મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ અરબી સમૂદ્રમાં દક્ષિણ-પશ્ચિમ દિશામાં અતિભારે વરસાદ અને વાવાઝોડાની ગંભીર ચેતવણીને લક્ષ્યમાં રાખીને આજે સવારે આપત્તિવ્યવસ્થાપનની તાકીદની ઉચ્ચસ્તરીય બેઠકમાં સમીક્ષા કરી હતી અને દક્ષિણ ગુજરાતના બધા જ જિલ્લાઓ સહિત ભાવનગર, આણંદ, વડોદરા અને અમદાવાદ જિલ્લાઓના સમગ્ર વહીવટીતંત્ર તથા આપત્તિવ્યવસ્થાપન તંત્રને સાબદું અને સુસજ્જ રાખવાના આદેશો આપ્યા હતા.
આજે સવારે રાજ્ય મંત્રીમંડળની બેઠક પૂર્વે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સચિવાલયના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં ગુજરાત ઉપર વાવાઝોડાની સંભવિત આપત્તિની સમીક્ષા કરી હતી.
ભારતીય હવામાન વિભાગે અરબી સમૂદ્રમાં દક્ષિણ-પશ્ચિમ ભારે દબાણની સ્થિતિના પરિણામે આશરે ૩૦૦ કીલોમીટર દૂર વાવાઝોડાની સંભાવના સર્જાઇ છે તેવી ચેતવણી આપી હતી અને તેની ઉત્તર-ઇશાન દિશા તરફની ગતિ જોતા ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં અતિવૃષ્ટિ અને તોફાની પવનની ચેતવણી પણ આપી હતી.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ આજે સવારે મહેસૂલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ, શહેરી વિકાસ મંત્રીશ્રી નીતિનભાઇ પટેલ, મુખ્ય સચિવશ્રી ડી. રાજગોપાલન, પોલીસ મહાનિદેશકશ્રી એસ. ખંડવાવાલા, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણના વરિષ્ઠ પદાધિકારીઓ સર્વશ્રી આર. બેનરજી અને શ્રી વી. થિરૂપુગ્ગાઝ સહિતના સંબંધિત સચિવશ્રીઓએ ભાગ લીધો હતો.
મુખ્યમંત્રીશ્રીએ સામાન્ય નાગરિક જીવનમાં ભયની લાગણી નહીં પરંતુ કોઇપણ આપત્તિને પહોંચી વળવા જનજાગૃતિની જરૂર ઉપર દિશાસૂચક સૂચનાઓ આપી હતી તેમણે સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ અને ફઝય્જ્ની સેવાઓને સાવધાન કરવા અને દરિયામાં માછીમારોને યોગ્ય ચેતવણી આપવા જિલ્લા કલેકટરોને આદેશો આપ્યા હતા.