સત્યને રૂંધવાના અનેક પ્રયાસો  થયા છે અમે વિકાસ છોડવાના નથી

વિરોધ અને અસહકારના વાતાવરણ વચ્ચે આ સરકારે વિકાસનો માર્ગ તજ્યો નથી

ગુજરાતમાં વિકાસની અનેક તકો પહેલા પણ હતી પરંતુ એમને દેખાતુ નહોતું - અમે બતાવ્યું

સંપન્ન સમાજ સંગઠનો આંગણવાડી દત્તક લઇને કુપોષણની લડાઇમાં યોગદાન આપે

શિક્ષણને સમાજની પ્રગતિનો આધાર બનાવીને કોઇપણ સમાજ વિકાસની હરણફાળ ભરે- મુખ્યમંત્રીશ્રી

અમદાવાદઃ બાજખેડાવાળ કેળવણી મંડળના ષષ્ઠીપૂર્તિ પર્વનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે સમાપાન

મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સંપન્ન સમાજ સંગઠનોને ગરીબ પરિવારોના બાળકોની આંગણવાડી દત્તક લઇને કુપોષણ સામેની લડાઇમાં યોગદાન આપવા પ્રેરક સૂચન કર્યું છે. ""રાજ્યના સત્યને રૂંધવા માટેના અને રાજ્યના સત્વને બદનામ કરવાના અનેક પ્રયાસો ચાલી રહ્યા છે પણ અમે વિકાસનો માર્ગ તજ્યો નથી'' તેમ પણ તેમણે જણાવ્યું હતું.

અમદાવાદમાં બાજખેડાવાળ અને સમાજ કેળવણી અને સંસ્કૃતિ મંડળના ષષ્ઠીપૂર્તિ પર્વનું સમાપન આજે મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં સંપન્ન થયું હતું.

મુખ્ય મંત્રીશ્રીએ ગુજરાતના વિકાસને દેશ અને દુનિયા અનુભૂતિ કરે છે ત્યારે કેટલાકને વિકાસ દેખાતો નથી, તેમના જૂઠાણાની દવા પણ જનતા જનાર્દન જ કરશે, તેમ જણાવ્યું હતું.

શિક્ષણને આધારરૂપ સમાજ જીવનનું અંગ બનાવીને સમાજ કઇ રીતે પ્રગતિ કરી શકે તેનું બાજ ખેડાવાળ સમાજે ઉમદા દ્રષ્ટાંત પૂરુ પાડયું છે, એમ મુખ્યમંત્રીશ્રી જણાવ્યું હતું.

આપણી સમાજ રચનામાં લોકશાહીનું તત્વ છે અને તેનાથી પૂરક અને પોષક પ્રગતિ થાય છે. આ સમાજશકિતની તાકાત છે અને વિકૃતિ આવે તો પણ તેમાંથી સુધારાત્મક માર્ગ નીકળે છે એમ તેમણે જણાવ્યું હતું.

મુખ્ય મંત્રીશ્રીએ સાધન સંપન્ન પરિવારોમાં હેલ્થ કોન્સીયસ અને બ્યુટી કોન્સીયસ નવી પેઢીમાં કુપોષણ જોવા મળે છે તેની સાથે સમાજ જાગૃતિ ઉભી કરવા અને સ્વસ્થ સમાજની દિશા આપવા અનુરોધ કર્યો હતો.

અનેક વિરોધો અને અસહકારના વાતાવરણ વચ્ચે પણ આ સરકારે ગુજરાતના વિકાસનો માર્ગ છોડયો નથી, એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

ગુજરાતમાં વિકાસની તકો અગાઉ પણ હતી પણ કોઇને સુઝયું નહોતું એનો ઉલ્લેખ કરી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, કચ્છનું રણ, માંડવીનો દરિયો, ગીરના સિંહ, સોમનાથ, દ્વારકા  બધુ જ પહેલાં હતું પરંતુ તેમને દેખાયુ નહતું, અમને દેખાયું અને આજે ગુજરાત પ્રવાસન ક્ષેત્રે અગ્રેસર બની રહ્યું છે. મોટી હરણફાળ ભરીને ગુજરાત પ્રગતિ કરશે.

ગુજરાતે કૃષિ ક્ષેત્રે ૧૧ ટકાનો વિકાસ કર્યા છતાં એ કોઇને દેખાતું નથી એમ પણ તેમણે જણાવ્યું હતું અને ઉમેર્યું કે ગુજરાતની ઉર્વરા ભૂમિમાં વિકાસની અખૂટ ઊર્જા છે.

સંસ્થાના પ્રમુખ શ્રી કમલેશભાઇ ભટ્ટે જણાવ્યું હતું કે, સંસ્થાને ૬૦ વર્ષની ઉજવણીના ઉપલક્ષ્યમાં મહિલાઓ-બાળકો અને સમાજ સેવાને કેન્દ્રમાં રાખી કાર્યક્રમો કર્યા છે. સાથોસાથ  જ્ઞાતિ ગૌરવનો કાર્યક્રમ પણ જ્ઞાતિના શ્રેષ્ઠીઓને જ્ઞાતિ માટે વધુ યોગદાન આપવા પ્રેરણા પુરી પાડશે.

આ સંસ્થા પ્રતિ વર્ષ કેળવણી, વિધવા-ત્યકતાં માટે નાણાંકીય બોજ ઉપાડે છે તેમણે રાજ્યની વિકાસધારાને બિરદાવી હતી.

સંસ્થા વતી મુખ્યમંત્રીશ્રી કન્યા કેળવણી નિધિમાં રૂા.૧.૬૦ લાખના ચેક અર્પણ કરાયા હતા. મુખ્યમંત્રીશ્રીએ સોવેનિયરનું વિમોચન કર્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય શ્રી ભૂષણભાઇ ભટ્ટ, શ્રી આનંદશંકર પંડયા તથા સંસ્થાના પદાધિકારીઓ અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં