પ્રિય મિત્રો,
નેશનલ સ્પોર્ટ્સ ડે નાં અવસર પર મારા દેશબંધુઓને શુભેચ્છાઓ પાઠવુ છું. આજનાં દિવસે આપણે દંતકથારૂપ રમતવીર મેજર ધ્યાનચંદને યાદ કરીએ છીએ, જેમણે પોતાની જાદુઈ હોકી સ્ટીકથી દુનિયાને મંત્રમુગ્ધ કરી દીધી અને હોકી ક્ષેત્રે દુનિયાભરમાં ભારતની નામના ઉભી કરી. આ વર્ષે વિવિધ રમતોમાં એવોર્ડ મેળવનારા આપણાં રમતવીરોને પણ હું આ અવસર પર શુભેચ્છાઓ પાઠવુ છું.
મને ખાત્રી છે કે આપણામાંથી દરેકનાં મનમાં રમતગમત સાથે સંકળાયેલી ઘણી યાદો પડી હશે. યાદ હશે જ્યારે આપણે પહેલી વાર ક્રિકેટ બેટ હાથમાં પકડ્યુ હતુ. નાના હતા ત્યારે વ્યાકરણ, બીજગણિત કે ઈતિહાસનાં લાંબાલચક વર્ગોને બદલે એટલો સમય રમતગમત માટે આપવામાં આવે તો કેવી મજા આવે એવું આપણને થતું. ભારતે વર્લ્ડકપ જીત્યો કે બીજા મેડલ જીત્યા ત્યારે તમને કેવો આનંદ થયો હતો? ચેમ્પીયન્સ લીગ કે ઈપીએલ ફુટબોલની મેચ ચાલતી હોય તે દિવસે ટ્વીટર કે ફેસબુક ઉપર જરા લોગઈન કરી જુઓ, તો ખ્યાલ આવશે કે જોશ અને જુસ્સો કોને કહેવાય!હું માનું છું કે ઈંગ્લીશ ભાષાનાં ત્રણ ‘સી’ – કેરેક્ટર, કોમ્યુનીટી અને કન્ટ્રી (ચારિત્ર્ય, સમાજ અને દેશ) - ખેલકુદ સાથે બહુ સારી રીતે જોડાયેલા છે.
જો ખેલકુદ તમારા જીવનનો હિસ્સો ન બન્યો હોય તો તમારું વ્યક્તિત્વ સર્વાંગી ન ગણાય. હું ચોક્કસ માનુ છું કે “जो खेले वो खिले!”. ખેલકુદ વિના ખેલદિલીની ભાવના પણ ન હોઈ શકે. દરેક રમત આપણને કંઈ ને કંઈ આપે છે. રમતનાં બેવડા લાભ છે, એક તો તે આપણા કૌશલ્યને વિકસાવે છે અને બીજુ તે આપણનાં વ્યક્તિત્વનો વિકાસ પણ કરે છે. અને એટલે જ સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે, “ગીતાનાં અભ્યાસ કરતા ફુટબોલ રમવા દ્વારા તમે સ્વર્ગની વધુ નજીક જઈ શકશો.”
આપણે સૌ સમાજમાં રહીએ છીએ અને સમાજમાં પરસ્પર ભાઈચારો બનાવવા માટે ખેલકુદથી વધારે સારુ માધ્યમ ભાગ્યે જ મળી શકે. રમત આપણને પરસ્પર એકતા શીખવે છે, પરસ્પર સોહાર્દ રાખતા શીખવે છે, કારણકે જ્યારે આપણે એક ટીમ તરીકે રમીએ છીએ ત્યારે ભુલી જઈએ છીએ કે આપણો સાથી રમતવીર કઈ નાત, જાત કે સંપ્રદાયનો છે. તેનાં આર્થિક મોભા અને દરજ્જા સામે પણ આપણે જોતા નથી. બસ આપણી ટીમ જીતે એ જ આપણા માટે મહત્વનું બની જાય છે. મેં એવા ઘણા આજીવન મિત્રો જોયા છે જેમની મૈત્રીની શરૂઆત રમતનાં મેદાન પર થઈ હતી.
