સચિવશ્રી સંગીતાસિંઘ, સહિત મહાનુભાવો અને સરપંચો આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહ્યા હતા.