મહાત્મા મંદિર, ગાંધીનગર

ગુજરાત રાજ્ય પંચાયતી રાજ સ્વર્ણિમ જયંતી પ્રસંગે શાનદાર સરપંચ મહાસંમેલન યોજાયું

મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સુશાસનના ૪૦૦૦ દિવસની ઉજવણીનો સુયોગ થયો

દરેક ગ્રામ પંચાયતના સરપંચને વાર્ષિક રૂ. ૧૦,૦૦૦ કન્ટીજન્સી ખર્ચ તરીકે અપાશે

મિશન બલમ્ સુખમ્ કાર્યરત થયું

કુપોષણ-મુકત ગુજરાતનું સુવિચારિત અભિયાન

વર્ષે રૂ. બે લાખ દરેક ગામને પોષણ-વર્ધન કામગીરી માટે અનુદાનઃ સરપંચોને ગ્રાન્ટના ચેકો એનાયત

આવો, ઉત્તમ ગ્રામ વિકાસનું ભવ્ય સપનું પાર પાડીએઃ મુખ્ય મંત્રીશ્રી

ગુજરાતને વિકાસના સાતત્યપૂર્ણ મોડેલ રાજ્યનું ગૌરવ અપાવનારા મુખ્ય મંત્રીશ્રીનું સરપંચશ્રીઓ દ્વારા ઉષ્માભર્યું અભિવાદન

મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે મહાત્મા મંદિર ગાંધીનગરમાં સરપંચ મહાસંમેલનમાં સરપંચશ્રીઓને ગામના ઉત્તમ વિકાસ માટેનું નેતૃત્વ પુરું પાડવા કુપોષણમુકત ગુજરાત બનાવવા, એકએક ગામમાં કોઇ ગરીબ આવાસથી વંચિત ના રહે અને કોઇ ધર શૌચાલયથી વંચિત ના હોય તેવી સુખાકારીનું નેતૃત્વ પુરું પાડવા પ્રેરક આહ્વાનન આપ્યું હતું.

આજથી સમગ્ર ગુજરાતને કુપોષણમુક્ત બનાવવા મક્કમ નિર્ધાર સાથે મિશન બલમ્ સુખમ્ નો પ્રારંભ થયો હતો અને પ્રત્યેક ગામમાં માતા અને બાળકના પોષણ અને સ્વાસ્થ્ય માટેની પ્રવૃત્તિ સાતત્યપૂર્ણ હાથ ધરવા ગામદીઠ વાર્ષિક રૂ. બે લાખનું ખાસ અનુદાન આપવાની જાહેરાત સાથે પ્રતિકરૂપે દરેક જિલ્લાના એક સરપંચશ્રીને રૂ. બે લાખની રકમ એનાયત કરવામાં આવી હતી.

ગુજરાત રાજ્ય પંચાયતી રાજની સ્વર્ણિમ જયંતીના ઉપલક્ષ્યમાં રાજ્ય સરકારના ઉપક્રમે ગુજરાતના ૧૩,૬૯૬ ગ્રામ પંચાયતોના સરપંચોનું મહાસંમેલન આજે ગૌરવવંતા ગ્રામ વિકાસની ઐતિહાસિક સિદ્ધિ સ્વરૂપે સંપન્ન થયું હતું. યોગાનુયોગ, મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ૭મી ઓકટોબર, ર૦૦૧થી શરૂ થયેલા સુશાસનના ૪૦૦૦ દિવસ આજે પુરા થયા હોવાથી આ યશસ્વી રાજકીય સ્થિરતા સાથે વિકાસની સીમાચિન્હ સિદ્ધિઓને માટે શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સરપંચશ્રીઓ દ્વારા ઉષ્માભર્યું અભિવાદન પણ કરવામાં આવ્યું હતું.

ચાર ઝોનવાર પંચાયત અને ગ્રામવિકાસ સેમિનારો અને પ્રદર્શનીનું નિરીક્ષણ મુખ્ય મંત્રીશ્રીએ કર્યું હતું.

