કાંકરીયા કાર્નિવલનો રંગારંગ પ્રારંભ
મુખ્ય મંત્રીશ્રીએ અમદાવાદની અસ્મિતાના મહિમાવંત સેન્ડસ્ટોન મ્યુરલ્સનું કરેલું લોકાર્પણ
ચાર નવા આકર્ષણોનો શિલાન્યાસ
લાખો નગરજનોના આનંદમાં સહભાગી બનીને શાનદાર સાંસ્કૃતિક ઉત્સવ નિહાળતા શ્રી નરેન્દ્રભાઈ મોદી
કાંકરીયા અમદાવાદની નગર સંસ્કૃતિની પ્રતિષ્ઠિત ઓળખ બની ગયું છે
કાંકરીયા કાર્નિવલ અમદાવાદને પ્રેમ કરવાની અભિવ્યક્તિનો અવસર છેઃ મુખ્ય મંત્રીશ્રી
સાત દિવસના આ અનેરા નગરોત્સવમાં ૧ર હજાર કલાકારોની સાંસ્કૃતિક શક્તિનું પ્રગટીકરણ
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કાંકરીયા કાર્નિવલ-ર૦૧૧નો આજે શાનદાર પ્રારંભ કરાવતાં જણાવ્યું હતું કે, કાંકરીયાએ અમદાવાદની નવી નગર સંસ્કૃતિની પ્રતિષ્ઠિત ઓળખ ઉભી કરી છે અને કાંકરીયા કાર્નિવલ અમદાવાદને પ્રેમ કરવાની અભિવ્યક્તિનો અવસર બની રહ્યો છે.
કાંકરીયા કાર્નિવલના અવસરે મુખ્ય મંત્રીશ્રીએ તળાવની પાળ ફરતે અઢી હજાર ચોરસ ફૂટમાં અમદાવાદની ગૌરવવંતિ અસ્મિતાના ચિત્રાંકન રૂપે સેન્ડટોન મ્યુરલ્સનો નવલો આકર્ષણ પ્રકલ્પ નગરજનોને અર્પણ કર્યો હતો. વિશ્વમાં વિક્રમ સર્જનારો આ મ્યુરલ્સનો સમગ્ર પ્રોજેકટ ૩૦ હજાર ચોરસ ફૂટમાં ગુજરાતની પ્રાચીનતમ સંસ્કૃતિથી અર્વાચીન વાયબ્રન્ટ વિકાસની ગૌરવગાથા પ્રસ્તુત કરવાનો છે. આજે મુખ્ય મંત્રીશ્રીએ બાળ સ્નાનાગાર, બટરફલાય પાર્ક, બળવંતરાય ઠાકોર કોમ્યુનિટી હોલ અને પાર્કિંગ પાર્કના રીનોવેશન તથા પીકનીક હાઉસના નવસંસ્કરણ પ્રકલ્પના પણ શીલાન્યાસ કર્યા હતા. પૂર્વ વડાપ્રધાન શ્રી અટલબિહારી બાજપાઇજીના જન્મદિવસ રપમી ડિસેમ્બરથી સાત દિવસ સુધીનો આ કાંકરીયા કાર્નિવલ ગુજરાતના સાંસ્કૃતિક વૈભવ અને જનશક્તિના સાક્ષાત્કારનો ઉત્સવ બની ગયો છે.
