મુખ્‍ય મંત્રીશ્રી રણોત્‍સવમાં

આજથી ૩૮ દિવસના રણોત્‍સવનો પ્રારંભ

નરેન્‍દ્રભાઈ મોદી:

‘‘સમગ્ર પૃથ્‍વી ઉપર સફેદ રણના આધ્‍યાત્‍મિક પર્યાવરણનું પ્રવાસન બીજે કયાંય નથી''

માગસર પૂર્ણિમાની સંધ્‍યાએ આથમતા સૂર્યદર્શન અને ચન્‍દ્રોદય નિરીક્ષણ

ચંદ્રગ્રહણ નિમિત્તે સફેદ રણમાં પૂનમ અને અમાસનું અલૌકિક નિરીક્ષણ

દેશ-વિદેશના ઉત્‍સાહસભર પ્રવાસી પરિવારોના આનંદમાં સહભાગી બન્‍યા મુખ્‍ય મંત્રીશ્રી

પચ્‍છમ પીરની શેઢે કાળા ડુંગરનો પ્રાકૃતિક પર્યાવરણીય કાયાકલ્‍પ

દત્ત જયંતિએ દત્તાત્રેય ભગવાનના દર્શન

મુખ્‍ય મંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી વિશ્વમાં એકમાત્ર સફેદ રણની પર્યાવરણ વિરાસત ધરાવતા કચ્‍છમાં રણોત્‍સવ માણવા ધોરડો આવેલા દેશ-વિદેશના પ્રવાસી પરિવારોના અપૂર્વ આનંદ ઉત્‍સાહમાં સહભાગી બન્‍યા હતા.

રણોત્‍સવના ધોરડો ટેન્‍ટ સિટીમાં આગમન પૂર્વે શ્રી નરેન્‍દ્રભાઇ મોદી માગસરની પૂર્ણિમાના દત્તજયંતીના પૂનિત પર્વે મધ્‍યાહ્‌ન પછી કાળા ડુંગર ઉપર બિરાજમાન ભગવાન દત્તાત્રેયના દર્શન કરી કૃતાજ્ઞ થયા હતા.

પચ્‍છમ પીરની ટોચે આવેલો કાળો ડુંગર કચ્‍છની આંતરરાષ્‍ટ્રીય રણની સરહદનું અદ્દભૂત વિહંગાવલોકન કરાવે છે. અત્‍યાર સુધી દત્તાત્રેય મંદિરના પૌરાણિક મહિમાવંત તીર્થ અને પ્રસાદ આરોગવા આવતી વન્‍યપ્રાણીસૃષ્‍ટિ શિયાળના લોંગદર્શનથી જાણીતા કાળા ડુંગરને પ્રાકૃતિક પ્રવાસન તરીકે વિકસાવવામાં આવ્‍યો છે. પ્રવાસન વિભાગ દવારા સરહદી વિસ્‍તાર વિકાસ કાર્યક્રમ (BADP) હેઠળ કાળા ડુંગર ઉપર કચ્‍છ-સીમાવર્તી હદ નિરીક્ષણ, વન્‍ય પ્રાણી અભયારણ્‍ય અને અન્‍ય વિશેષ પ્રવાસન આકર્ષણો ઉમેરવામાં આવ્‍યાં છે.

કાળા ડુંગરની ઉત્તરે અડીને કચ્‍છનું મોટું રણ શરૂ થાય છે અને મુખ્‍ય મંત્રીશ્રીની દીર્ઘદ્રષ્‍ટિથી ૧૪,૩૭૧ હેકટરનો આખેઆખો કાળો ડુંગર પ્રવાસન કેન્‍દ્ર તરીકે વિકસી રહ્યો છે. સુરખાબ-ફલેમિંગો યાયાવર પંખીઓ માટેની બ્રિડીંગ સાઇટ ગણાતો હંજબેટ કાળો ડુંગરથી માત્ર ૧૪ કિલોમીટર દૂર છે. સનસેટ પોઇન્‍ટ ઉપરથી સૂર્યાસ્‍ત દર્શનનો અદ્દભૂત નજારો નિહાળવા માટે સહેલાણીઓને સુવિધા આપવામાં આવી છે.

