હવે ર૮ર૯૩૦ જુન દરમિયાન શહેરી વિસ્તારમાં યોજાશે આટ અને તવડી ગામોમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં અનોખો ઉત્સવ કુપોષણ અને નિરક્ષરતા સામે સરકારે જંગ છેડયો છે મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ત્રણ દિવસના વિરાટ કન્યા કેળવણી શાળાપ્રવેશ મહોત્સવનું સમાપન

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દશમા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના ત્રણ દિવસના વિરાટ જનઅભિયાનના સમાપન દિવસે એવી આહ્લેક જગાવી હતી કે ગુજરાતના બાળકના ભવિષ્ય માટે સમાજ જવાબદારી ઉપાડે. શિક્ષણ પ્રત્યે ઉદાસિનતા ગુજરાતને પાલવે તેમ નથી. ચૂંટણીના આ વર્ષમાં મત માટેની ચિંતા કરવાને બદલે ભુલકાંઓના જીવનનું ભાવિ ઘડવા આ સરકારે ભેખ લીધો છે એવી દેશમાં આ પહેલી સરકાર છે એમ પણ તેમણે જણાવ્યું હતું.

સમગ્ર ગુજરાતના ૧૮૦૦૦ ગામોની ૩૨૭૭૨ સરકારી પ્રાથમિક શાળાઓમાં સો ટકા નામાંકન સાથે શિક્ષણને ગુણવત્તાસભર બનાવવામાં સમાજની સંવેદના ઉજાગર કરવા સતત દશમાં વર્ષે શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં આ અભિયાન સંપન્ન થયું હતું. આજે દક્ષિણ ગુજરાતના સાગરકાંઠે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના આટ અને તવડી ગામોમાં શાળા પ્રવેશોત્સવના અભૂતપૂર્વ ઉત્સાહમાં શ્રી નરેન્દ્રભાઇ મોદી સહભાગી બન્યા હતા તેમણે પ્રાથમિક શાળા અને આંગણવાડીમાં ભૂલકાંઓનું નામાંકન કરાવ્યું હતું. ફળમીઠાઇ, શૈક્ષણિક સાધનો, સ્વચ્છતા સાધનો કિટ્સ, રમકડાનું બાળકોને વિતરણ કર્યુ હતું.

ગરીબ કન્યાઓને સરકાર તરફથી સાઇકલ ભેટ આપી હતી. ઘરનો ઉંબરો છોડી બાળક પ્રાથમિક શાળાનો ઉંબરો ચડે એ તેની જીંદગીનો પ્રથમ ટર્નંિગ પોઇન્ટ છે. એની ભાવનાત્મક ભુમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી. શિક્ષક પરિવારને પોતાનું વ્હાલસોયું સંતાન જીવન સંસ્કારના ઘડતર માટે સોંપતા હોય ત્યારે, શિક્ષક અને સમાજની જવાબદારી કેટલી મોટી છે. તેની અનુભુતિ તેમણે કરાવી હતી. પાયાના શિક્ષણની વર્ષો જૂની ચીલાચાલુ ઉપેક્ષિત સ્થિતિમાં આમૂલચૂલ પરિવર્તન લાવીને સરકારી પ્રાથમિક શાળાનું સુવિધા અને શિક્ષણનું સ્તર સુધારવા દશ વર્ષની જે તપસ્યા કરી તેનો ઉલ્લેખ કરી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, સમાજને પ્રાથમિક શિક્ષણનું મમત્વ જાગે એ માટેનું આ અભિયાન માત્ર ત્રણ દિવસમાં પુરૂં નથી થતું. આગામી આખો દશક, સમાજ પ્રાથમિક શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે એવો આ સાર્થક પ્રયાસ છે.

