ગુજરાતના દિવ્ય ભવ્ય નિર્માણ માટે યુવાશકિતને મુખ્યમંત્રીશ્રીનું આહવાનઃ વડોદરામાં યુવાશકિતનો સાક્ષાત્કાર
ગુજરાત હાઉસીંગ બોર્ડના રૂા.૧૫૧ કરોડના ૧૦૯૨ બહુમાળી આવાસ સંકુલનો શિલાન્યાસ કરતા મુખ્યમંત્રીશ્રી
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના દિવ્ય ભવ્ય નિર્માણ માટે યુવાશકિતના સામર્થ્યને આહ્વાન કર્યું હતું.વિવેકાનંદજીની ૧૫૦ જન્મજયંતી વર્ષમાં આજે વડોદરામાં વિવેકાનંદ યુવા પરિષદ યોજાઇ હતી. યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના વિભાગના ઉપક્રમે મુખ્યમંત્રીશ્રીની નિશ્રામાં રાજ્યમાં કુલ સાત યુવા પરિષદ યોજવામાં આવી હતી. વડોદરાની આ સાતમી યુવા પરિષદમાં શ્રી નવજોત સિધ્ધુએ પણ યુવાશકિતનો શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં અખૂટ વિશ્વાસ હોવાથી ગુજરાતના યુવાનોનું ભવિષ્ય યશોજજ્વલ છે એમ જણાવ્યું હતું.
મુખ્ય મંત્રીશ્રીએ આજે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિના અવસરે ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા શહેરોમાં આવાસ નિર્માણના નવતર અભિગમ રૂપે વડોદરામાં માંજલપુરમાં રૂા.૧૫૧ કરોડના ખર્ચે આર્થિક રીતે નબળા-ઓછી આવક જૂથ અને મધ્યમ વર્ગ-જૂથના મળીને ૧૦૯૨ આવાસોના બહુમાળી સંકુલનો શિલાન્યાસ કર્યો હતો.
વિવેકાનંદ યુવા કેન્દ્રો માટેના રમત સાધનોના કિટ્સનું વિતરણ અને આરટી.ઓ.ની સ્માર્ટ આર.સી.બુકનું લોકાર્પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે થયું હતું.
વીસમી સદીમાં દરિદ્રનારાયણની સેવા માટેની ચિન્તનધારાના પ્રભૂત્વનો ઉલ્લેખ કરી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ શોષિત-પીડિત અને વંચિતોના ઉત્થાન માટે સ્વામી વિવેકાનંદના પગલે ગુજરાત ચાલી રહ્યું છે તેમ જણાવ્યું હતું. વિવેકાનંદે કરેલી ભવિષ્યવાણીઓનો ગહન નિર્દેશ કરતા મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે તેમણે ૩૯ વર્ષે તેઓ અનંતની યાત્રાએ જશે તેવી કરેલી આગાહી સાચી પડી છે. ૧૮૯૭માં તેમણે દેશના યુવાનોને આહ્વાન કરેલું કે ૫૦ વર્ષો સુધી તમારા દેવદેવીને સુવાડીને માત્ર ભારતમાતાની ભકિત કરો. આ પચાસ વર્ષ એવો સંકેત હતો કે ૧૮૯૭થી ૫૦ વર્ષ એટલે ૧૯૪૭માં ભારત આઝાદ બન્યુ, આમ બીજી આગાહી પણ તેમની સાચી પડી. તેમણે ત્રીજી દિવ્ય વાણી કરેલી કે ભારત માતા જગદગુરૂના સ્થાને બિરાજશે પરંતું આ વિવેકાનંદની દિવ્ય વાણી સિધ્ધ કરવા આજે પણ જે ખૂટે છે તેની પૂર્તિ કરીએ અને દેશની યુવા પેઢી આ દિવ્ય સપનાને સાકાર કરે.
પરંતુ આજે દેશની સ્થિતિ એવી છે કે ના તો કોઇ નેતા છે, ના તો કોઇ નીતિ છે કે ના તો કોઇ નિયત છે. દેશના વડાપ્રધાનના શબ્દોની કિંમત હોય પણ ર્ડા.મનમોહનસિંહે કહ્યું કે પૈસા ઝાડ ઉપર ઉગતા નથી તો દેશની જનતાએ સામો આક્રોશ વ્યકત કર્યો કે તમે તો ઝાડ ઉપર કોલસા અને ટુ-જીના ભ્રષ્ટાચાર માંથી પૈસા ઉગાડો છે. દેશની આ કમનશીબી છે કે દેશની યુવાપેઢીને દિશા કોણ આપશે ? એ પ્રશ્નાર્થ બની ગયો છે.