ભૂભૌગોલિક અજાયબી તરીકે ચુંબકીય વિસ્‍તાર તરીકે કાળા ડુંગર ધ્રોબાણાનો પ્રદેશ વિશ્વના પ્રવાસીઓને પોતાના તરફ આકર્ષી રહ્યો છે.

મુખ્‍ય મંત્રીશ્રીએ કાળા ડુંગરથી વન વિભાગ આયોજિત પ્રાકૃતિક સાહસ રેલીનો પ્રારંભ કરાવ્‍યો હતો અને યાયાવર પંખીઓની સુરખાબ વસાહતને નિહાળી હતી.

કાળા ડુંગરની તળેટીમાં ધ્રોબાણા નજીક ગુજરાત સરકાર અને જેપી એસોસિયેટની સંયુકત ભાગીદારીમાં પબ્‍લીક પ્રાઇવેટ પાર્ટનરશીપના મોડેલ આધારિત પ્રવાસનપ્રેમી પરિવારોને માટે પર્યાવરણ મૈત્રીપૂર્ણ કચ્‍છી ભૂંગાની રિસોર્ટ વસાહત સ્‍થપાઇ રહી છે તેનું નિરક્ષણ મુખ્‍ય મંત્રીશ્રીએ કર્યું હતું.

શ્રી નરેન્‍દ્રભાઈ મોદી ધ્રોબાણામાં યોજાયેલા ગ્રામ્‍ય મેળામાં ઉમટેલા સહેલાણીઓના ઉમંગ ઉત્‍સાહમાં સહભાગી બન્‍યા હતા અને ઊંટદોડ સ્‍પર્ધા તથા ભારતીય ગ્રામ્‍ય રમતોની હરિફાઇના સ્‍પર્ધકોને પ્રોત્‍સાહિત કર્યા હતા. ધ્રોબાણામાં ગ્રામમેળાના સાંસ્‍કૃતિક કલાકારવૃંદોએ મુખ્‍ય મંત્રીશ્રીનું ઉષ્‍માભર્યું અભિવાદન કર્ર્યું હતું.

સમી સાંજે ધોરડો ટેન્‍ટ સિટીમાં આવી પહોંચેલા મુખ્‍ય મંત્રીશ્રીનું પ્રવાસન મંત્રી શ્રી જયનારાયણ વ્‍યાસ, પ્રવાસન નિગમ અધ્‍યક્ષ શ્રી કમલેશ પટેલ, રાજ્‍ય મંત્રી શ્રી વાસણભાઈ આહિર, રાજ્‍ય મંત્રી શ્રી જીતુભાઈ સુખડીયા સહિતના રણોત્‍સવના જિલ્લા આયોજકોએ ભાવભર્યું સ્‍વાગત કર્યું હતું.

રણોત્‍સવના પ્રવાસન ક્ષેત્રના વિકાસની ધોરડોમાં ટેન્‍ટસિટી પરિસરમાં કચ્‍છી કલાકારીગરીના વિશ્વખ્‍યાત ક્રાફટ બજારમાં ફરીને કચ્‍છ કલાના કુશળ કસબીઓને ખૂબ જ પ્રોત્‍સાહિત કર્યા હતા. રણોત્‍સવ કચ્‍છમાં સ્‍વરોજગારલક્ષી આર્થિક પ્રવૃત્તિઓ ધબકતી કરવામાં મહત્‍વનું યોગદાન આપી રહ્યો છે, એમ તેમણે જણાવ્‍યું હતું.

ધોરડો ટેન્‍ટસિટી પરિસરમાં દેશ-વિદેશના પ્રવાસી પરિવારો મુખ્‍ય મંત્રીશ્રીના આગમનથી ખૂબ જ ઉત્‍સાહી બન્‍યા હતા અને સુરખાબ પંખીઓનો લાઇવ વીડિયો શો નિહાળ્‍યો હતો.

આજે ચંદ્રગ્રહણ નિમિત્તે સફેદ રણમાં પૂનમની રાતે પણ અમાસના અલૌકિક પર્યાવરણને નિરખવા સહેલાણીઓ સૂર્યાસ્‍ત પછી કેમલ સફારીમાં મુખ્‍ય મંત્રીશ્રી અને પ્રવાસન મંત્રીશ્રી સાથે શ્વેત રણમાં વિહાર માટે પ્રસ્‍થાન કર્યું હતું.