મહિલા સમરસ ગ્રામ પંચાયતોએ નારીશક્તિને લોકશાહીની વહીવટી પ્રક્રિયામાં ભાગીદારની તક આપી

પાંચ વર્ષમાં ગામડાની રોનક બદલાઇ જાય એવું સબળ નેતૃત્વ પુરું પાડીએઃ મુખ્ય મંત્રીશ્રી

ગુજરાતના ગામડા આર્થિક-સામાજિક પરિવર્તનથી ધબકતા રહે એવી સમરસ ગ્રામ પંચાયતોને અપીલ

કડીમાં ઉત્તર ગુજરાતની ર૧૬ સમરસ ગ્રામ પંચાયતો અને સરપંચોનું અભિવાદન અને રૂ. ૪.૪૦ કરોડના પ્રોત્સાહક પુરસ્કારોનું વિતરણ કરતા મુખ્ય મંત્રીશ્રી

મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઉત્તર ગુજરાતની તમામ સમરસ ગ્રામ પંચાયતો અને સમરસ સરપંચોનું અભિવાદન અને પ્રોત્સાહક અનુદાનનું વિતરણ કરતાં જણાવ્યું કે, સમરસ ગામને વ્યાપક પ્રતિસાદ આપીને ગુજરાતે હિન્દુસ્તાનને લોકશાહીની ઉત્તમ પ્રણાલીની દિશા બતાવી છે.

ગામ આખું સર્વસંમતિથી ગ્રામ પંચાયતની જવાબદારી સોંપે ત્યારે જ ગામમાં વિકાસ માટેની એકમતીનું ઉત્તમ વાતાવરણ સર્જાય છે, એમ જણાવી મુખ્ય મંત્રીશ્રીએ પાંચ વર્ષમાં એવા ઉત્તમ વહીવટ કરવાનું આહ્‍વાન કર્યું હતું કે, ગામની સુખાકારીની આખી રોનક બદલાઇ જાય. આ માટે વધારાના નાણાની પણ જરૂર નથી, નેતૃત્વની જરૂર છે, એમ તેમણે જણાવ્યું હતું.

રાજ્યની સમરસ ગ્રામ પંચાયતો અને સમરસ સરપંચોનું અભિવાદન કરવાના મુખ્ય મંત્રીશ્રીના આ ઉપક્રમના છેલ્લા ચરણમાં કડી ખાતે ઉત્તર ગુજરાતના ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા એમ પાંચ જિલ્લાઓની ર૧૬ સમરસ ગ્રામ પંચાયતોના સમરસ સરપંચોનું અભિવાદન કરવાના આ ગૌરવપૂર્ણ સમારોહમાં રૂ. ૪.૪૦ કરોડના પ્રોત્સાહક વિકાસ અનુદાનોનું વિતરણ મુખ્ય મંત્રીશ્રીએ કર્યું હતું.

રાજ્યની ર૧ર૩ સમરસ ગ્રામ પંચાયતોને રૂ. પપ.૬ર કરોડના પ્રોત્સાહક પુરસ્કારો મુખ્ય મંત્રીશ્રીએ આપ્યા છે.

સમરસ ગ્રામ પંચાયતની રચના માટે સમસ્ત ગ્રામજનોએ સર્વસંમતિથી પસંદગી કરી તે ગુજરાતની લોકશાહીએ પાડેલી ઉત્તમ પ્રણાલી છે, એમ જણાવી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસ માટેના ગ્રામ પંચાયતના કારોબારમાં એકમતીનું વાતાવરણ સર્જવા માટે સમરસ ગ્રામજનોને પણ અભિનંદન આપ્યા હતા.

