કાંકરિયા કાર્નિવલનો રંગારંગ પ્રારંભ

રંગદર્શી સાંસ્કૃતિક વિરાસતની રોનકનો નજારો

એકંદરે રૂા.૧૧૦ કરોડના નવા સુવિધાના કામોના એકી સાથે લોકાર્પણ કરતાં મુખ્યમંત્રીશ્રી

નવોદિત મધ્યમ વર્ગ માટે પર્યટનનું કાંકરિયા સૌથી મહત્વનું નજરાણું

કિડ્સ સીટી કેપીટલ ઓફ ઇન્ડિયા બનશે

મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કાંકરિયા કાર્નિવલનો આજે સંધ્યા સમયે શાનદાર પ્રારંભ કરાવતાં આ હિન્દુસ્તાનનો અભૂતપૂર્વ બાલ ઉત્સવ બની ગયો છે તેનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. કાંકરિયા કાર્નિવલનું મુખ્ય આકર્ષણ ગરીબ વસતીના બાળકોની અદભૂત કલાશકિત બની ગયું છે. આ અવસર તેમનામાં નવો આત્મવિશ્વાસ જગાવશે એમ તેમણે જણાવ્યું હતું.

આજથી ૩૧મી ડિસેમ્બર સુધી ચાલનારા આ  કાંકરિયા કાર્નિવલમાં અમદાવાદની અને ગુજરાતની સાંસ્કૃતિક અસ્મિતાની પ્રસ્તુતિ સ્થાનિક કલાકારો અને વિવિધ રાજ્યોમાંથી આવેલા સાંસ્કૃતિક કલાકારો દ્વારા થશે. સંસ્કૃતના વેદ મંત્રો સાથે શરૂ થયેલા  કાંકરિયા કાર્નિવલમાં કિડસ સીટી, બલુન સફારી, અટલ ટ્રેઇન સ્વર્ણિમ ગુજરાત ટ્રેઇન સહિતના અનેક આકર્ષણો ધરાવતાં કાંકરિયા પરિસરમાં આજથી એક સપ્તાહ માટે રંગદર્શી રોનકનો નજારો જોવા મળશે. બે નવા એમ્યુસમેન્ટ પાર્ક અને બટર ફલાય પાર્ક વિશેષ આકર્ષણના કેન્દ્ર બન્યા છે.

પૂર્વ વડાપ્રધાન શ્રી અટલબિહારી વાજપેઇજીના જન્મ દિવસે અમદાવાદના કાંકરિયા પરિસરના નવલા રૂપરંગમાં આજથી પાંચમો કાંકરિયા કાર્નિવલ શરૂ થયો છે. અભૂત પૂર્વ ઉત્સાહ ઉમંગથી નગરજનોની વિશાળ ઉપસ્થિતિ અને કાંકરિયા પરિસરની આસપાસ અનેકવિધ નવા આકર્ષણો આ વર્ષે ઉમેરવામાં આવ્યા છે. આજે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ બી.આર.ટી.એસ.ના બે નવા જનમાર્ગ રૂટ સહિત રૂા.૧૧૦ કરોડની સુવિધાઓનું લોકાર્પણ કર્યું હતું.

ચૂંટણીના અભૂતપૂર્વ વિજય પછીનો આ પ્રથમ સાર્વજનિક કાર્યક્રમ છે તેનો સહર્ષ ઉલ્લેખ કરી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, જનતાના પ્રેમ અને ભરોસાથી ગુજરાતને વધુ તેજ ગતિથી વધુ ઉંચાઇ ઉપર લઇ જવાશે. ગયા આખા દશકામાં જનતાનો જે સાથ મળ્યો છે તેનાથી વધારે ઉત્સાહથી સાથ મળશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો

હતો.

ગુજરાતમાં નવોદિત મધ્યમ વર્ગ માટે પર્યટનનું ઘર આંગણે મહત્વનું નજરાણું કાંકરિયા બની ગયું છે અને ગરીબ ઝુંપડપટ્ટીના બાળકોના સપના સાકાર કરવાના પ્રયોગો માટે કાંકરિયા કિડ્સ સીટી કેપીટલ ઓફ કન્ટ્રી બનાવવાનો નિર્ધાર વ્યકત કરતાં મુખ્યમંત્રીશ્રીએ હિન્દુસ્તાન માટે કાંકરિયાનું કિડસ સીટી કિડસ ટુરીઝમનું આકર્ષણ બનશે એમ જણાવ્યું હતું કાંકરિયાના વિકાસની રોનક બદલવાનું કામ આ સરકારે કર્યું પણ કાંકરિયાની સ્વચ્છતા અને પર્યાવરણ જાળવણીનું ગૌરવ જનતાએ કર્યું છે તેનો આભાર વ્યકત કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, કાંકરિયાનું જતન અને સંવર્ધન કરવાનો આ લગાવ દર્શાવવા માટે જનતાનો આભાર માનું છું. બાળકો માટે તો ક્ડિસ સીટી સહિતના અનેક આકર્ષણો વધતાં જ રહેવાના છે તેની સાથોસાથ કાંકરિયા હિન્દુસ્તાન માટે સહેલગાહ માટેનું અનોખું સ્થળ બની રહેશે એમ પણ તેમણે જણાવ્યું હતું.

પ્રારંભમાં અમદાવાદના મેયર શ્રી આસિત વોરાએ મુખ્યમંત્રીશ્રીની પ્રેરણાથી શરૂ થયેલો આ કાંકિરયા કાર્નિવલ નગરજનો અને દેશભરના અનેક પ્રવાસીઓ માટે જ્ઞાન સાથે ગમ્મતનું અદકેરૂ માધ્યમ બન્યો છે તેનો આનંદ વ્યકત કરતાં નવા આકર્ષણોની રૂપરેખા સાથે સૌને આવકાર્યા હતા. આ અવસરે સાંસદશ્રીઓ, નવનિયુક્ત ધારાસભ્યશ્રીઓ, મહાપાલિકાની વિવિધ સમિતિના અધ્યક્ષશ્રીઓ તથા નગર સેવકો અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.