કાંકરીયા તળાવની પાળ ફરતે પરિસરમાં ત્રણ સ્ટેજ ઉપર આજથી ૧ર હજાર જેટલા સ્થાનિક કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરીને કાર્નિવલને રંગારંગ બનાવાશે. એકંદરે ૪૦ કરોડ રૂપિયાના ખર્ચે કાંકરીયા તળાવ પરિસરના નવીનીકરણ પછી યોજાતો આ ચોથો કાર્નિવલ નિહાળવા લાખ ઉપરાંત નગરજનો અનેરા ઉમંગથી ઉમટયા હતા નગરજનોના અદમ્ય ઉત્સાહમાં ભાગીદાર બનતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, અમદાવાદ શહેર પ્રત્યેના પ્રેમની અભિવ્યક્તિનો આ એક અવસર બની ગયો છે. દેશના પહેલા દશમાં અમદાવાદનું સ્થાન કયાંય નહોતું પરંતુ આજે દેશનું શ્રેષ્ઠ વિકસતું શહેર અમદાવાદ બની ગયું છે. એની આન-બાન-શાન જાળવવા માટે તેમણે શહેરના નાગરિકોને અભિનંદન આપ્યા હતા.
અમદાવાદના ગરીબ પરિવારોના બાળકોને પોતાની કલા-કૌશલ્યની શક્તિ પ્રદર્શિત કરવાનો આ કાંકરીયા કાર્નિવલે અવસર આપ્યો છે અને ભવિષ્યમાં આ શહેરની સાંસ્કૃતિક શક્તિમાં તે ઉમેરો કરશે એમ તેમણે જણાવ્યું હતું પથ્થર ઉપર કોતરકામ અને ચિત્રાંકન કરીને ગુજરાત અને અમદાવાદની સાંસ્કૃતિક વૈભવી વિરાસતનો ૩૦ હજાર ફૂટનો આ વારસો આ પ્રકારના દુનિયાના સૌથી વિક્રમસર્જક પ્રકલ્પથી મેળવવાનું ગૌરવ કાંકરીયાની પાળ અમદાવાદને અપાવશે. પથ્થરોમાં કોતરાયેલો ખુલ્લો ઐતિહાસિક દસ્તાવેજનો આ પ્રકલ્પ અધ્યયન અને વિશ્લેષણની દૃષ્ટિથી મૂલવવા તેમણે પ્રબુદ્ધ નાગરિકો અને તજજ્ઞોને સાર્વજનિક નિમંત્રણ આપ્યું હતું.
અમદાવાદ અને રાજ્યને વધુ ઉત્તમ પ્રકારનું આપવા માટે જનભાગીદારીને પ્રેરિત કરવાની નેમ તેમણે આ સંદર્ભમાં વ્યકત કરી હતી કાંકરીયાના પુનઃનિર્માણ પછી ભારત અને દુનિયામાંથી ૯૦ કરતાં વધુ અભ્યાસ ડેલીગેશનોએ તેની મુલાકાત લીધી છે. કાંકરીયાની પ્રતિષ્ઠા એવી બની ગઇ છે કે ગરીબથી અમીર સંપન્ન સૌને કાંકરીયા આવવાનું ગૌરવ મળે છે અને તેનું પર્યાવરણ સ્વચ્છતાથી સાચવીને ઉની આંચ આવવા દીધી નથી. આ નવું નગર સંસ્કૃતિનું નજરાણું કાંકરીયા બની ગયું છે તેમ પણ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું અને કીડ્ઝ સીટી બાળકોના મનમાં સપના અને સંકલ્પના વાવેતર અને શક્તિનો આત્મવિશ્વાસ જગાવે છે, એમ તેમણે જણાવ્યું હતું.
પ્રારંભમાં અમદાવાદના મેયર શ્રી અસિત વોરાએ કાંકરીયા કાર્નિવલ સ્વરૂપે અમદાવાદના નગરજનોની શહેરી સુખાકારીમાં અનેક નવા આયામો મુખ્ય મંત્રીશ્રીની પ્રેરણાથી મહાપાલિકાએ આપ્યા છે તેની વિસ્તૃત રૂપરેખા આપી હતી. આ પ્રસંગે અમદાવાદ જિલ્લા પ્રભારી મહેસુલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી શ્રી ફકીરભાઈ વાઘેલા, અમદાવાદ મહાપાલિકાની વિવિધ કમિટીના ચેરમેનશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યો અને આમંત્રિતો તથા નગરજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.