ડાંગ જિલ્લોઃ ૬૪મું પ્રજાસત્તાક પર્વઃ રાજ્ય મહોત્સવ

આપણું અનોખું ડાંગઃ ડાંગના વનવાસી જિલ્લામાં રંગારંગ સાંસ્કૃતિક ઉત્સવ

વિશાળ વનવાસી માનવ મહેરામણની ઉપસ્થિતિઃ

રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીના હસ્તે સમાજના વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ યોગદાન આપનારા અગ્રણીઓનું સન્માન

રાજ્યપાલશ્રીઃ ભારતીય ગણતંત્રનો મહિમા સંવર્ધિત કરીએ, આઝાદીની લડતના ત્યાગ, તપસ્યા, બલિદાનથી ભારત મહાન ગણતંત્ર બન્યું છે

મુખ્યમંત્રીશ્રીઃ ગુજરાતે છેલ્લા એક દશકાથી સુરાજ્યનો માર્ગ લીધો છે

ડાંગ જિલ્લાને પ્રવાસન ક્ષેત્રે વિકાસની નવી ઊંચાઇ આપીશું

રાજ્યપાલ શ્રીમતી ડૉ.કમલાજી અને મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યાએ ડાંગ જિલ્લાની વનવાસી વિરાસતની રંગારંગ પ્રસ્તુતિના સાંસ્કૃતિક સમારોહમાં વિકાસમાં જનશક્તિની ભાગીદારી અને પ્રજાસત્તાક ભારતમાં નાગરિક કર્તવ્યભાવનું પ્રેરણાત્મક આહ્વાન કર્યું હતું.

૬૪માં પ્રજાસત્તાક પર્વના રાજ્ય મહોત્સવની ડાંગ જિલ્લામાં થઇ રહેલી ઉજવણીમાં આજે વનવાસી ક્ષેત્ર આહવાની ડુંગરાળ ધરતી ઉપર આદિવાસી સંસ્કૃતિનો મહિમા આપણું અનોખુ ડાંગ ની સાંસ્કૃતિક પ્રસ્તુતિમાં સ્થાનિક કલાકાર, કસબીઓએ પ્રદર્શિત કર્યો હતો. ડાંગ જિલ્લાની વિવિધ સામાજિક, સાંસ્કૃતિક, કલાસાહિત્યની પ્રવૃત્તિઓને વિશેષ યોગદાન આપનારા ૧૧ વ્યક્તિઓનું ભાવભર્યું સન્માન રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીના હસ્તે થયું હતું.

શ્રીમતી ડૉ.કમલાજીએ પ્રજાસત્તાક પર્વની નાગરિકોને શુભેચ્છા પાઠવતાં જણાવ્યું કે, પ્રાકૃતિક સંપદાથી ભરપૂર ડાંગ જિલ્લાની આદિવાસી પ્રજાએ તેની ઐતિહાસિક સાંસ્કૃતિક પરંપરા જાળવી રાખી છે અને છેલ્લા ઘણા વર્ષોથી સ્વર્ણિમ અતિત સાથે ડાંગ જિલ્લો વિકાસની ગતિમાં પણ આગળ વધી રહ્યો છે.

અંગ્રેજો સંઘર્ષ કરીને પણ ડાંગની પ્રજાના સ્વાભિમાન અને ગૌરવને ખંડિત કરી શક્યા નહોતા તેવી પ્રજાકીય ખૂમારીને તેમણે બિરદાવી હતી. રાજનૈતિક, સામાજિક અને ભૌતિક ગૌરવ સાથે પ્રજાસત્તાક પર્વનો મહિમા આપણી દેશભક્તિના સંઘર્ષ અને હવે આઝાદીની લડતનો રૂંવાડા ખડા કરી દેતો ઇતિહાસ છે. આ ત્યાગ તપસ્યાથી આઝાદી મળી અને ગણતંત્ર રાષ્ટ્રનું ગૌરવ આપણે જાળવવાનું છે. રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, વર્તમાન ભારતમાં આજે પણ ઘણાં અશિક્ષિત છે, સમાજમાં આર્થિક અસંતુલન છે. કમજોર ગરીબ હોવા છતાં પણ ભારતવાસીઓ ગણતંત્રનું સંવર્ધન કરશે. તેમ તેમણે જણાવ્યું હતું. અત્યારે પણ ભારતમાં અનેક નબળાઇ છે પરંતુ તેમ છતાં આપણો દેશ મોટા વિકસીત રાષ્ટ્રોનો મુકાબલો કરવા સક્ષમ છે તે બહુ મોટી ઘટના છે.