દેશના પ્રધાનમંત્રીશ્રીએ કુપોષણને દેશની શરમ ગણાવી તેના નિવારણ માટે ચિંતા વ્યકત કરી હતી અને ગુજરાતે આ દિશામાં પહેલ કરીને વૈજ્ઞાનિક અભિગમ અને લોકભાગીદારીને જોડીને નિયમિત પરીક્ષણની સુવિચારિત વ્યવસ્થા સાથે મિશન મોડ ઉપર કુપોષણ સામે જંગ આંદોલનરૂપે ઉપાડવા મુખ્ય મંત્રીશ્રીએ ગુજરાત સ્ટેટ ન્યુટ્રીશન મિશનનું મિશન બલમ્ સુખમ્ શરૂ કરવાની ધોષણા કરી હતી. આ મિશન બલમ્ સુખમ્ અન્વયે દરેક ગામમાં કુપોષિત બાળકોની સંખ્યાના સપ્રમાણરૂપ સરેરાશ રૂપિયા બે લાખની રકમ ૧૮,૦૦૦ ગામડાંને પ્રત્યેકને અપાશે એમ તેમણે જાહેર કર્યું હતું.

ગુજરાતના ગામેગામથી આવેલા ૧૪,૦૦૦ સરપંચોનું સ્વાગત કરતાં ગામના વિકાસમાં નેતૃત્વ લેવા માટે અભિનંદન આપતા મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, પ૦ વર્ષ પહેલાં સત્તાના વિકેન્દ્રીકરણ માટે આપણી ગ્રામરાજની કલ્પનાને સદીઓની પરંપરાગત પ્રકૃતિને અનુરૂપ લોકશાહીને મજબૂત બનાવવામાં, જનભાગીદારી ઉજાગર કરવામાં પંચાયતી રાજની મહત્વપૂર્ણ ભૂમિકા શરૂ થયેલી અને અનેક ચડાવ-ઉતાર પછી ગુજરાતના પંચાયતી રાજના મોડેલને દેશમાં સ્વીકૃતિ મળી છે.

મુખ્ય મંત્રીશ્રીએ પ્રત્યેક સરપંચના હસ્ત કન્ટીજન્સી ગ્રાન્ટરૂપે સ્વવિવેકથી ખર્ચ પેટે વાર્ષિક રૂ. ૧૦,૦૦૦ની રકમ મુકવાની જાહેરાત કરી હતી.

મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, ગયા પચાસ વર્ષમાં પંચાયતોમાં જેમણે કોઇને કોઇ જવાબદારી નિભાવેલી એવા પૂર્વ પંચાયત પ્રતિનિધિઓનું સન્માન કરવાનો આ સરકારે ઐતિહાસિક નિર્ણય કરેલો અને તેમાં મહદ અંશે એક જ રાજકીય પાર્ટીનું પ્રભુત્વ હતું અને વર્તમાન શાસક પક્ષ એટલો પ્રભાવી હતો જ નહીં છતાં પંચાયતી રાજના ૮૯,૦૦૦ પૂર્વ પ્રતિનિધિઓનું સન્માન ગૌરવ આ સરકારે કરીને પંચાયતી રાજનું પણ ગૌરવ આ સરકારે કર્યું છે. આ સરકારને મહાત્મા મંદિરના નિર્માણમાં ગામેગામનું યોગદાન સરપંચોના નેતૃત્વમાં મળેલું છે. આ રાજ્ય અને ગામની પંચાયત અન્યોન્ય ભક્તિભાવથી ગામની સુખાકારી માટે ચિંતન કરે તે ગુજરાતમાં શકય બન્યું છે.

મુખ્ય મંત્રીશ્રીએ જે ગામે ઉત્તમ કાર્ય કરેલા છે તેને પ્રેરણાદાયક ગણાવી સમરસ ગામ, તીર્થગામ, પાવન ગામને અનુસરવા અપીલ કરી હતી. તીર્થગામની કક્ષામાં પાંચ વર્ષ સુધી કોઇ ટંટાફીસાદ થાય નહીં, કોર્ટ-કચેરી ના થાય તે જ મોટી ધટના છે. તીર્થગામ પાસેથી રોડ એકસીડંટના કેસ નોંધાય તો પણ તેને તીર્થગામ કક્ષામાં ગણી પાશ્ચાત્ય અસરથી પુરષ્કાર અપાશે એવી સરપંચોની લાગણીનો સ્વીકાર તેમણે કર્યો હતો.

ગામડામાં ર૪ કલાક વીજળીની જયોતિગ્રામ યોજનાથી આર્થિક-સામાજિક જીવનમાં ગુણાત્મક પરિવર્તન આવ્યું છે તેના પ્રેરક દ્રષ્ટાંતો આપી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, અનેકવિધ આર્થિક ઔઘોગિક પ્રવૃત્તિ વિકસી છે. હમણાં દેશમાં અંધારપટ છવાઇ ગયો ત્યારે એકમાત્ર ગુજરાત જયોતિગ્રામથી ઝળહળતું હતું તેની વાહવાહી આખી દુનિયામાં થઇ એમ જણાવી મુખ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું કે, ગામડામાં ર૪ કલાક વીજળીની ઇન્ટરનેટ બ્રોડબેન્ડ કનેકટીવિટી અને લોંગ ડિસ્ટન્સ ઉત્તમ શિક્ષણની સુવિધા ગામેગામ મળતી થઇ છે.