વાઇબ્રન્ટ ગુજરાતના દર બે વર્ષે બે દિવસ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટની સફળતા તો દેશ અને દુનિયાએ સમજી છે, પરંતુ દર વર્ષે સતત દશ વર્ષ સુધી ત્રણત્રણ દિવસના કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવના આ વિરાટ સેવાયજ્ઞ તરફ દુનિયાનુંં ધ્યાન નથી જતું. એક સંનિષ્ઠ અખંડ પ્રાથમિક શિક્ષણ સુધારણાનો આ પરિશ્રમ યજ્ઞ આ સરકારે ગુજરાતની આવતીકાલને સુશિક્ષિત અને તંદુરસ્ત બનાવવા આદર્યો છે એમ તેમણે નિર્ધારપૂર્વક જણાવ્યું હતું. આઝાદીના પ૦ વર્ષ સુધી પ્રાથમિક શિક્ષણની ઘોર ઉદાસિનતા ભૂતકાળના શાસકોએ સેવી, એના કારણે આ સરકારે આ દુર્દશા નિવારવા પોણા બે લાખ શિક્ષકો ભર્યા અને ૬૦,૦૦૦ શાળાના ઓરડા દશ વર્ષમાં બનાવ્યાહવે એના ઉપર ગુજરાતની ભવ્ય ઇમારતનું નિર્માણ કરવું છે.

આ વિકાસને વરેલી સરકાર છે અને ગુજરાતની ભાવિ પેઢીને શિક્ષિત બનાવવી છે એવો નિર્ધાર તેમણે વ્યકત કર્યો હતો. આંગણવાડી અને પ્રાથમિક શિક્ષણનું સ્તર ઊંચે લાવવાની સાથે કે.જી થી પી.જી સુધી બાળકના સંપૂર્ણ આરોગ્યની સંભાળ આ સરકારે લીધી છે. હજારો ગરીબ બાળકોને લાખો રૂપિયાના સરકારી ખર્ચે ઓપરેશન સારવારની કાળજી અમે લીધી છે અને નવજીવન આપ્યું છે. કુપોષણમાંથી મુકિત માટે ગામેગામ સમાજ ભાગીદારી માટેની ચેતના પ્રગટાવી છે. કુપોષણ સામે કેમ લડાઇ લડવી તે લોકભાગીદારીથી ગુજરાતે બતાવ્યું છે.

કન્યા કેળવણી માટે સમાજમાં આવેલી જાગૃતિને બિરદાવતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આ માટે માતૃશકિતને અભિનંદન આપ્યા હતાં. દીકરી શિક્ષિત હશે તો ગુજરાતની આવતી પેઢી સુશિક્ષિત બનશે જ એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો. સરકારી પ્રાથમિક શાળાને ઉત્તમ સુવિધા મળી છે ત્યારે શિક્ષણનું સ્તર ઉત્તમ બની રહે એવો સંકલ્પ કરવા તેમણે અપીલ કરી હતી. શિક્ષણ પ્રત્યે સરકાર અને સમાજની ઉદાસિનતા દુર કરવામાં આ સરકારે પહેલ કરી છે એમ પણ તેમણે જણાવ્યું હતું.

રાજયમાં ૫૦ ટકા નારીશકિત છે અને તેને વિકાસમાં ભાગીદાર બનાવવા માટે શિક્ષણનું માધ્યમ જ મહત્વનું છે એટલે જ કન્યા કેળવણીનું અભિયાન ઉપાડયું છે એમ તેમણે જણાવ્યું હતું. ગુજરાતનું બાળક મુરઝાયેલું કે માયકાંગલુ રહે તે મંજૂર નથી એમ પણ તેમણે ઉમેર્યું હતું. સરકારી શાળામાં ગુણાત્મક પરિવર્તન લાવવા હવે ગુણોત્સવ પણ દર વર્ષે યોજાશે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું. ધારાસભ્ય શ્રી આર.સી.પટેલે ગુજરાતમાં દશકો આખો,

મુખ્યમંત્રીશ્રીએ અથાક પરિશ્રમ કરીને દુનિયામાં ગૌરવરૂપ વિકાસ કરી બતાવ્યો છે એમ તેમના સંબોધનમાં જણાવ્યું હતું. આ પ્રસંગે પ્રવેશોત્સુક બાળકોના પરિવારજનો, પદાધિકારીઓ અને વરિષ્ઠ અગ્રણીઓ તથા સાગરકાંઠાના આ ગામોના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.