આપણે ગુજરાતનાં ખેલમહાકુંભ દરમ્યાન આવી એકતા અને સામાજિક સોહાર્દનું વાતાવરણ ખીલેલું જોયું. ગુજરાતનાં દરેક પ્રદેશમાંથી દરેક વયજુથનાં લોકોએ વિવિધ રમતોમાં ભાગ લીધો. વર્ષ ૨૦૧૨-૧૩ નાં ખેલમહાકુંભમાં લાખો રમતવીરોએ ભાગ લઈને વિક્રમ સર્જ્યો. આ વર્ષનાં ખેલમહાકુંભમાં આપણે અંડર-૧૨ ની શ્રેણી પણ શરૂ કરવાના છીએ, જેનાથી યુવા પ્રતિભાઓને બહાર આવવાનો અવસર મળશે. પ્રતિભાસંપન્ન યુવા રમતવીરો ખેલકુદની દુનિયામાં પોતાનું સ્વપ્ન સાકાર કરી શકે તે માટે સરકાર તેમનાં વિવિધ ખર્ચા પણ ઉઠાવશે.
થોડા વર્ષો પહેલા આપણે વિકલાંગ રમતવીરોને પણ ખેલમહાકુંભમાં આવરી લીધા. બન્યુ એવું કે વિકલાંગ યુવા રમતવીરોનું એક જૂથ જે ચીનમાં એક ટુર્નામેન્ટ જીતીને આવ્યું હતુ તે મને મળવા આવ્યું. મેં તેમની સાથે બે કલાક વીતાવ્યા, તેમની સાથે વાતચીત કરી... આ પ્રસંગ મારા દિલને સ્પર્શી ગયો.
અમે નક્કી કર્યું કે વિકલાંગ રમતવીરોને પણ મહત્તમ તકો આપવી કે જેથી તેઓ રમતનાં મેદાન પર ખીલી ઉઠે. પછી ખેલમહાકુંભમાં તેમનો સમાવેશ કરવાનું અમે નક્કી કર્યું. ખેલમહાકુંભ ૨૦૧૨-૧૩માં હજ્જારો વિકલાંગ રમતવીરોએ તેમની જબરદસ્ત રમતથી લોકોને ચકિત કરી દીધા.
એક ચંદ્રક અથવા એક કપ આપણા દેશને આપવા માટેની એક મહાન ભેટ છે. નિશ્વિતપણે, રમતક્ષેત્રમા સફળતા પ્રાપ્ત કરવી એ રાષ્ટ્રિય ગર્વ સમાન છે. છે જ્યારે કોઇ રાષ્ટ્ર ઓલિમ્પિક્સ કે વિશ્વકપ જેવી ટુર્નામેન્ટોનુ આયોજન કરે ત્યારે ખેલકુદ સંસ્કૃતિની સાથે પણ વણાઈ જાય છે. દેશ પોતાની સંસ્કૃતિ અને ઈતિહાસને સમગ્ર વિશ્વની સામે રજુ કરી શકે છે. આવા આયોજનોને કારણે અર્થતંત્રને બળ મળે છે અને પ્રવાસીઓની સંખ્યામાં વધારો થાય છે.