મુખ્ય મંત્રીશ્રીએ સંકલ્પ સરપંચોને આપ્યો હતો કે એકેએક ગામમાં કોઇ ધર એવું ના હોય જયાં શૌચાલય ના હોય. આ સપનું પાર પાડવા ૧૪,૦૦૦ ગ્રામ પંચાયતોએ વચન લીધું છે. બીજા સંકલ્પરૂપે મુખ્ય મંત્રીશ્રીએ ગામેગામ ગરીબ લાભાર્થી કોઇ આવાસથી વંચિત ના રહે. છેલ્લા ૪૦ વર્ષમાં ૧૦ લાખ મકાનો બનેલા પણ ૧૦ વર્ષમાં ૧૬ લાખ મકાનો બન્યા છે અને આ એક જ મહિનામાં વધુ છ લાખ ગરીબોને આવાસના પ્લોટ અને બાંધકામ સહાયના પ્રથમ હપ્તાના ચેકો અપાઇ ગયા છે. હજુ પણ ગામેગામ સરપંચો પહેલ કરીને કાચા ધરમાં રહેનારાને પાકુ ધર મળે તે માટેની ઝૂંબેશ ઉપાડે. સરકાર આવા કાચા આવાસોની જગ્યાએ પાકા મકાન માટે ર૦૧૧નું છેલ્લું વસતિ ગણતરી પરિણામ અને ર૦૧રના સામાજિક-આર્થિક સેન્સસના આંકડાને પણ ધ્યાનમાં લેવા તૈયાર છે તથા કાચા મકાનમાં રહેનાર ગરીબી રેખાની નીચેના કે ગરીબી રેખાની ઉપર નિર્વાહ કરતા સૌને પાકા આવાસ મળી રહે તે માટે સરકારનું આ કાર્ય મિશન મોડ ઉપર સરપંચ ઉપાડે તેવી અપીલ કરી હતી.

ગ્રામ રાજનું સપનું પાર પાડવા સરપંચોને આહ્વાન કરતા મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, દરેક કામને ચૂંટણીના ત્રાજવે તોલવાની જરૂર નથી. પ્રજા હવે સારા કામને ઓળખે છે અને તેને જ સ્વીકારે છે. કોઇ ગામમાં તનાવનો ગરમાવો લાવ્યા વગર વિકાસના કામોમાં લાગી જઇએ. ચાર હજાર દિવસની રાજકીય સ્થિરતાને કારણે નીતિઓનું સાતત્ય થયું, વહીવટીતંત્ર પ્રજાભિમુખ બન્યું છે અને જેને જોવું તેને વિકાસ દેખાય છે. ગુજરાત એવો વિકાસ અને વિકાસ એટલે ગુજરાત પણ એ વાતાવરણનો યશ નરેન્દ્રભાઈ મોદીને નહીં, છ કરોડ ગુજરાતીઓ, ટીમ ગુજરાત વહીવટીતંત્ર, કુદરતની મહેર બધાને જ જાય છે એમ તેમણે સૌના સાથથી સૌના વિકાસનો મહિમા કરતા જણાવ્યું હતું.

દશ વર્ષમાં તો વિકાસના ખાડા પૂર્યા તેનો સંતોષ છે અને જાન્યુઆરી-ર૦૧૩થી ગુજરાતના ભવ્ય-દિવ્ય નિર્માણનો અધ્યાય શરૂ કરવાનું સપનું તેઓ પાર પાડવા કટીબદ્ધ બનશે એમ પણ તેમણે નિર્ધાર વ્યકત કર્યો હતો.

લોકસભામાં વિરોધપક્ષના નેતા સુશ્રી સુષ્મા સ્વરાજે શુભેચ્છા સંદેશમાં અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, રાજ્યના વિકાસમાં સરપંચોનું યોગદાન પ્રભાવી હોય છે. તેમણે ગુજરાતના સર્વાંગી વિકાસમાં પોતાનું યોગદાન આપવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.

