હિન્દુસ્તાનના રાજનૈતિક ફલક ઉપર નરેન્દ્રભાઇ મોદીની વધુ એક ગૌરવવંતી પહેલ

તા. ૩૧ ઓગષ્ટે રાત્રે આઠ કલાકે ગુગલ પ્લસ હેંગઆઉટ ઉપર મુખ્યમંત્રીશ્રી કરશે વિશ્વના યુવાનો સાથે સીધો સંવાદ

નરેન્દ્રભાઇ મોદી સાથે ઓનલાઇન ગુગલ પ્લસ હેંગઆઉટમાં જોડાવા વિશ્વભરમાંથી અપૂર્વ પ્રતિસાદ

મુંબઇના પ્રસિદ્ધ અભિનેતા અજય દેવગણ એન્કરીંગ કરશે-

"હેંગઆઉટ વીથ નરેન્દ્ર મોદી'' જીવંત કાર્યક્રમ પ્રસારણમાં પ્રશ્નો પૂછનારાની અભૂતપૂર્વ માંગણીને ધ્યાનમાં લઇને તા. ૨૯ ઓગષ્ટ મધ્યરાત્રી સુધી પ્રશ્નો પૂછી શકાશે.

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી ગુગલ-પ્લસ હેંગઆઉટ સેસન દ્વારા વિશ્વના લોકો સાથે સીધો સંવાદ આગામી તા. ૩૧મી ઓગષ્ટના રોજ રાત્રે આઠ વાગે કરશે. હિન્દુસ્તાનના રાજનૈતિક જાહેર જીવનમાં આઇટી ટેકનોસેવી તરીકે શ્રી નરેન્દ્રભાઇ મોદીની ગુગલ પ્લસ હેંગઆઉટ દ્વારા વિશ્વના લોકો સાથે સંવાદ-પ્રશ્નોત્તરીએ સર્વ પ્રથમ ઐતિહાસિક ધટના બની રહેશે.

ગુગલ ઇન્ટરનેટ ઉપરથી શ્રી નરેન્દ્રભાઇ મોદી વિશ્વના લોકો સાથે પ્રશ્નોત્તરી સંવાદ કરવાના છે એવી જાહેરાતને દુનિયાભરમાંથી અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડયો છે. ""સ્વામિ વિવેકાનંદના સપનાનું શકિતશાળી અને ગરિમામય ભારત''માં વિષયવસ્તુ આધારિત ગુગલ પ્લસ હેંગ આઉટનું આ શ્રી નરેન્દ્રભાઇ મોદી સાથેનું સંવાદસત્ર વિશ્વમાં એટલું લોકપ્રિય બની ગયું છે કે મુખ્યમંત્રી સાથે પ્રશ્ન કરવા માંગતા લોકોની લાગણીઓને માન આપીને ગુગલ પ્લસ દ્વારા પ્રશ્નો મોકલવાની છેલ્લી તારીખ બદલીને તા.૨૯ ઓગસ્ટ મધરાત સુધી લંબાવવી પડી છે. ગુગલ પ્લસ હેંગઆઉટમાં ભાગ લેનારા પસંદગીના લોકો શ્રી નરેન્દ્રભાઇ મોદી સાથે સીધો પ્રશ્ન પૂછીને જવાબ મેળવશે અને ગુગલ પ્લસના પચાસ લાખથી વધારે ચાહકો તેનું જીવંત પ્રસારણ તા. ૩૧મી ઓગષ્ટ રાત્રે આઠ વાગે નિહાળી શકશે.

વિશ્વમાં અત્યાર સુધી અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન જુલીયા જીલોર્ડ ગુગલ પ્લસ હેંગઆઉટ કરેલું છે. હવે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ તેમાં વિશ્વના ત્રીજા રાજપુરુષ તરીકે ગૌરવ પ્રાપ્ત કર્યું છે.