વિપક્ષે સમરસ ગ્રામ પંચાયતની પસંદગીને લોકશાહીનું ખૂન કરવા જેવી કાગારોળ મચાવેલી તેની ટીકા કરતાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી સર્વસંમતિથી થાય તો લોકશાહીની જીત ગણાય પણ ગુજરાતના ગામડાં સર્વસંમતિથી આખી ગ્રામ પંચાયત સમરસ ચૂંટાઇ તો લોકશાહીનું ખૂન કઇ રીતે કહેવાય? વિપક્ષ પાસે આનો જવાબ નથી. સમરસ ગ્રામ પંચાયતોમાં સમસ્ત કારોબાર ગામની મહિલાશક્તિના હાથમાં સોંપીને પુરૂષોએ સ્વેચ્છાએ પોતાના પદ-પ્રતિષ્ઠાના અધિકારો છોડી દીધા એ ઐતિહાસિક ધટના પણ ગુજરાતની ઉત્તમ લોકશાહીનું દ્રષ્ટાંત પુરું પાડે છે. રાજ્ય સરકારે પંચાયતો અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહિલાઓને પ૦ ટકા પ્રતિનિધિત્વ આપવા માટે વૈધાનિક પ્રસ્તાવ પસાર કરેલો છે. પરંતુ રાજયપાલશ્રી પાસે અનિર્ણિત છે તેનો અફસોસ વ્યકત કરતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતની મહિલાશક્તિને લોકશાહી વહીવટમાં ભાગીદાર બનાવવાની તક સમરસ ગ્રામ પંચાયતોએ પૂરી પાડી છે.

પાંચ વર્ષમાં ગ્રામ પંચાયતનો વહીવટ એવો કરીએ કે ગામની આખી રોનક બદલાઇ જવી જોઇએ. વિકાસ અને સુખાકારીથી પ્રત્યેક ગામ ધબકતા રહેવા જોઇએ. ગામમાં ઉકરડાંનું નામોનિશાન ન રહે અને કચરામાંથી કંચન પેદા કરવાની નવી દિશાનું નેતૃત્વ લેવા મુખ્ય મંત્રીશ્રીએ સમરસ સરપંચોને પ્રેરક આહ્‍વાન કર્યું હતું. આવા અનેક નાના કામો માટે નવા બજેટ કે નવા નાણાંની જરૂર નથી, નેતૃત્વની પહેલ કરવાની છે એમ પણ તેમણે જણાવ્યું હતું.

ગામડાં સ્વચ્છ અને ચોખ્ખાં રહેશે તો રોગચાળાની સમસ્યા દૂર રહેશે, શૌચાલયો ધેર ધેર હશે તો ગામની મહિલાશક્તિની આરોગ્યની અનેક તકલીફો આપોઆપ મટશે અને આબારૂ-ઇજ્જતની શાન જળવાઇ રહેશે. ગામની વચ્ચોવચ લીલછમ વનરાજી સર્જીને પર્યાવરણનું ઉત્તમ વાતાવરણ ઉભું થશે, એમ તેમણે જણાવ્યું હતું.

ગામની પ્રાથમિક શાળા અને આંગણવાડી "એ' ગ્રેડની બનશે તો ગામની આવતીકાલ ગૌરવશાળી બનશે આવા કામો માટે સરકારની તિજોરીની નહીં પણ સમાજની શક્તિનો વિશ્વાસ કેળવવાની જરૂર છે. આ જ પ્રમાણે ગામમાં કુપોષણથી પીડાતા ગરીબ પરિવારોનું બાળક કે સગર્ભા માતાને પોષણથી તંદુરસ્તી આપીએ, ગામની બહેનોને સખીમંડળોમાં જોડીને આર્થિક પ્રવૃત્ત્િાઓ દ્વારા ગામના પરિવારો દ્વારા વ્યાજના દેવાના ચક્કરમાંથી ગામને મૂકત રાખી શકાય એમ છે એ માટે ગામેગામ સખીમંડળોની આર્થિક પ્રવૃત્ત્િાને પ્રેરિત કરવા સમરસ ગ્રામ પંચાયતો નેતૃત્વ પુરું પાડે એમ તેમણે જણાવ્યું હતું.

ગુજરાતના ગામડાને સામાજિક-આર્થિક વિકાસથી ધબકતા રાજ્યના મુખ્ય મંત્રીશ્રીએ સમરસ ગ્રામ પંચાયતોને સરકાર દ્વારા મળતા લાખો લાખો રૂપિયા વિકાસ માટે ઉગી નીકળે તેવો પારદર્શી વહીવટ આપવા આહ્‍વાન કર્યું હતું.

