ર૬ તાલુકાના ૧.૩પ લાખ ગરીબ લાભાર્થીઓની સાથે વિડીયો કોન્ફરન્સથી મુખ્ય મંત્રીશ્રીનું સંબોધન .

 એક જ દિવસમાં રૂા. ર૦૭ કરોડના લાભોનું વિતરણ

ગરીબ કલ્યાણ મેળા અભિયાન દરિદ્રનારાયણની સેવાનો મહાયજ્ઞ

મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગાંધીનગરથી રાજ્યના ર૬ ગરીબ કલ્યાણ મેળાના ૧.૩પ લાખ ગરીબ લાભાર્થીઓને વિડીયો કોન્ફરન્સથી સંબોધતાં કેન્દ્ર સરકાર ગુજરાતના ગરીબોની આંતરડી કકળાવે છે તેવો સ્પષ્ટ આક્ષેપ કરતાં જણાવ્યું કે, ગુજરાતમાં બી.પી.એલ. કુટુંબોની યાદી ૩ર લાખની છે તે વાસ્તવિકતા સ્વીકારવાને બદલે દશ લાખ બી.પી.એલ. ઓછા ગણીને સાડા ચાર લાખ ટન અનાજ ઓછું ફાળવે છે અને કેરોસીનના જથ્થામાં ૩ર ટકા કાપ મુકીને ગરીબોના ઘરમાં ચૂલો સળગે નહીં એવો અન્યાય કરી રહી છે પણ ગરીબોની આંતરડી કકળાવીને કેન્દ્ર સત્તાસુખ ભોગવી નહીં શકે એવી ચેતવણી તેમણે આપી હતી. મુખ્ય મંત્રીશ્રીએ દરરોજ ગરીબ કલ્યાણ મેળાના લાભાર્થીઓને મળવાનો ઉપક્રમ રાખ્યો છે, આ વર્ષે ગરીબ કલ્યાણ મેળાઓ ૧રમી એપ્રિલથી યોજાઇ રહ્યા છે.

અગાઉ ત્રણ વર્ષોના ૬૪ર ગરીબ કલ્યાણ મેળાઓમાં પ૮ લાખ ગરીબોને રૂા. ૮૧ર૦ કરોડના લાભો આપીને રાજ્ય સરકારે ગરીબોને ગરીબીમાંથી બહાર લાવવા અને દરિદ્રનારાયણની સેવાનો માર્ગ લીધો છે. ‘‘સાચો રહી જાય નહીં અને ખોટો લઇ જાય નહીં’’ એ ગરીબ કલ્યાણ મેળાનો મંત્ર છે, એમ જણાવી સાચા લોકોને એના હક્કનું મળે એ માટે રાજ્ય સરકાર સામે ચાલીને ગરીબોને ગામે ગામથી શોધે છે, તેની ભૂમિકા મુખ્ય મંત્રીશ્રીએ આપી હતી. વનબંધુ કલ્યાણનું નવું પેકેજ રૂા. ૪૦,૦૦૦ કરોડનું બનાવીને અને સાગરખેડુ વિકાસનું પેકેજ રૂા. ર૧,૦૦૦ કરોડનું બનાવીને અમલમાં મુકયું છે. શહેરી ગરીબોની સમૃદ્ધિ યોજના માટે પણ રૂા. રપ,૦૦૦ કરોડનું પેકેજ બનાવ્યું છેગરીબના ઘરમાં ચૂલો સળગે, ગરીબનું સંતાન ભૂખ્યું ના સુવે તેની ચિંતા દરેક ગરીબ માતાગૃહિણીની રહે છે પણ કેન્દ્ર સરકારને કાળઝાળ મોંઘવારી ઘટાડવા કોઇ ચિંતા નથી એમ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

કેન્દ્ર સરકારે ગુજરાતના ગરીબોની બી.પી.એલ. યાદી બનાવવા તેદુલકર સમિતિ બનાવેલી. જેણે ૩ર લાખ બી.પી.એલ.ની યાદી બનાવી પણ કેન્દ્ર સરકાર ધરાર રર લાખ (ર૧.ર૦ લાખ) બી.પી.એલ.ને જ માન્ય રાખે છે અને તેના કારણે સાડા ચાર લાખ ટન અનાજ ઓછું ફાળવે છે પણ ગરીબના ઘરમાં ચૂલો સળગે એ માટે રાજ્ય સરકારે પોતાના બજેટમાંથી દરેક બી.પી.એલ. કુટુંબને માસિક ૩પ કિલો અનાજ રાહતભાવે આપવાની યોજના અમલમાં મુકી છે. ગરીબને તહેવારોમાં પામોલીન ખાદ્યતેલ રાહત ભાવે મળે તે માટે ૧૮,૦૦૦ ટન પામોલીન તેલનો જથ્થો જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ અપાશે, એમ તેમણે જણાવ્યું હતું.

ગરીબના બાળકોને કુપોષણથી બચાવવા મધ્યાહન ભોજન યોજના હેઠળ શાળાના ૮૦ લાખ બાળકોને, આંગણવાડી ભૂલકાંગરીબ સગર્ભા માતા, કિશોરી સહિત ૪૬ લાખ લાભાર્થીઓ બાલભોગ યોજના હેઠળ પોષક આહારૂપે ફોર્ટીફાઇડ આટો, રેડી ટુ કુક પોષણયુકત આહાર અપાય છે. કિશોરીઓના પોષણતંદુરસ્તી માટે વિટામીનલોહતત્ત્વથી ફોર્ટીફાઇડ વધારાનું અનાજ પ્રિમીક્ષ ખાદ્યવસ્તુ આપીને કુપોષણમાંથી બહાર કાઢવાનું કામ સરકારે હાથ ધર્યું છે. આ માટે મધ્યાહન ભોજન, આંગણવાડી, બાલભોગના પોષક આહાર માટેનું અનાજ, દાળ, મગ, તેલ, ઘઉં, ચોખા લાખો ટન પૂરા પાડે છે. આદિવાસી બાળકો માટે દૂધ સંજીવની યોજના શરૂ કરી છે.

આંગણવાડીને ગેસના ચૂલાબાટલા આપવા કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે. ગરીબોના કલ્યાણ માટે આ સરકાર પાછુ વાળીને જોવાની નથી. ગરીબી સામે લડવું છે, વ્યસન છોડવા છે. હવે ગરીબીમાં નથી રહેવું ગરીબીનો વારસો સંતાનને આપવો નથી. આ સંકલ્પ કરવા તેમણે અનુરોધ કર્યો હતો અને સંતાનને કોઇપણ ભોગે શિક્ષણ આપવા હૃદયસ્પર્શી અપીલ કરી હતી.