ભારતની શૂરવીરતા-ત્યાગ-તપસ્યાની વિરાસતને દરાર પાડી શકાશે નહિં - મુખ્યમંત્રીશ્રી

કેન્દ્રના શાસકોને ચેતવણી

લાખ-લાખ કોશિષો કરશો તો પણ આઝાદી સંગ્રામના ક્રાંતિવીરોના શહીદી-શૌર્યના ઇતિહાસને ભૂંસી શકશો નહીં

મહારાણા પ્રતાપ જયંતિ ઉજવણી - સુરત

રાજસ્થાન અને હરિયાણાના પરિવારોનું વિરાટ મહાસંમેલન યોજાયું ૧૦૦ જેટલાં સંગઠનો દ્વારા ઉષ્માભર્યું અભિવાદન

વોટબેંકની રાજનીતિ ખેલનારાઓએ દેશની શૂરવીરતાના-આઝાદી સંગ્રામના શહીદી ઈતિહાસને ભૂલાવી દીધો

અભૂતપૂર્વ  ઉમંગ- ઉત્સાહ અને આનંદમાં મુખ્યમંત્રીશ્રી સહભાગી બન્યા 

મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે સુરતમાં રાજસ્થાન અને હરિયાણાના પરિવારોના વિરાટ મહાસંમેલનને સંબોધતાં જણાવ્યું કે, કેન્દ્રના શાસકો વોટબેંકની રાજનીતિ માટે દેશના આઝાદી સંગ્રામના ક્રાંતિકારી સપૂતોના ઈતિહાસને ભૂલી નાખવાની લાખ-લાખ કોશિષો કરશે તો પણ દેશની જનતાના マદયમાંથી આ વીર સપૂતોની યાદ ભૂલાવી નહીં શકે

 

અભૂતપૂર્વ ઉત્સાહ અને ઉમંગના માહોલમાં રાજસ્થાન અને હરિયાણાના ૧૦૦ જેટલા વિવિધ સમાજોએ મુખ્ય મંત્રીશ્રીનું ઉષ્માભર્યું અભિવાદન કર્યું હતું. મહારાણા પ્રતાપની જન્મજયંતિની ઉજવણી પ્રસંગે સમસ્ત રાજસ્થાન અને હરિયાણાના સમાજ તરફથી આ વિરાટ સંમેલન આજે સુરતમાં યોજાયું હતું.

શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જનતા જનાર્દનના આ ભાવભર્યા સ્વાગત માટે અંતઃકરણથી આભાર માનતા જણાવ્યું કે રાણાપ્રતાપનું નામ યાદ કરવાથી જ રૂવાડાં ખડા થઇ જાય છે તો એવું તો શું છે કે આ ભારત માતાના વીરસપૂતનું સ્મરણ થતાં જ આપણું મસ્તક વંદન માટે નમી જાય છે.

દિલ્હીની કેન્દ્ર સરકારને મહારાણા પ્રતાપની જન્મજયંતિએ શ્રધ્ધાંસુમન ચઢાવવાની ફૂરસદ નથી. મહારાણા પ્રતાપ કે છત્રપતિ શિવાજીના નામ હોઠ ઉપર આવી જાય તો પણ વોટબેંકની રાજનીતિ ખેલનારાઓ અચકાય છે. આ વોટબેંકની રાજનીતિએ દેશના મહાન સપૂતો અને ભારત માતાને ગુલામી માંથી મુકત કરનારા આઝાદી સંગ્રામના વીર સપૂતો તથા ઇતિહાસની શૌર્યગાથાને ભૂલાવી દીધા છે. ૧૨૦૦ વર્ષના દેશના ગુલામી કાળમાં એક એક વર્ષ આઝાદીની આહલેક લઇને નિકળેલા ભારત માતાના વીરલાઓએ બલી ચઢાવી દીધાનો ઇતિહાસ શૂરવીરતાનો ઇતિહાસ છે, દૂધમલ જવાનોની શહિદીનો ઈતિહાસ છે છતાં, દેશની પેઢીઓને ૬૦ વર્ષથી એક જ ઇતિહાસનો પાઠ ભણાવાઇ રહ્યો છે કે આ દેશ માટે એક જ પરિવારે બધા બલિદાન દીધાં છે. પરંતુ હકિકત તો એ છે કે આ પરિવારે જ દેશની બધી મલાઇ ખાધી છે એમ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું છે.

આટલી વિશાળ સમાજશકિતમાં મહારાણા પ્રતાપનો જય જયકાર જોતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કેન્દ્રના શાસકોને ચેતવણી આપી હતી કે દેશની આઝાદીના મહાન સપૂતોના નામો ઇતિહાસમાંથી મિટાવી દેવાની લાખ કોશિષ કરશો તો પણ નાકામિયાબ બનશે. દેશની જનતા આજે પણ રાષ્ટ્ર ભકતોની વીરતાના પાઠ ભણવા માટે સાચા ઇતિહાસના શિક્ષણની રાહ જોઇ રહી છે એમ તેમણે જણાવ્યું હતું.