પંચાયત મંત્રી શ્રી નરોત્તમભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતે ગામડાઓના વિકાસને પ્રાધાન્ય આપ્યું છે. અગાઉ કોંગ્રેસના શાસનમાં ગામડાઓની દશા અને દિશા ન બદલી શકાઇ. ગામડાઓને ખૂબ અલ્પ સુવિધાઓ અપાતી. જયારે આજે પરિસ્થિતિમાં બદલવા આવ્યો કે પ્રવર્તમાન ગુજરાત સરકારે ગામડાઓને સુવિધાથી સભર કર્યા છે.

ગામડાઓમાં સ્વચ્છતા જાળવવા પર ભાર મુકી મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગામડાઓમાં જયાં-ત્યાં ઉકરડા ન થાય તેની તકેદારી રાખવી પડશે. તેમણે વર્મીકંપોઝ બનાવવા પર પણ ભાર મુકયો હતો.

મહેસાણા જિલ્લાના પ્રભારી અને મહેસૂલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે રાજ્યના તમામ તાલુકાનો સમતોલ વિકાસ થાય તે માટે પ્રયાસો હાથ ધર્યા છે. સાથે સાથે તાલુકાના લોકોને નાના-નાના કામો માટે જિલ્લા કક્ષાએ ન આવવું પડે તે માટે ""આપણો તાલુકો-વાયબ્રન્ટ તાલુકો'' કાર્યક્રમ હાથ ધર્યો અને તાલુકા કક્ષાએ જનસેવા કેન્દ્રો કાર્યાન્વિત કર્યા. છેલ્લા 1 વર્ષમાં આ કેન્દ્રોમાં ૧૮ લાખ અરજીઓ આવી અને તે પૈકી ૧૭ લાખ અરજીઓનો નિકાલ કરાયો છે. ગામડાંઓની નાની નાની જરૂરિયાતોની પૂર્તિ કરી શકાય તે માટે રાજ્ય સરકારે પ્રાંત અધિકારીઓ હસ્તક રૂ. રપ લાખ મુકાયા છે. જેનો ઉપયોગ ત્વરિત ધોરણે નાના-મોટા કામો માટે કરી શકાય. તેની પાછળ લોકોને પડતી અસુવિધાઓ નિવારવાનો મુખ્ય આશય છે, એમ તેમણે ઉમેર્યું હતું.

મંત્રી શ્રી નીતિનભાઈ પટેલે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, વાદ-વિવાદ વિના સંવાદથી સમરસ બનેલા સમરસ ગામોને વિકાસના વાહક ગણાવ્યા હતા. તેમણે સમરસ ગામોના સરપંચોને અભિનંદન આપ્યા હતા.

શિક્ષણ મંત્રી શ્રી રમણલાલ વોરાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે શિક્ષણના પ્રસાર-પ્રચાર માટે સુચારું કામગીરી કરી છે. ર૦૦૧માં કન્યા કેળવણી ક્ષેત્રે ગુજરાતમાં ૨૧મા નંબરે હતું. જયારે આજે દેશમાં ગુજરાતનું સ્થાન ૬ઠ્ઠા નંબરે આવ્યું છે. તેની પાછળ મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની દીર્ધદ્રષ્ટિ અને કટીબદ્ધતા રહેલી છે. ગુજરાતમાં ડ્રોપ આઉટ રેશિયો શૂન્ય પર લઇ જવા પણ કટીબદ્ધ છે.

રાજ્યની તમામ માધ્યમિક શાળાઓમાં કોમ્પ્યુટર અને એલ.સી.ડી. ટી.વી. આપીને આધુનિક ટેકનોલોજી સાથે શિક્ષણને જોડવાનું કામ આ સરકારે ઉપાડયું છે, એમ તેમણે ઉમેર્યું હતું.

આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પરબતભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યની પ્રજાનું સ્વાસ્થ્ય જળવાય તે માટે ગુજરાત સરકારે સંખ્યાબંધ યોજનાઓ કાર્યાન્વિત કરી છે. રાજ્યમાં ચિરંજીવી યોજના અંતર્ગત ૭.૪૦ લાખ પ્રસૂતા મહિલાઓને લાભ અપાયો છે. કેન્દ્ર સરકાર, યુનિસેફ અને ડબલ્યુ.એચ.ઓ. સંસ્થાએ પણ આ યોજનાને બિરદાવી છે. મંત્રીશ્રીએ બાલસખા, દીકરી બચાવો, અમૃતમ્‍ યોજનાની જાણકારી આપી હતી. શાળા આરોગ્ય તપાસ કાર્યક્રમ અંતર્ગત ૧,૪૬,પપ,૦૦૦ બાળકોની તપાસ કરી ૭.૬૪ લાખ બાળકોને સંદર્ભ સેવા તથા ૪૧,૬૦૦ બાળકોને ગંભીર રોગની સારવાર-ઓપરેશન કરાયા હોવાની જાણકારી પણ તેમણે આપી હતી.

રાજ્યસભાના સાંસદ અને પ્રદેશ ભાજપાના ઉપાધ્યક્ષ શ્રી નટુજી ઠાકોરે જણાવ્યું હતું કે, સમરસના પાયામાં શાંતિ-સંવાદિતાનું પરિબળ રહેલું છે. તેમણે સમરસ ગ્રામ પંચાયતોને અપાનાર અનુદાનને સાચા અર્થમાં પ્રોત્સાહક ગણાવ્યા હતા.

સાંસદ શ્રીમતી જયશ્રીબેન પટેલે જણાવ્યું હતું કે, વાદ-વિવાદ નહીં પણ સંવાદથી બનેલી સમરસ ગ્રામ પંચાયતો વિકાસના નવા આયામો પ્રસ્થાપિત કરશે. તેમણે મહિલાઓ અને બાળકોના કલ્યાણ માટે અમલી યોજનાઓ અંગેની રૂપરેખા આપી હતી.

એગ્રો ઇન્ડસ્ટ્રીઝના મેનેજિંગ ડીરેકટર શ્રી એન. કે. સિંધે, બાયોગેસ વિષે વિગતો આપતાં જણાવ્યું હતું કે, નિગમ દ્વારા બાયોગેસનો વપરાશ વધે તે માટે પ્રયાસો હાથ ધરાયા છે. 1 ધનમીટર રૂ. ૧ર થી ૧૪ હજાર અને ર ધનમીટર માટે રૂ. ર૦ થી ર૪ હજારનો ખર્ચ થાય છે. ર ધનમીટર પ્લાન્ટ માટે અંદાજે ૪૦ કિ.ગ્રા. છાણની જરૂરિયાત પડે છે અને તે ૮ થી ૯ વ્યક્તિઓના પરિવારને ગેસ પુરો પાડી શકે છે, એમ તેમણે ઉમેરી બાયોગેસ અપનાવી નિર્મલ ગુજરાતના અભિયાનને સાકાર કરવા અનુરોધ કર્યો હતો.

મુખ્ય મંત્રીશ્રીએ જિલ્લા કલેકટર કચેરી દ્વારા અમલી બનાવાયેલી EWMSની માર્ગદર્શિકાનું વિમોચન કર્યું હતું. જયારે રૂ. ૧,૦ર,૦૦૦ના ચેકો મુખ્ય મંત્રીશ્રીના કન્યા કેળવણી નિધિમાં અપાયા હતા.

આ પ્રસંગે મંત્રી શ્રી ફકીરભાઈ વાધેલા, શ્રી પ્રફુલ્લભાઈ પટેલ, શ્રી જયસિંહ ચૌહાણ, ધારાસભ્યો સર્વશ્રી ઋષિકેશ પટેલ, કાંતિભાઈ પટેલ, રજનીભાઈ પટેલ, જશોદાબેન પરમાર, વિવિધ બોર્ડ-નિગમના ચેરમેનશ્રીઓ સર્વશ્રી ઝવેરભાઈ ચાવડા, વાડીભાઈ પટેલ, પુંજાજી ઠાકોર, પૂનમભાઈ મકવાણા, અશોકભાઈ ભાવસાર, અગ્રણી શ્રી જયંતિભાઈ બારોટ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ, પંચાયત વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી આર. એમ. પટેલ, અન્ય અધિકારીઓ, સરપંચશ્રીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.