૪૦૦૦ દિવસના ઐતિહાસિક સુશાસન અંગે મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન

ગ્રામ પંચાયત મંત્રીઓને માસિક રૂ. ૧૦૦૦નું ખાસ ભથ્થું પ્રોત્સાહક પેકેજ તરીકે અપાશેઃ મુખ્ય મંત્રીશ્રી

સરકારી કર્મચારીના ધોરણે વાહન ભથ્થું

નરેન્દ્રભાઇ મોદી

પંચાયતનો વહીવટ ટેકનોસેવી બને એ ગુજરાતની નેમ છે

પ્રત્યેક ગામ પેઢીઓ સુધી તરસ્યું જ ના રહે તે માટે પાણીની વ્યવસ્થા કરવા, પંચાયત મંત્રી “લાખો વણઝારો” ની ઐતિહાસિક ભૂમિકા નિભાવે

 

મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે મહાત્મા મંદિરમાં યોજાયેલી ગ્રામ પંચાયત મંત્રીઓની રાજયકક્ષાની કાર્યશિબિરનું ઉદ્‍ધાટન કરતા, રાજયના તમામ પંચાયત મંત્રીઓની સેવા કામગીરીને પ્રોત્સાહિત કરવા માસિક એકંદર રૂ.૧૦૦૦નું ખાસ ભથ્થું આપવાની પ્રેરક જાહેરાત કરી હતી. જેમાં પંચાયત મંત્રીને હાલ વર્ષોથી મળતા માસિક રૂ. ૧૦૦ના ખાસ ભથ્થામાં નવ ગણો વધારો કરીને માસિક રૂ. ૯૦૦નું ખાસ ભથ્થું આપવાના અને પંચાયતમંત્રી જે કેશ-એકાઉન્ટનો ગ્રામ પંચાયતના હિસાબની કામગીરી, વસૂલાત વગેરે સંભાળે છે તેમને પહેલીવાર માસિક રૂ. ૧૦૦નું કેશ એલાઉન્સ આપવાના મળી, કુલ માસિક રૂ. ૧૦૦૦ના ખાસ ભથ્થું પેકેજનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત ગુજરાતના કર્મચારીને મળતા વાહન ભથ્થાં પ્રમાણે પંચાયત તલાટી મંત્રીને વાહન ભથ્થું મળવાપાત્ર થશે.

ગુજરાતમાં પંચાયતી રાજની સ્વર્ણિમ જયંતી ઉજવાઇ રહી છે તેના ભાગરૂપે આજે ગાંધીનગરમાં રાજયની તમામ ગ્રામ પંચાયતોના મંત્રીઓની રાજયકક્ષાની કાર્યશિબિર યોજવામાં આવી હતી.

ગુજરાતના ત્રિસ્તરીય "પંચાયતી રાજ' માળખામાં લોકશાહીના ધબકારા ઝીલતા ગ્રામ વિકાસની અને પંચાયતના વહીવટની સેવા ફરજો બજાવતા પંચાયત મંત્રીઓના યોગદાનનો નિર્દેશ કરતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર પંચાયત તલાટી મંત્રીઓની કાર્યશિબિર જે મહાત્મા મંદિરમાં થઇ રહી છે તેના નિર્માણમાં ગામેગામથી જળ-માટી લાવવાની પરસેવાની સુવાસ ગ્રામ પંચાયત મંત્રીઓની પથરાયેલી છે.

પંચાયત મંત્રી પરિવારને પ્રેરણા આપતા મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, પહેલા ગ્રામ પંચાયતમાં નાણાં જ નહોતા આજે ઉડીને આંખે વળગે એવો વિકાસ બધે જ દેખાય છે. કારણ કે, ગામડાને લાખો લાખોના નાણાંની સાધન સહાય મળે છે. ગામડામાં સ્વચ્છતાની કામગીરી માટે ગ્રામ પંચાયત આઉટ સોર્સિંગ કરે એ ગુજરાતમાં જ શકય બની શકયું છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજય સરકાર જે સતત નવું કરવા વિચારતી રહી છે તેનો પ્રતિભાવ છેક પંચાયત મંત્રીના વિચારમાં પડે છે તે બતાવે છે કે, ગુજરાતમાં આપને સહુને વિકાસ માટે નવું કંઇક કરવાની પ્રેરણા શકિત મળે છે. ગુજરાત સરકારના છ લાખ કર્મયોગીઓની ૧૨ લાખ ભુજાઓ જ આ સરકારની શકિત છે અને ૪૦૦૦ દિવસની રાજકીય સ્થિરતામાં ગુજરાત નવી ઊંચાઇ ઉપર પહોંચી ગયું છે.

