મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સૌજ્ન્ય મૂલાકાતે આવેલા એશિયન દેશોના ઇન્ફરમેશન ટેકનોલોજી સેકટરના ર૮ સભ્યોના વ્યાપાર વાણિજ્ય પ્રતિનિધિમંડળે ગુજરાત સરકારના આઇટી ઇન્ફ્રાસ્ટ્રકચર નેટવર્ક, ઇ-ગવર્નન્સ અને આઇટી ઇન્સેન્ટીવ પોલીસી સહિતના અનેકવિધ નવા આયામોથી પ્રભાવિત થઇને ગુજરાતમાં આઇટી ક્ષેત્રે બિઝનેસ પાર્ટનરશીપ માટેની તત્પરતા વ્યકત કરી હતી.

ગુજરાતની મૂલાકાતે આવેલા આ એશિયન બિઝનેસ ડેલિગેશનમાં ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, મલેશિયા, ફિલીપાઇન્સ, મ્યાનમાર, વિયેટનામ સહિતના એશિયાના વિવિધ દેશોના આઇટી ક્ષેત્રની કંપનીઓના બિઝનેસ અગ્રણીઓએ મુખ્યમંત્રીશ્રી સાથે સૌજન્ય બેઠક યોજીને અમદાવાદમાં ઇન્ડો-એશિયન આઇટી બિઝનેસ એલાયન્સ મીટનું આજે આયોજન કર્યું હતું અને આગામી વર્ષે ગુજરાતમાં ઇન્ડિયાસોફટઃર૦૧૧ યોજવાના આયોજનની પણ રૂપરેખા આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત સરકારના આઇટી ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ નેટવર્ક, ૬પ૦૦૦ કી.મી.નું ઓપ્ટીકલ ફાઇબર નેટવર્ક, ર૪x૭ નિરંતર સુનિશ્ચિત વીજપૂરવઠો સૌથી વધુ ટેલીકોમ્યુનિકેશન ડેન્સીટી, રાજ્ય સરકારનું પ્રોએકટીવ ઇ-ગવર્નન્સ, ન્યાયતંત્રમાં ઇ-કોર્ટની આગવી પહેલ, બધી ૧૩૬૯૩ ગ્રામ પંચાયતો ઇ-ગ્રામ બ્રોડબેન્ડ કનેકટીવિટીની સુવિધા અને આઇટી ઇન્સેન્ટીવ પોલીસીની વિશેષતા આ વિદેશી આઇટી બિઝનેસ ડેલિગેટોને સમજાવી હતી.

રાજ્ય સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી અગ્ર સચિવશ્રી રવિ સકસેના અને મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્રસચિવશ્રી જી. સી. મુર્મુ પણ આ બેઠકમાં ઉપસ્થિત હતા.