ગુજરાતના તમામ 225 તાલુકામાં આઇ.ટી.આઇ.ની સુવિધા

અમદાવાદ પછી વડોદરા અને સુરતમાં પણ મહાનગરોની અગલ બીજી આર.ટી.ઓ. શરૂ કરાશે

મણીનગર આધુનિક આઇ.ટી.આઇ. અને આર.ટી.ઓ-અમદાવાદ પૂર્વના નવનિર્મિત ભવનનું લોકાર્પણ

મુખ્‍યમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ મણીનગરમાં નવનિર્મિત આઇ.ટી.આઇ. ભવન અને આર.ટી.ઓ કચેરી ભવનનું લોકાર્પણ કરતાં જાહેર કર્યું હતું કે, ગુજરાતમાં આઇ.ટી.આઇ. અને વ્‍યવસાયલક્ષી અભ્‍યાસક્રમોનો મહિમા મંડિત કરવા માટે મહત્ત્વનો નિર્ણય કર્યો છે જેમાં આઇ.ટી.આઇ.નો ડીપ્‍લોમા ધો-10 પછી પાસ કરનારને ધો-12 સમકક્ષ ગણાશે. આ ઉપરાંત ધો-10 પછી બે વર્ષનો વ્‍યવસાય કોર્ષ પાસ કરનારને પણ ધો-12 સમકક્ષ ગણાશે. જ્‍યારે ધો-8 પાસને આઇ.ટી.આઇ.નો બે વર્ષનો વ્‍યવસાયલક્ષી કોર્ષ કરનારને ધો-10 સમકક્ષ ગણાશે.

અત્‍યારે ગુજરાતને કૌશલ્‍યવાન બનાવવાનું છે અને જુઠાણાનો અપપ્રચાર કરનારા, ગુજરાતને ગેરમાર્ગે દોરનારા, તબાહ કરનારા લોકોને ગુજરાતની જનતા સમય આવ્‍યે લાલ આંખ કરશે જ. અમારો મંત્ર છે, ‘‘સૌનો સાથ, સૌનો વિકાસ'' એમ તેમણે જણાવ્‍યું હતું.

અમદાવાદ પૂર્વ માટેની નવીનતમ પ્રાદેશિક વાહન વ્‍યવહાર કચેરીનું (આર.ટી.ઓ.નું) નવું ભવન આજથી કાર્યરત થઇ રહ્યું છે. રૂા.9.16 કરોડના ખર્ચે ઔદ્યોગિક તાલીમ સંસ્‍થા આઇ.ટી.આઇ.નું આધુનિક ભવન પણ આજે શરૂ કરવામાં આવ્‍યું છે. જેના લોકાર્પણમાં ઉમટેલી વિશાળ જનતાનું મુખ્‍યમંત્રીશ્રીએ અભિવાદન કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું પ્રસારણ ગુજરાતની તમામ આઇ.ટી.આઇ.માં મળીને 70,000થી વધારે તાલીમાર્થિઓએ નિહાળ્‍યું હતું.

આ બંને ભવનોમાં મળીને રૂા.25 કરોડનો ખર્ચ કરીને પૂર્વ અમદાવાદમાં વાહન ચાલકો અને વાહન ધારકો માટે સ્‍વતંત્ર આર.ટી.ઓ.ની વ્‍યવસ્‍થા તથા આઇ.ટી.આઇ.ની સુવિધા આપવામાં આવી તેની વિશેષતાઓની રૂપરેખા મુખ્‍યમંત્રીશ્રીએ આપી હતી.

અમદાવાદ પછી સુરત અને વડોદરા મહાનગરોમાં પણ બીજી અલગ આર.ટી.ઓ. કચેરીઓ શરૂ કરવાના નિર્ણયની જાહેરાત કરતાં તેમણે જણાવ્‍યું કે, ટેકનોલોજી સાથે નાગરિકોને વાહનવ્‍યવહાર ક્ષેત્રની આટલી આધુનિક વ્‍યવસ્‍થા એકલા ગુજરાતમાં જ છે. ગુજરાતના વિકાસની હરણફાળ સાથે રાજ્‍યમાં વાહનોની સંખ્‍યા વધી રહી છે અને આજે એક કરોડ પાંત્રીસ લાખ જેટલા વાહનો નોંધાયા છે એમ તેમણે જણાવ્‍યું હતું.

ગુજરાતના આર્થિક અને ઔદ્યોગિક વિકાસની ઝડપ સાથે યુવાશકિતને કામનો અવસર મળી રહે તે માટે દરેક યુવક યુવતીઓને હુન્‍નર કૌશલ્‍યવર્ધનની તાલીમ સુવિધા આપવા દરેક તાલુકામાં એક આઇ.ટી.આઇ. શરૂ કરી દીધી, એમ પણ તેમણે જણાવ્‍યું હતું.

હિન્‍દુસ્‍તાને અવનવી સ્‍પર્ધાઓમાં આગળ નીકળવા માટે દેશના યુવાવર્ગના કૌશલ્‍યવર્ધનની તાલીમનું નેટવર્ક ઉભુ કરવું અનિવાર્ય છે તે હકીકત ઉપર ભાર મૂકતાં મુખ્‍ય મંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે, રાજ્‍યની આવી આઇ.ટી.આઇ.માં તાલીમ પામેલા 200 જેટલા તાલીમાર્થીઓ કૌશલ્‍ય હુન્‍નરને કારણે વિદેશમાં પસંદ થયેલા છે તે ગુજરાતની આઇ.ટી.આઇ.નું સ્‍તર કેટલું ઉંચું આવેલ છે તે બતાવે છે.

શ્રમ, રોજગાર અને નાણાં મંત્રી શ્રી વજુભાઇ વાળાએ જણાવ્‍યું હતું કે, ગુજરાતના યુવાવર્ગ અને મહિલાઓનું કૌશલ્‍ય નિર્માણ કરી ‘હર હાથ કો કામ‘'' આપવા છેલ્લા એક દસકાથી અભિયાન ઉપાડયું છે તેના પરિપાક રૂપે આજે આઇ.ટી.આઇ.નું નવું ભવન બનાવ્‍યું છે. આ ઉપરાંત અમદાવાદ પૂર્વ માટે અલગ આર.ટી.ઓ. કચેરીની સુવિધા ઉભી કરવા પાછળની ભૂમિકા પણ તેમણે આપી હતી.

આ પ્રસંગે માર્ગ મકાન મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ, રાજ્‍ય મંત્રી શ્રી લીલાધરભાઇ વાઘેલા અને શ્રી રણજીત ગીલેટવાલા, મેયર શ્રી અસિત વોરા, ધારાસભ્‍યો, વિભાગોના અગ્રસચિવશ્રીઓ, વિવિધ ક્ષેત્રના પદાધિકારીઓ સહિત વિશાળ સંખ્‍યામાં નગરજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

પ્રારંભમાં વાહન વ્‍યવહાર કમિશનર શ્રી જે.પી.ગુપ્‍તાએ સ્‍વાગત પ્રવચન કર્યું હતું.