ગુજરાતમાં ૫૫ માંથી ૧૧૦ નવા પ્રાન્ત, આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો-તાલુકા સરકાર બને, નવા જિલ્લા-તાલુકાની રચના જેવા વહીવટી સત્તા વિકેન્દ્રીકરણની સુગમતાએ નવી ચેતના જગાવી છે તેનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આંગણવાડી જેવા ઉપેક્ષિત એકમને ગામમાં ગરીબ ભૂલકાંના લાલન પાલન માટે ચેતનવંતી બનાવી છે. ગામે ગામ સખી મંડળની બહેનો અને તલાટી-મંત્રીઓ પણ કોમ્પ્યુટર સાક્ષરતા માટે રાજય સરકારના EM POWER પ્રોજેકટથી સશકત બની રહ્યા છે. ગુજરાતમાં વિકાસની ઊંચાઇએ ગામડામાં વહીવટી તંત્રમાં ઇ-ગ્રામ વિશ્વગ્રામ અને સ્વાગત ઓન લાઇન કાર્યક્રમ શકય બન્યો છે, કારણ સરકારે બ્રોડબેન્ડ કનેકટીવિટી ગામમાં આપી દીધી છે. હવે ગ્રામ પંચાયતનો વહીવટ પણ ટેકનોસેવી બને તે ગુજરાતમાં સમયનો તકાજો છે, એમ તેમણે જણાવ્યું હતું.

પ્રત્યેક પંચાયત મંત્રી ટેકનોસેવી બને એવું આહ્‍વાન કરતા મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, દરેક પંચાયત મંત્રી ગામનો ચીફ સેક્રેટરી છે અને એ સામર્થ્યથી નેતૃત્વ કરવું જોઇએ. ગામના સરકારના નિવૃત્ત સેવકો સાથે વર્ષમાં તેમની સાથે સમૂહ ચિન્તન કરીને ગામની સિકલ સૂરત બદલવા જન-ભાગીદારી સક્રિય બનાવે તેવી પ્રેરણા તેમણે આપી હતી. ૨૬ જાન્યુઆરી, ૧લી મે અને દિવાળીના સ્નેહ મિલન આ નિવૃત્ત સરકારી સેવકોનું બને એવું સૂચન તેમણે કર્યું હતું. આ માટેની કોઇ નાણાંકીય જોગવાઇની જરૂર હોય તો તે પણ વિચારી શકાય, એમ તેમણે જણાવ્યું હતું.

મુખ્ય મંત્રીશ્રીએ દરેક ગામમાં "લાખા વણઝારા'ની વાવનો ઇતિહાસ સજીવન કરીને પાણીનું વ્યવસ્થાપન જલ મંદિર રૂપે કરે એવું સૂચન પણ પંચાયત મંત્રીઓને કર્યું હતું. આવનારી પેઢીઓ આ માટે તેમને યાદ કરશે,  એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

રાજયના પંચાયત મંત્રી શ્રી નરોત્તમભાઇ પટેલે ગ્રામ પંચાયત મંત્રીશ્રીઓને આવકારતા જણાવ્યું કે, આજનો દિવસ પંચાયતી રાજની સુવર્ણજયંતીના અવસરમાં મહાકુંભ સમાન છે. રાજય સરકારે સ્વરાજને સુરાજમાં પરિવર્તિત કરવાનો જે યજ્ઞ આરંભ્યો છે, તેમાં ગ્રામ પંચાયતની ભૂમિકા અતિ મહત્ત્વની છે. રાજય સરકારે છેલ્લા ચાર વર્ષમાં ૩૪ હજાર કરોડના ખર્ચે ગામડાના સર્વાંગી વિકાસના કામો કર્યાં છે તેનો ઉલ્લેખ કરી સમરસ ગામ, પાવન ગામ, તીર્થગામ જેવી યોજનાઓ દ્વારા ગામડાના સામાજીક અને આર્થિક માળખાને સુદ્રૃઢ બનાવવાની યોજનાઓની વિસ્તૃત જાણકારી આપી હતી. રાજયના વિકાસમાં તલાટી કમ મંત્રીશ્રીઓનું યોગદાન પ્રભાવી હોવાનું જણાવી મંત્રીશ્રી પટેલે આ વણથંભ્યા વિકાસમાં પોતાનું અવિરત યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે રાજય આરોગ્ય મંત્રીશ્રી પરબતભાઇ પટેલે રાજય સરકારની આરોગ્ય લક્ષી ચિરંજીવી યોજના, મા અમૃતમ યોજના, ૧૦૮ એમ્બ્યુલન્સ, ખિલખિલાટ, બાલભોગ અને કુપોષણ સામેના રક્ષણ જેવી અનેકવિધ યોજનાઓની જાણકારી આપી, આ સેવાઓ વધુ લોકભોગ્ય બનાવવા માટે તલાટી કમ મંત્રીઓની ભૂમિકાની ઝાંખી આપી હતી.

આ પ્રસંગે વિવિધ વિભાગના સનદી અધિકારીઓએ રાજય સરકારની કલ્યાણકારી યોજનાઓની સવિસ્તૃત જાણકારી આપી યોજનાઓને વધુ લોકભોગ્ય બનાવવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે શિક્ષણ મંત્રીશ્રી રમણલાલ વોરા, રાજય કક્ષાના મંત્રીઓ સર્વશ્રી જયસિંહ ચૌહાણ, મોહનભાઇ કુંડારિયા, સંસદીય સચિવશ્રી સુંદરસિંહ ચૌહાણ, નાયબ દંડકશ્રી અંબાલાલ રોહિત, ધારાસભ્યશ્રીઓ, મુખ્ય સચિવશ્રી એ.કે.જોતિ, પંચાયત વિભાગના અગ્ર સચિવશ્રી આર.એમ.પટેલ સહિત, સનદી અધિકારીઓ અને ગ્રામ પંચાયત મંત્રીશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.