અમેરિકાના વોરન બફેટની ખ્યાતનામ કંપની લુબ્રીઝોલ દહેજમાં CPVC પ્લાન્ટ સ્થાપશે

ર૪પ મીલીયન યુએસ ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ

લુબ્રીઝોલ-અસ્ટ્રાલનું જોઇન્ટ વેન્ચર

મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સૌજ્ન્ય મૂલાકાતે આવેલા અમેરિકાની ખ્યાતનામ કંપની લુબ્રીઝોલ (LUBRIZOL) કોર્પોરેશનના વડા શ્રીયુત ટોમ ફ્રુબસ (Mr. TOM FRUBUS) અને મે. અસ્ટ્રાલ પોલી ટેકનિક્‍ના મેનેજિંગ ડિરેકટરશ્રી સંદીપ એન્જીનીયરે ભરૂચ જિલ્લાના દહેજ ખાતે લુબ્રીઝોલ-અસ્ટ્રાલના CPVC ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેકટ જોઇન્ટ વેન્ચરમાં સ્થાપવાના નિર્ધારની માહિતી આપી હતી.

અમેરિકાના લુબ્રીઝોલ કોર્પોરેશનની માલિકી વિશ્વખ્યાત ઉઘોગ સંચાલક શ્રીયુત વોરન બફેટ (Mr. WARREN BUFFET) એ સંભાળ્યા પછી ર૪પ મીલિયન યુ.એસ ડોલરનો આ જંગી મૂડીરોકાણનો પ્લાન્ટ ગુજરાતમાં દહેજમાં સ્થાપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેમ લુબ્રીઝોલ કોર્પોરેશનના શ્રીયુત ટોમ ફ્રુબસે જણાવ્યું હતું.

લુબ્રીઝોલ કોર્પોરેશન (યુએસએ) અને મે. અસ્ટ્રાલ લિ.નું આ જોઇન્ટ વેન્ચર ઇન્ડસ્ટ્રીયલ યુનિટ દહેજ GIDCમાં સ્થપાશે. જાન્યુઆરી ર૦૧૩માં તેનું બાંધકામ હાથ ધરાશે તથા ઓકટોબર-ર૦૧૪માં ઉત્પાદનનો પ્રારંભ કરશે.

દહેજ પોર્ટના કારણે ભારત ઉપરાંત દક્ષિણ-પૂર્વ એશિયા, મધ્યપૂર્વ અને આફ્રિકાના દેશોમાં CPVCના ઉત્પાદનોની ખૂબ જ મોટી માંગ છે અને ગુજરાતમાં રોકાણકારો માટેના મૈત્રીપૂર્ણ વાતાવરણ તથા રાજ્ય સરકારની પારદર્શી નીતિઓના અમલ સાથે માળખાકીય સુવિધાઓની ઉત્તમ સગવડોને ધ્યાનમાં લઇને અમેરિકાની લુબ્રીઝોલ કોર્પોરેશને મે. અસ્ટ્રાલ લિ. સાથે સંયુકત ભાગીદારીમાં આ મેન્યુફેકચરીંગ પલાન્ટ સ્થાપવા દહેજ-ગુજરાતની પસંદગી કરી છે.

આ બેઠકમાં ઉઘોગ અગ્ર સચિવશ્રી મહેશ્વર શાહુ પણ ઉપસ્થિત હતા.