જો ગુજરાતને વિકાસના માર્ગે લઇ ના ગયા હોત તો રાજ્યના યુવાનોની બેરોજગારી ક્યાં પહોંચી હોત ? એવો વેધક પ્રશ્ન ઉઠાવતા તેમણે જણાવ્યું કે આજે ગુજરાતમાં રોજગારની એવી સ્થિતિ છે કે દેશના ખૂણે ખૂણેથી લોકો રોજી-રોટી માટે ગુજરાત આવે છે. આ નાનીસૂની સિધ્ધિ નથી એમ તેમણે જણાવ્યું હતું.
આજે ગુજરાતમાં સુખશાંતિનું વાતાવરણ છે અને ગુજરાતમાં આવનારા સલામતીનો હાશકારો અનુભવે છે. સમગ્ર દેશમાં કુલ રોજગારના ૭૨ ટકા એકલા ગુજરાતમાં જ ઉપલબ્ધ છે. પ્રધાનમંત્રીશ્રીએ સ્પર્ધા કરવી હોય તો ગુજરાત સાથે કરે તમે હિન્દુસ્તાનમાં એક લાખ યુવાનને રોજગારી આપો. ગુજરાત એનાથી વધારે રોજગારી આપશે પણ તમારે ગુજરાત સાથે સ્પર્ધા કરવી નથી કારણ મુકાબલાની તાકાત નથી એમ પણ મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું.
મુખ્ય મંત્રીશ્રીએ રાજ્યના કોઇપણ યુવાનને રોજગારી માટે બેન્ક લોન લેવા કોઇ ગેરન્ટી આપતું ના હોય તો આ સરકાર ગેરન્ટર બનશે તેમ જણાવતાં ઉમેર્યું કે, સરકારને યુવાનો ઉપર ભરોસો છે કે એ લોનના નાણાં પ્રમાણિકતાથી ધંધા રોજગાર કરીને ભરપાઇ કરશે જ.
ખેલ વશ્વિમાં કૌશલ્ય વિકાસ કરવાનું આહ્વાન કરતા તેમણે જણાવ્યું કે પ્રત્યેક ખેલ ખેલનારી વ્યકિત ખેલદિલીની ભાવના વિકસાવે. જે ખેલે તે જ ખીલે- એવો મંત્ર તેમણે આપ્યો હતો. દરેક જિલ્લામાં એક સ્પોર્ટસ સંકુલ શરૂ કરીને તેને ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટી સાથે જોડવાની ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.
રમતના મેદાનમાં પસીનો પાડીને યુવા પેઢી રમતગમત ક્ષેત્રે પોતાનું કૌવત બતાવે એવી અપીલ તેમણે કરી હતી.
સત્ય અને શ્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાતમાં અજેય રહેશે તેવો વિશ્વાસ વ્યકત કરતા સાંસદ અને પૂર્વ ક્રિકેટર શ્રી નવજ્યોતસિંધ સિધ્ધુએ જોશીલી જબાનમાં જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઇના નેતૃત્વએ ગુજરાતને ખુશહાલ બનાવ્યું છે. તેમની પાસેથી આ સુશાસનની કળા શીખવી જોઇએ. યુવાનો દેશ પ્રેમ અને સ્વાભિમાન જગાવે તેઓ અનુરોધ તેમણે કર્યો હતો.
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી વિકાસની રાજનીતિના પુરસકર્તા છે અને યુવા શકિત તેમની પડખે રહેશે. મેયર ર્ડા.જ્યોતિ પંડયા, સાંસદ શ્રી બાળકૃષ્ણ શુકલએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.
રામકૃષ્ણ મિશન - વિવેકાનંદ મેમોરીયલ, વડોદરાના સચિવ સ્વામી શ્રી નિખેલેશ્વરાનંદજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ યુવા પરિષદમાં જિલ્લા પ્રભારી અને શહેરી વિકાસ મંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, પ્રવાસન રાજ્ય મંત્રી શ્રી જીતેન્દ્રભાઇ સુખડીયા, સંસદીય સચિવ શ્રી યોગેશ પટેલ, દંડક શ્રી પંકજભાઇ દેસાઇ, શ્રીમંત સમરજીતસિંહ ગાયકવાડ, સાંસદ શ્રી રામસિંહ રાઠવા, જિલ્લાના ધારાસભ્યો, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી તથા ગુજરાત હાઉસીંગ બોર્ડના અધ્યક્ષ શ્રી જયંતીભાઇ બારોટ તેમજ ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ તથા વિશાળ સંખ્યામાં યુવા સમુદાય ઉપસ્થિત રહ્યો હતો.
મુખ્ય મંત્રીશ્રીએ વડોદરાને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ક્ષેત્રે ખ્યાતિ અપાવના અશુમાન ગાયકવાડ, યુસુફ પઠાણ, મુનાફ પટેલ, નયન મોંગીયા તથા અતુલ બેદાડે તેમજ બાસ્કેટ બોલના ખેલાડી શ્રી દિશાંત શાહ સહિતના રમતવીરોનું સન્માન પણ કર્યું હતું.