રાજનૈતિક વિચારધારા ગમે તે હોય, દેશની વિરાસતમાં ત્યાગ બલિદાનની તપસ્યાને નકારી શકાય નહીં એવી ચેતવણી પણ મુખ્ય મંત્રીશ્રીએ આપી હતી.

આ ભારતીય વિરાસતમાં દરાર પાડનારા, દેશના બટવારા કરનારાને દેશની જનતા માફ નહીં કરે એમ જણાવતાં મુખ્ય મંત્રીશ્રીએ એ વાતની યાદ અપાવી કે રાજસ્થાનના મેવાડ ચિતોડના સ્થાપક બપ્પા રાવલની માતા ગુજરાતની હતી. રાણા પ્રતાપના પરાક્રમી અશ્વ ચેતકની ર્મા પણ ગુજરાતની હતી. મહારાણા પ્રતાપે વિજયનગર-પાલના ગુજરાતના જંગલોમાં ભીલ આદિવાસીઓ સાથે આઝાદીના જંગ માટે રજળપાટ કરેલી છે અને ધાસની પથારી ઉપર સૂઇને યાતના ભોગવી છે છતાં મોગલ સલ્તનતને સામે ઝૂકયા વગર હલ્દીધાટી યુધ્ધનો સંગ્રામ અને પરાક્રમ ગાથાની ભૂમિકાની તવારિખ મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.

આ દેશની જનતામાં એવી શકિત છે જેણે વીર સપૂતો માટે ખભેખભા મીલાવી ત્યાગ બલિદાન કર્યા હતા. જે સપનાની પૂર્તિ માટે રાણાપ્રતાપે જીવન ખપાવ્યું તેનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, રાણાપ્રતાપે મુગલ સલ્તનત સામે ગૌ-રક્ષા માટે લડાઇ કરેલી, આજે પણ કેન્દ્રના શાસકો સામે ગૌવંશ રક્ષાના કાનૂન માટે લડાઇ કરવી પડે છે? સમયની માંગ છે કે ભારતના સ્વાભિમાનના ઇતિહાસને ફરીથી ગૌરવ અપાવીએ.

ગુજરાતે ભારતની આઝાદીની લડતની બે વિચારધારા-સશસ્ત્ર ક્રાંતિ અને અહિંસક સત્યાગ્રહ બંનેનું નેતૃત્વ કરેલું તેની ભૂમિકા આપતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે સશસ્ત્રકાંત્રિનું નેતૃત્વ કચ્છના શ્યામજી કૃષ્ણ વર્માનું હતું જ્યારે સત્યાગ્રહની લડતનું નેતૃત્વ ગાંધીજી અને સરદારસાહેબે પુરુ પાડયું હતું. આ બધાજ ગુજરાતના વીર સપૂતો હતા. પરંતુ શ્યામજી કૃષ્ણ વર્મા આઝાદીનું રટણ કરતાં જીનીવામાં ચીર વિદાય લઇ ગયા તે પછી ૭૩ વર્ષ સુધી દેશના કોંગ્રેસી શાસકોએ સ્વ.શ્યામજી કૃષ્ણ વર્માના અસ્થી કળશ લાવવાની દરકાર નહોતી કરી પરંતુ, અમને સૌભાગ્ય મળ્યું કે ૨૦૦૩માં જીનીવા જઇએ એ અસ્થીકળશ ખભે ઉચકીને લઇ આવ્યા અને કચ્છના માંડવીમાં સ્મારક બનાવી ક્રાંતિતીર્થનું નિર્માણ કર્યું. હવે આપણે સંકલ્પ કરવાનો છે કે હિન્દુસ્તાનમાં માતાના દૂધમાં બટવારા ન થાય. વિરાસતમાં દરાર ન પડે એવો લલકાર મુખ્યમંત્રીશ્રીએ કર્યો હતો.

મહારાણા પ્રતાપ જન્મજયંતિની આ શૌર્યસભર ઉજવણી પ્રસંગે રાજ્ય મંત્રી મંડળના મંત્રીશ્રીએ સર્વશ્રી નરોત્તમભાઇ પટેલ, નીતિનભાઇ પટેલ, મંગુભાઇ પટેલ, રણજીતભાઇ ગિલીટવાલા, મેયર શ્રી રાજુભાઇ તથા પદાધિકારીઓ અને રાજસ્થાન-હરિયાણાના વિવિધ સમાજોના સદસ્યો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.