૨૮ સપ્ટેમ્બર થી ૦૫ ઓક્ટોબર, ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે

મુખ્યમંત્રી સહિત અન્ય મહાનુભાવો અને ઉપસ્થિત લોકો શ્રધ્ધાપૂર્વક મા ભગવતીની મહાઆરતી કરશે

 ૨૦૦ થી ૨૫૦ કલાકારો ચંડીપાઠ અને શક્તિપીઠની થીમ ઉપર નૃત્ય અને સંગીતનો ભવ્ય કાર્યક્રમ રજુ કરશે

દક્ષિણ આફ્રિકા, સિંગાપુર, ઈન્ડોનેશિયા સહિતનાં દેશોનાં ૧૭ જેટલાં રાજદૂતો અને રાજદ્વારીઓ ઉપસ્થિત રહેશે

ગુજરાતનાં શ્રેષ્ઠ ૫૦ પ્રવાસન સ્થળોની ફોટો ગેલેરી અને ધરોઈ ખાતે આકાર લેનાર સંત નગરીનું થીમ પેવેલિય

વિશ્વનાં સૌથી લાંબા નૃત્ય ઉત્સવ અને મા ભગવતીની આરાધનાનાં પર્વ નવરાત્રિ નિમિત્તે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા ગુજરાત ઈન્ડસ્ટ્રીઅલ નવરાત્રિ ફેસ્ટીવલ સોસાયટીનાં સહયોગથી અમદાવાદનાં ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે તારીખ ૨૮ સપ્ટેમ્બર થી ૦૫ ઓક્ટોબર સુધી એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી બુધવાર તારીખ ૨૮ સપ્ટેમ્બર સાંજે ૭:૦૦ કલાકે આ કાર્યક્રમનો પ્રારંભ કરાવશે. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી સહિત અન્ય મહાનુભવો અને ઉપસ્થિત લોકો શ્રધ્ધાપૂર્વક મા શક્તિની મહાઆરતીનો લાભ લેશે.

દક્ષિણ આફ્રિકા, સિંગાપુર, ઈન્ડોનેશિયા સહિતનાં દેશોનાં ૧૭ જેટલાં રાજદૂતો અને રાજદ્વારીઓ, રાજ્ય મંત્રીમંડળનાં સભ્યો અને રાજ્યનાં વરિષ્ઠ અધિકારીઓ આ ભવ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે ૨૦૦ થી ૨૫૦ જેટલા કલાકારોનું વૃંદ ચંદીપાઠ અને શક્તિપીઠની થીમ ઉપર નૃત્ય અને સંગીતનાં તાલે તેમની કલાની રજુઆત કરશે. મુખ્ય સ્ટેજ ઉપર પ્રખ્યાત કલાકારો અને તેમનું ઓરકેસ્ટ્રા ખેલૈયાઓની સાથે મળીને ગરબાની ધુમ મચાવશે. આ પ્રસંગે એક રાજ્ય કક્ષાની ગરબા સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીશ્રી આ પ્રસંગે ગુજરાતનાં શ્રેષ્ઠ ૫૦ પ્રવાસન સ્થળોની ફોટો ગેલેરી અને ધરોઈ ખાતે આકાર લઈ રહેલ Òસંત નગરીÓનાં થીમ પેવેલિયનનું ઉદઘાટન પણ કરશે. આ ઉપરાંત એડવેન્ચર સ્પોર્ટ્સ, કીડ્સ એરિયા, હસ્તઉદ્યોગનાં સ્ટોલ વગેરે મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. નવરાત્રિ દરમ્યાન શહેરો, નગરો, ગામડા અને શેરીઓમાં બાળકથી લઈને વૃધ્ધ સૌ કોઈ નાત, જાત અને ઉમરનાં ભેદ ભુલીને પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ મા શક્તિની આરાધનાનાં સ્વરૂપ એવા ગરબા નૃત્ય ખેલવા નીકળી પડે છે. ગુજરાત ઉપરાંત દેશનાં વિવિધ ભાગો અને વિદેશોમાં પણ નવરાત્રિનું પર્વ ભારે ધુમધામ અને શ્રધ્ધાપૂર્વક ઉજવાય છે.

ઉલ્લેખનીય છે કે દેશવિદેશનાં સહેલાણીઓને ગુજરાતનાં ભવ્ય સાંસ્કૃતિક વારસા, સ્થાપત્ય ઉપરાંત રમણીય પર્યટન સ્થળોથી માહિતગાર કરવા ગુજરાત પર્યટન વિભાગ દ્વારા વિવિધ પ્રયાસ કરવામાં આવે છે. આ અંતર્ગત વાઈબ્રન્ટ ગુજરાત ટ્રાવેલ માર્ટ, રણોત્સવ, પતંગ મહોત્સવ, સાપુતારા મોનસુન ફેસ્ટિવલ અને વાઈબ્રન્ટ નવરાત્રી જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.