મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વડાપ્રધાનશ્રી ડો. મનમોહનસિંહને પત્ર પાઠવીને કલાયમેટ ચેન્જ અંગેની કોપન હેગન સમિટમાં ભારતે અપનાવેલા વલણ પ્રત્યે પોતાની ઊંડી ચિંતા વ્યકત કરી છે. આ સંદર્ભમાં કેન્દ્રીય વન-પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી જયરામ રમેશે ભારતના આયોજન પંચના પૃથકરણનો જે ઉલ્લેખ કર્યો છે તે પ્રત્યે પ્રધાનમંત્રીશ્રીનું ધ્યાન દોર્યું છે અને જણાવ્યું છે કે આ પૃથ્થકરણમાં ર૦ર૦ સુધીમાં ભારત સરકારની દેશમાં કાર્બન ઇન્ટેનસિટીમાં રપ ટકા સુધીના ધટાડા માટેની પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી છે.

વડાપ્રધાનશ્રીને પાઠવેલા આ પત્રમાં મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, કાર્બન ઇમિશન્સમાં ધટાડાના વિષયની મોટાભાગની કાર્યપ્રવૃત્તિઓમાં રાજ્ય સરકારો સીધી રીતે સંકળાયેલ છે અને આ બાબતની બહુધા અસરો ઊર્જાક્ષેત્ર, ઔઘોગિક તેમજ કૃષિ ક્ષેત્ર અને શહેરી ક્ષેત્ર પર પડે છે. આથી કલાયમેટ ચેન્જની નીતિ સંબંધિત કોઇપણ ધોષણા-જાહેરાત રાજ્ય સરકારો દ્વારા હાથ ધરાતી વિવિધલક્ષી વિકાસ પ્રવૃત્તિઓ ઉપર લાંબાગાળાની અસરો સર્જે છે.

મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં વડાપ્રધાનશ્રીને એવી વિનંતી કરી છે કે કાર્બન ઇમિશિન્સના નીતિ નિર્ધારણ અને ધોરણો નક્કી કરવાના કોઇપણ નિર્ણયમાં રાજ્ય સરકારોને સક્રિય ભાગીદાર બનાવવી જોઇએ. કારણ કે, તેની માત્ર વિકાસલક્ષી પ્રવૃત્તિઓ ઉપર જ નહીં પરંતુ સરવાળે દેશના પંચવર્ષીય આયોજનના ભવિષ્ય ઉપર પણ પ્રભાવક અસરો પડવાની છે.

આપણા દેશ માટે કલાયમેટ ચેન્જ વિષયક સર્વગ્રાહી-સંકલિત વ્યૂહ રચનાની આવશ્યકતા જોતાં તે અંગે રાજ્ય સરકારો સાથે કેન્દ્રએ ખૂલ્લા મને પણ ચર્ચા કરવી જોઇએ તેવી વિનંતી પણ મુખ્યમંત્રીશ્રીએ કરી છે.

શ્રી નરેન્દ્રભાઇ મોદી પ્રધાનમંત્રીશ્રીને એવો અનુરોધ કર્યો છે કે કેન્દ્રીય આયોજન પંચે જે પૃથ્થકરણ અહેવાલ તૈયાર કર્યો છે અને જેના આધારે ભારત સરકાર કોપન હેગનમાં કલાયમેટ ચેન્જની જાહેરાત કરવા તત્પર છે તે અહેવાલ રાજ્યોને ઉપલબધ થવો જોઇએ.

સાથોસાથ મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીને ખાતરી આપી છે કે ગુજરાત સરકાર કલાયમેટ ચેન્જના પડકારોને પહોંચી વળવાની બાબતને ટોચપ્રાધાન્ય આપી રહી છે અને પોતાની સીધી વ્યકિતગત દેખરેખ હેઠળ ગુજરાત સરકારે કલાયમેટ ચેન્જનો અલગ વિભાગ કાર્યરત કર્યો છે. આમછતાં, રાજ્ય સરકારની ચિંતા એ છે કે, જો રાજ્ય સરકારોને દેશની કલાયમેટ ચેન્જ નીતિ ધડવા માટેના પરામર્શથી બાકાત રાખવામાં આવશે તો રાજ્યોના વિકાસ એજન્ડાને વિપરીત અસર પહોચશે અને તેના કારણે નાગરિકો ઉપર સંખ્યાબંધ ક્ષેત્રોમાં સીધો બોજ વહન કરવાનો વારો આવશે.