કાંકરીયા કાર્નિવલનું શાનદાર સમાપન

અભૂતપૂર્વ ઉમંગ-ઉત્‍સાહથી નગરજનો હેલે ચઢયા

મુખ્‍ય મંત્રીશ્રી જનઉત્‍સાહમાં સહભાગી બન્‍યા

બીઆરટીએસ જનમાર્ગમાં મુસાફરી માટે સ્‍માર્ટકાર્ડની સુવિધાની જાહેરાત કરતા નરેન્‍દ્રભાઈ મોદી

કાંકરીયા કાર્નિવલે અમદાવાદ સાથે નગરજનોની લાગણીનો સેતુ બાંધ્‍યો

અમદાવાદે વિકાસના આયામોની આંતરરાષ્‍ટ્રીય પ્રતિષ્‍ઠા પ્રાપ્ત કરી છે

મુખ્‍ય મંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ કાંકરીયા કાર્નિવલનું સમાપન કરતાં નવા વર્ષની શુભેચ્‍છાઓ પાઠવતાં જણાવ્‍યું હતું કે, કાંકરીયા કાર્નિવલે અમદાવાદ સાથે નગરજનોની ભાવાત્‍મક લાગણીનો સેતુ બાંધ્‍યો છે. આંતરરાષ્‍ટ્રીય ક્ષેત્રે અમદાવાદના વિકાસની સિદ્ધિઓને આગવી પ્રતિષ્‍ઠા મળી છે.

આ અવસરે મુખ્‍ય મંત્રીશ્રીએ બીઆરટીએસ જનમાર્ગની બસોમાં મુસાફરી માટે ટીકીટના બદલે સ્‍માર્ટકાર્ડની સુવિધાનું લોકાર્પણ કર્યું હતું. સમગ્ર ભારતમાં આ પ્રકારની બીઆરટીએસ બસ સેવામાં સ્‍માર્ટકાર્ડની પહેલ અમદાવાદે કરી છે, એમ તેમણે ગૌરવપૂર્વક જાહેર કર્યું હતું. અમદાવાદની સાંસ્‍કૃતિક શક્‍તિને પ્રદર્શિત કરતાં અને લાખો નાગરિકોની આનંદ-ઉત્‍સાહની અવધિનો સાક્ષાત્‍કાર કરાવતો કાંકરીયા કાર્નિવલ આજે રાત્રે સમાપ્ત થયો હતો. સાત-સાત દિવસ સુધી કાંકરીયા સરોવરના પરિસર ઉપર અમદાવાદની સાંસ્‍કૃતિક કલા સોળે કળાએ ખીલી ઉઠી હતી.

આજે આ શાનદાર સમાપન વેળાએ શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ જણાવ્‍યું કે, ૩૦ લાખ જેટલા લોકો સમક્ષ ૧પ૦૦ જેટલા આ શહેરના જ ગરીબ વસ્‍તીના કલાકારોને પોતાની કલાશક્‍તિ પ્રદર્શિત કરવાનો સાત દિવસ સુધી અવસર મળ્‍યો છે. કાંકરીયા કાર્નિવલે અમદાવાદ સાથે નગરજનોની લાગણીનો સેતુ બાંધ્‍યો છે. આ પોતિકાપણાને કારણે અમદાવાદના વિકાસમાં પણ નાગરિકો જોડાઇ ગયા છે અને તેના પરિણામે અમદાવાદને વિકાસના સંખ્‍યાબંધ રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય એવોર્ડ મળ્‍યા છે.

અમદાવાદના મેયર શ્રી અસિતભાઈ વોરાએ સૌથી ઝડપી વિકસી રહેલા આ મહાનગરમાં જનસુખાકારીના કાર્યો સાથે લોક મનોરંજનનું પણ માધ્‍યમ બની રહેલા આ કાંકરીયા કાર્નિવલને નગરજનોનો પોતિકો ઉત્‍સવ ગણાવ્‍યો હતો. તેમણે આવકાર પ્રવચનમા઼ નગરજનોની સુખાકારી માટેના આયામોની રૂપરેખા આપી હતી.

આ અવસરે સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી શ્રી ફકીરભાઈ વાઘેલા, કાયદા રાજ્‍ય મંત્રી શ્રી પ્રદીપસિંહજી જાડેજા, સાંસદશ્રીઓ, ધારાસભ્‍યો તથા મહાપાલિકાની વિવિધ સમિતિઓના પદાધિકારીઓ, નગરસેવકો અને કલાપ્રેમી નગરજનો વિશાળ સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્નિવલ-ર૦૧૧ના આ સમાપન પ્રસંગે રંગારંગ સાંસ્‍કૃતિક કાર્યક્રમો તથા ભવ્‍ય આતશબાજી પણ નગરજનોએ માણ્‍યા હતા.