આમ, તે ખાસ કરીને આપણા યુવા ખેલાડીઓના મનમા ખેલદીલીની ભાવના વિકસાવવી ખૂબજ મહત્વપૂર્ણ છે. ખેલમહાકુંભ ઉપરાંત ગુજરાતે એક સ્પોર્ટસ યુનિવર્સિટિની સ્થાપના કરી છે જે સમગ્ર દેશની ખેલક્ષેત્રની પ્રતિભાઓને વિકસાવવા માટેની એક અનન્ય પહેલ છે. આ ઉપરાંત રમતોને પ્રોત્સાહન આપવા માટે દરેક જિલ્લાઓમા સ્પોર્ટસ સ્કૂલ સ્થાપવામાં આવશે. શિક્ષણ સાથે રમતોને સંકલિત કરીને ઘણુ બધુ પ્રાપ્ત કરી શકાય છે. સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે, રમતોને પ્રોત્સાહન આપવાના હેતુથી ગુજરાતના દરેક ખુણે વિવેકનંદ યુવા કેન્દ્રોની સ્થાપના કરવામા આવી છે. યુવાનોમાં સ્પોર્ટસ કીટની વહેંચણી પણ કરવામા આવી છે.
આ બધા પ્રયત્નો છતા પણ આપણે હજુ ઘણુ બધુ કરવાનુ છે. મારા ધ્યાનમા આવ્યુ છે કે શૈક્ષણિક દબાણના લીધે, ખેલકુદ પ્રત્યે લોકોનુ ધ્યાન ઘટ્યુ છે. અને જો બાળકો અભ્યાસ ન કરતા હોય તો તે સમયે તેમના કોમ્પ્યુટર પર ગેમ્સ રમતા હોય છે. આ આપણી મોટી નિષ્ફળતા છે. ચાલો એક એવુ વાતાવરણ ઉભુ કરીએ અને એવી તકો ઉભી કરીએ કે જેથી કરીને દરેક બાળક અમુક સમય માટે ઘરની બહાર નીકળીને રમવા જાય. કોમ્પ્યુટર ટેબલ પર બેસીને સ્કોર બનાવવા કરતા ક્રિકેટના મેદાનમા છક્કો ફટકારવો કે પછી ફૂટબોલના મેદાનમા ગોલ મારવો એ વધારે સારુ નથી? બીજો સારો આઇડીયા એ છે કે એક આખો પરિવાર થોડો સમય કાઢીને સાથે મળીને રમતો રમે.
મને ખ્યાલ છે કે એવા ઘણા ખેલાડીઓ છે કે જેઓ ખુબ જ પ્રતિભાશાળી છે પરંતુ નાણાકીય અને પૂરતા સાધનોના અભાવના કારણે તેમને તક ગુમાવવી પડી. સરકાર તરીકે અમે પ્રયાસ કરી રહ્યા છીએ પરંતુ આ માટે મને આ કાર્યમાં તમારા સહકારની પણ જરૂર છે. વર્ષ ૨૦૨૦ના ઓલમ્પિકમા ભારત સંખ્યાબંધ મેડલ જીતે તેવા ઉદ્દેશથી રમતવીરોને નાણાકિય સહાય આપવા અને તેમને તૈયાર કરવા માટે ઔદ્યોગિક ગૃહો એક ભંડોળ ઉભુ કરે તો કેવું? આને તેઓ પોતાની સામાજિક જવાબદારીનાં ભાગરૂપ ગણી શકે. આ જ રીતે આપણા એનાઆરઆઇ મિત્રો કે જેઓ તેમની માતૃભુમિને મદદ કરવા માટે ક્યારેય પીછેહઠ નથી કરતા તેઓ પણ આ જ રીતે પોતાનુ યોગદાન આપી શકે છે અથવા ટુર્નામેન્ટને સ્પોન્સર કરીને અને તેમના ગામમા રમતગમત માટે જરૂરી માળખુ ઉભુ કરવામા પણ મદદરૂપ બની શકે છે.
ચાલો, આપણે સૌ પ્રતિજ્ઞા કરીએ કે બાળકોને એક આનંદપૂર્ણ અને રમતીલું બાળપણ અને યુવાની આપીએ કે જેથી રાષ્ટ્રની સેવા માટે સમર્પિત હોય તેવા ભવ્ય ભવિષ્યનો પાયો નાંખી શકાય.
નરેન્દ્ર મોદી
Watch : Shri Narendra Modi speaks during the opening ceremony of Khel Mahakumbh 2011 in Vadodara