ગુગલ પ્લસે શ્રી નરેન્દ્રભાઇ મોદી સાથે વિશ્વના પસંદગીના લોકોની સીધી સંવાદ-પ્રશ્નોત્તરીના કાર્યક્રમના એંકર તરીકે પ્રસિદ્ધ અભિનેતા અજય દેવગણને જવાબદારી સોંપી છે.

ભારતને શકિતશાળી બનાવવાના સ્વામિ વિવેકાનંદના સપનાને સાકાર કરવા શ્રી નરેન્દ્રભાઇ મોદીના પ્રેરક ચિન્તન જાણવા ઉત્સુક એવા લોકો તરફથી અત્યારસુધીમાં પાંચ હજાર પ્રશ્નો એકત્ર થઇ ગયા છે. હજુ તા.૨૯મી ઓગસ્ટ મધ્યરાત્રી સુધી દુનિયાની કોઇપણ વ્યકિત "# ModiHangout'' બાયલાઇનથી પ્રશ્નો ગુગલ પ્લસને મોકલી શકશે.આ ઉપરાંત યુ-ટયુબ, ટવીટર, ફેસબુક અને શ્રી નરેન્દ્રભાઇ મોદીની વેબસાઇટ www.narendramodi.in ઉપર પણ પ્રશ્નો ઓનલાઇન પોસ્ટ કરી શકાશે.

ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના વિવેકાનંદ સેલ દ્વારા ગુગલ પ્લસના સહયોગથી આ અનોખો વૈશ્વિક સંવાદનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે.

અત્યાર સુધીમાં શ્રી નરેન્દ્રભાઇ મોદીને પૂછવા માટે મળેલા પ્રશ્નોમાં વિષયવસ્તુને કેન્દ્રસ્થાને રાખીને જબરજસ્ત વૈવિધ્યસભર પ્રશ્નો આવેલા છે. એમાં ભારતના વિકાસ માટે ગુજરાતના વિકાસથી લઇને અનેક પ્રશ્નોમાં દેશના વિકાસ અને રાષ્ટ્ર સમક્ષની સમસ્યાઓના સમાધાન અને પડકારો સંદર્ભમાં શ્રી નરેન્દ્રભાઇ મોદીના ચિન્તન-વિચારો જાણવાની જિજ્ઞાસા ઉજાગર થયેલી છે. યુપીએની સરકારની નિષ્ફળતા અને દેશની વર્તમાન સ્થિતિમાં બદલાવ વિશે શ્રી નરેન્દ્રભાઇ મોદી શું માર્ગ બતાવે છે એ જાણવા માંગનારાના પ્રશ્નોથી એ હકિકત પૂરવાર થઇ ગઇ છે કે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીની લોકચાહના હવે દેશના સીમાડા અતિક્રમીને આંતરરાષ્ટ્રીય સ્તરે જનમાનસમાં પ્રસ્થાપિત થઇ છે. વિશ્વના લોકો પણ તેમની સાથે સંવાદ કરવા આતુર છે.

શ્રી નરેન્દ્રભાઇ મોદી સોશ્યલ મિડિયા ઇન્ટરનેટ ઉપર ટેકનોસેવી તરીકે સતત અને અગ્રીમતાથી લોકચાહના પ્રાપ્ત કરનારા રાજપુરૂષ બન્યા છે. ટવીટર અને ફેસબુક ઉપર તેમના લાખો ચાહકો સાથે તેઓ જીવંત સંપર્ક રાખતા રહયા છે એટલું જ નહીં, નિયમિત ધોરણે વિવિધ વિષયો ઉપરના તેમના બ્લોગ પણ અત્યંત લોકપ્રિય અને સામૂહીક ચિન્તનનો વિષય બની રહયો છે.

આ સંદર્ભમાં તા. ૩૧મી ઓગષ્ટ રાત્રે આઠ કલાકે ગુગલપ્લસ "હેંગઆઉટ વીથ નરેન્દ્રભાઇ મોદી'' નો લાઇવ શો હિન્દુસ્તાનના રાજનૈતિક જીવનમાં નવીનતમ પહેલ અને ગુજરાત માટે ગૌરવ લેનારો બની રહેશે.