આપણે આ દેશની એકતાને ખંડિત ના થાય અને દેશની સંરચના વિધિવત કાયમ રાખવા દેશની સમૃદ્ધિ વધારવા, જાતિપાતી ધર્મના ભેદભાવથી ભારતીય સમાજની એકતા તૂટે નહીં તે માટે આપણે સાવધ રહીએ. ભારતીય ગણતંત્ર મહાન રાષ્ટ્રના રૂપમાં ગૌરવવંત રહે તે માટે પ્રત્યેક નાગરિક યોગદાન આપશે એવો વિશ્વાસ રાજયપાલશ્રીએ વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ રાષ્ટ્રીય પર્વોને વિકાસ ઉત્સવ બનાવીને સમાજશક્તિને પ્રેરિત કરતા આજના અવસરે નાગરિકોને શુભકામના પાઠવી હતી. છેલ્લા સો વર્ષમાં ક્યારેય આહવાની ભૂમિ ઉપર આટલો માનવ સાગર ઉમટ્યો નથી ત્યારે ગાંધીજી અને સરદારના નેતૃત્વમાં લક્ષ્યાવધિ લોકોના જીવન ત્યાગ, તપસ્યાને પરિણામે ભારતમાતા ગુલામીની બેડીમાંથી મુક્ત થઇ અને સ્વરાજ્ય મળ્યું પરંતુ હજી સુરાજ્યની અનુભૂતિ બાકી છે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

ગુજરાતે છેલ્લા એક દશકામાં સુરાજ્યનો માર્ગ પકડ્યો છે, વિકાસનો માર્ગ લીધો છે. ગરીબ આદિવાસી કે સાગરકાંઠે વસતા સાગરખેડૂના સર્વાંગી વિકાસ માટે આ સરકારનો સંકલ્પ છે. સર્વજનસુખાય સર્વજનહિતાય એ રાજ્યની જવાબદારી છે અને નાગરિકોના અધિકારો સાથે કર્તવ્યનો સાથ હોય તો વિકાસ થતો હોય છે એમ તેમણે જણાવ્યું હતું. આ સરકાર ચોથીવાર જનતાના વિશ્વાસથી એક મહિના પહેલા કાર્યરત થઇ અને ઘડીનો વિરામ લીધા વગર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં દુનિયાના ૧૨૧ દેશોની ભાગીદારીનું કેન્દ્ર બની અને બીજા જ અઠવાડિયે આ સરકાર આદિવાસી સમાજના ચરણોમાં બેસી ગઇ છે. વાઇબ્રન્ટ ગુજરાતની ઐતિહાસિક સફળતા પછી પણ અમારૂ ધ્યેય ગરીબ અને છેવાડાના માનવીના ભલા માટે કાર્યરત છે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

મારી સરકારની આજ વિશેષતા છે. મેં તો સફાઇનું ઝાડુ લીધું છે. સાફસફાઇમાં જનતાનું કર્તવ્ય પણ જોડાય એવી માર્મિક ભાષામાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ડાંગને પ્રવાસન ક્ષેત્રે નવી ઊંચાઇ ઉપર લઇ જઇને સાપુતારાને ગુજરાત કી આંખકા તારા નું ગૌરવ અપાવવું છે. ડાંગમાં પ્રવાસન ક્ષેત્રે સામાન્ય માનવીના આર્થિક રોજગારીના ક્ષેત્રો વિકસાવવા છે એમ પણ તેમણે જણાવ્યું હતું. જ્યાં રામની પદ્‌યાત્રા થઇ છે એ દંડકારણ્ય ડાંગની ભૂમિનું શબરીધામ રામના અયોધ્યાની જેવી સાંસ્કૃતિક ઓળખ ઊભી કરે તેવી નેમ વ્યક્ત કરતાં મુખ્યમંત્રીશ્રીએ શબરીના વારસદાર ડાંગવાસીઓએ આ રાજ્ય મહોત્સવની યજમાનગીરી કરી છે તેની સ્મૃતિરૂપે બે કરોડ રૂપિયા વિશેષ વિકાસ પુરસ્કારરૂપે ડાંગ જિલ્લા માટે આપવાની જાહેરાત કરી હતી. તેમણે વિકાસની યાત્રામાં નાગરિક કર્તવ્યભાવ સાથે પૂરક અને પોષક બનવા અનુરોધ કર્યો હતો.

પ્રજાસત્તાક ઉજવણીની પૂર્વસંધ્યાએ યોજાયેલ વિશેષ રાત્રિ સમારોહમાં આપણું અનોખું ડાંગ ઐતિહાસિક સાંસ્કૃતિક અભિવ્યક્તિ પ્રસ્તુત થઇ હતી. આ પ્રસંગે મુખ્યસચિવ શ્રી એ.કે.જોતિ, પ્રભારી સચિવ શ્રી એસ.કે.નંદા, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના સચિવ શ્રી ભાગ્યેશ જ્હા, નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. વરેશ સિંહા, ધારાસભ્ય શ્રી મંગળભાઇ ગાવિત, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી બીબીબેન ચૌધરી, ધારાસભ્ય અને પૂર્વમંત્રી શ્રી મંગુભાઇ પટેલ, કલેકટર શ્રી પ્રવિણ સોલંકી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઠક્કર, ડાંગના રાજવીઓ સહિત અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ અને વિરાટ જનમેદની ઉપસ્થિત રહી હતી.