વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહ શ્રીમતી સોનિયા ગાંધીના વિદેશ પ્રવાસોના ખર્ચના મુદ્દે દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છે : શ્રી મોદી
શ્રી મોદીએ વિવિધ દૂતાવાસોમાંથી મળેલ આર.ટી.આઈ. ના જવાબોને ટાંકીને પોતાના મુદ્દાને સ્પષ્ટ કર્યો
છેલ્લા આઠ વર્ષના યૂ.પી.એ. સરકારના શાસન દરમ્યાન એક પણ સારા સમાચાર દિલ્હીથી આવતા નથી : શ્રી મોદી
શુક્રવાર, 5 ઓક્ટોબર 2012 ની સાંજે શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહ યૂ.પી.એ. અધ્યક્ષા સોનિયા ગાંધીની વિદેશ યાત્રાઓના મુદ્દે દેશને ગુમરાહ કરી રહ્યા છે. પોતાની આ વાતને સ્પષ્ટ કરતાં તેમણે વિવિધ ભારતીય દૂતાવાસો દ્વારા મળેલ આર.ટી.આઈ. ના જવાબોનો સંદર્ભ આપ્યો. શ્રી મોદી વિવેકાનંદ યુવા વિકાસ યાત્રા દરમ્યાન એક વિશાળ સભાને સંબોધિત કરી રહ્યા હતા.“વડાપ્રધાન દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છે. હું વડાપ્રધાનને એક સામાન્ય નાગરિક તરીક આ મુદ્દે ખુલાસો કરવાનું જણાવું છું. આર.ટી.આઈ. ને વિદેશોમાં સ્થિત ભારતીય દૂતાવાસો દ્વારા મળેલા જવાબો સ્પષ્ટ કરે છે કે શ્રીમતી સોનિયા ગાંધીના વિદેશ પ્રવાસો પર લાખો રૂપીયાનો ખર્ચ કરવામાં આવેલ.” શ્રી મોદીએ જણાવ્યું.
શ્રી મોદી દ્વારા આ અગત્યના મુદ્દાઓ ફરીથી ઉઠાવવામાં આવ્યા જે દિવસે વડાપ્રધાન કાર્યાલય તરફથી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું કે ફક્ત ત્રણ લાખ રૂપીયા તેમના વિદેશ પ્રવાસો માટે ખર્ચ કરવામાં આવેલ છે. આર.ટી.આઈ. ના જવાબો આનાથી તદ્દન વિપરીત હકીકત રજૂ કરે છે.
“શ્રીમતી સોનિયા ગાંધીની 2007 તથા 2011 ની લંડન બે વખતની મુલાકાતો - ખર્ચવામાં આવેલ રકમ અનુક્રમે 2.82 લાખ અને 35 લાખ રૂપીયા. તેમની ચીનની બે મુલાકાતો - ખર્ચવામાં આવેલ રકમ અનુક્રમે 14 લાખ રૂપીયા તથા 12 લાખ રૂપીયા” આર.ટી.આઈ. ના જવાબોનો સંદર્ભ આપતાં શ્રી મોદીએ કહ્યું.
મુખ્યમંત્રીશ્રી આગળ તેણે મુલાકાત લીધેલ અન્ય દેશોનાં નામ તથા થયેલ ખર્ચ વિશે જણાવતા ગયા.
તેમણે સ્પષ્ટ રીતે ફરીથી જણાવ્યું કે આ મુદ્દો શ્રીમતી સોનિયા ગાંધીના સ્વાસ્થ્ય બાબતનો નહીં પરંતુ તેના વિદેશ પ્રવાસો બાબતનો છે.
શ્રી મોદીએ કહ્યું કે સ્વામી વિવેકાનંદે ભારતને જગદ્દગુરુ બનાવવાનું સપનું જોયું હતું, પરંતુ છેલ્લા આઠ વર્ષથી ડૉ. મનમોહનસિંહ તથા શ્રીમતી સોનિયા ગાંધીના શાસનકાળ દરમ્યાન એક પણ સારા સમાચાર દિલ્હીથી આવતા નથી.
શ્રી મોદીએ કહ્યું કે કૉંગ્રેસની દિશ છે ભ્રષ્ટાચાર, વંશવાદની રાજનીતિ, સગાવાદ અને એક જ પરિવારની ભક્તિ. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે મતદારો કૉંગ્રેસને સ્વીકારશે નહીં, કે જે મતદારો સાથે છેતરપિંડી કરી રહેલ છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે છેલ્લા 11 વર્ષમાં તેમણે તો માત્ર અગાઉના કૉંગ્રેસ શાસનમાં પડેલા ખાડાઓ પૂરવાનું કામ જ કરેલ છે, ભવ્ય અને દિવ્ય ગુજરાતની યાત્રા તો આવતા ડિસેમ્બર પછી શરૂ થશે.