રાજ્યના પંચાયત મંત્રી શ્રી નરોત્તમભાઈ પટેલે ઉપસ્થિત સૌ સરપંચો-મહાનુભાવોનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે સ્વરાજને સુરાજ્યમાં પરિવર્તિત કરવા ગ્રામ વિકાસને સૌથી પ્રથમ પ્રાધાન્ય આપ્યું છે. તેમણે જણાવ્યું હતુંકે, રાજ્ય સરકારે ગ્રામ વહીવટને ખરા અર્થમાં ગ્રામજનોના હાથમાં સોંપીને ગ્રામ સભાના માળખાને મજબુત કર્યું છે. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્યના ૧૮ હજાર ગામડાના સર્વાંગી વિકાસ માટે આ રાજ્ય સરકારે છેલ્લા ચાર વર્ષમાં રૂ. ૩૪ હજાર કરોડનો વિકાસ ખર્ચ કર્યો છે. જેના કારણે શહેરોની સમકક્ષ ગામડાંનો પણ શ્રેષ્ઠ વિકાસ થઇ શકયો છે. સમરસ ગામ, તીર્થગામ અને પાવનગામ જેવી યોજના દ્વારા ગામડાંના સામાજિક અને આર્થિક માળખાને સુદૃઢ બનાવ્યું છે એમ પણ મંત્રી શ્રી પટેલે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ગરીબી રેખા હેઠળ જીવતા તમામ ગરીબ પરિવારોને ધરનું ધર આપવાનો પુરૂષાર્થ ગુજરાતે કર્યો છે. સખીમંડળોની મહિલાઓના હાથમાં રૂ. ૧૬૦૦ કરોડનો કારોબાર સોંપીને મહિલાઓને સ્વાવલંબી બનાવી છે.

મહેસુલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે, મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વહીવટમાં ગતિશીલતા અને પારદર્શિતા લાવવા રાજ્યમાં જે પપ પ્રાન્ત હતા તે વધારીને ૧૧ર પ્રાંત કર્યા છે તેમજ તાલુકામાં પણ પાંચ-સાત ગામોના કલસ્ટર બનાવી અધિકારીઓને વિકાસ માટે ઇનચાર્જ બનાવવામાં આવ્યા છે. સરપંચો અને અધિકારીઓએ સર્વસંમતિથી ગામના વિકાસનો પ્લાન અમલી બનાવવો જોઇએ. આંગણવાડીના મકાન માટે વર્ષ ર૦૧ર-૧૩માં પ૧૧ કરોડની રકમ તેમજ ભુલકાંઓને પોષણમુક્ત આહાર માટે ૪૦૦ કરોડની રકમ ફાળવવામાં આવી છે. તેવો ઉલ્લેખ કરી તેમણે ગામના સરપંચને ગામની વિકાસ પ્રક્રિયામાં વડાની ભૂમિકા અદા કરવા અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમની શરૂઆતમાં શિક્ષણ મંત્રી શ્રી રમણભાઈ વોરાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે પ્રાથમિક શાળામાં ૧૦૦ ટકા નામાંકનના ધ્યેય સાથે અને કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા શરૂ કરેલા શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી યાત્રા અને ગુણોત્સવ જેવા કાર્યક્રમો દ્વારા શિક્ષણને સુદૃઢ બનાવ્યું છે એટલું જ નહીં ગુણવત્તાલક્ષી પણ બનાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, અગાઉ રાજ્યમાં ગણીગાંઠી યુનિવર્સિટીઓ હતી આજે રાજ્યમાં ૪ર જેટલી યુનિવર્સિટીઓ કાર્યરત છે જેનાથી યુવાનોને ઉચ્ચ શિક્ષણની શ્રેષ્ઠ તકો મળી છે.

આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી ગણપતભાઈ વસાવા, રાજસભાના સદસ્યો સર્વ શ્રી ઓમ. માથુર, પુરૂષોત્તમભાઈ રૂપાલા, શ્રી સ્મૃતિ ઇરાની, મનસુખભાઈ માંડવીયા, ભાજપના રાષ્ટ્રીય પ્રવકતા શ્રી બલવીર પુંજ, મંત્રીમંડળના સભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ, બોર્ડ-નિગમના ચેરમેનશ્રીઓ, ધારાસભ્યો, અગ્રણી શ્રી આર. સી. ફળદુ, રાજ્યના મુખ્ય સચિવ શ્રી એ. કે. જોતિ, વિકાસ કમિશનરશ્રી એ. કે. રાકેશ, અધિક મુખ્ય સચિવ (પંચાયત-ગ્રામ વિકાસ) શ્રી આર. એમ. પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.