મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ સ્વ. મંગળદાસ પટેલના ગાંધીનગરના નિવાસસ્થાને જઇને સ્વર્ગસ્થના પાર્થિવદેહ ઉપર શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. અને સાંજે માણસા નજીકના પરબતપૂરા ગામે સ્વર્ગસ્થની અંતિમ સંસ્કારવિધિમાં ઉપસ્થિત રહીને પરિવારજનોના દુઃખમાં સહભાગી બન્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ સ્વ. પટેલના ચાર દાયકાના સર્વાજનિક જીવન અને વિશેષ કરીને પંચાયતી રાજ અને સંસદીય પ્રવૃત્તિઓમાં તેમણે આપેલા યોગદાનની પ્રસંશા કરી સ્વર્ગસ્થને શ્રધ્ધાંજલિ આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ શોકસંદેશમાં જણાવ્યું કે અધ્યાપન શિક્ષણમાં કાર્યરત હોવા સાથે શ્રી પટેલે ગામના સરપંચથી લઇને ગુજરાત પંચાયત પરિષદના પ્રમુખ તરીકે પ્રસંશનીય યોગદાન આપ્યું હતું. તેમણે અગિયારમી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે પણ ગુજરાતની ઉજ્જવળ સંસદીય પ્રણાલિઓની મુલ્યનિષ્ઠા કરી હતી. સ્વ. પટેલે અધ્યક્ષ તરીકે વિદેશમાં પ્રવાસ કરીને ગુજરાતની સંસદીય પરંપરાઓની પ્રતિષ્ઠા ઊભી કરી હતી એમ પણ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ પંચાયતી રાજ અને ગ્રામવિકાસના ક્ષેત્રે સ્વ. મંગળદાસ પટેલની નિષ્ઠાભરી સેવાઓને અંજલિ આપતા જણાવ્યું કે ગુજરાતે પંચાયતી રાજના એક કર્મનિષ્ઠ સેવક ગુમાવ્યા છે. ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં સ્વ. મંગળદાસ પટેલે વિવિધ હોદઓ ઉપર રહીને જે પ્રદાન કર્યું તેને બિરદાવતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ભાજપા એ એક સંનિષ્ઠ સાથી ગુમાવ્યા છે.