સમરસ ગ્રામ પંચાયતોને પ્રેરક આહ્‍વાન

પાંચ વર્ષમાં એવો ઉત્તમ વહીવટ કરીએ કે પેઢી દર પેઢી સુધી ગામ યાદ રાખે

ગુજરાતમાં

મહિલા સમરસ ગ્રામ પંચાયતો માટે પુરૂષોએ સ્‍વેચ્‍છાએ પોતાના પદ પ્રતિષ્‍ઠાના અધિકારો જતા કર્યા એ તેજોમય લોકશાહી છે

ગામમાં વિકાસના નાના કામો માટે નાણાં નહીં નેતૃત્‍વની જરૂર વધારે છે.

દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાઓનું સૂરતમાં સમરસ સરપંચ સંમેલન યોજાયું

મુખ્‍યમંત્રીશ્રીના હસ્‍તે સમરસ સરપંચ અને ગ્રામ પંચાયતોનું અભિવાદન

રર૧ સમરસ ગ્રામ પંચાયતોને રૂા.પ.પ૬ કરોડના પ્રોત્‍સાહક અનુદાનનું વિતરણ

મુખ્‍યમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાઓના સમરસ સરપંચો અને રર૧ સમરસ ગ્રામ પંચાયતોનું અભિવાદન અને રૂા.પ.પ૬ કરોડના પ્રોત્‍સાહક પુરસ્‍કારોનું વિતરણ કરતા જણાવ્‍યું કે, હિન્‍દુસ્‍તાનની લોકશાહી અને પંચાયતી રાજમાં કાયદાના બંધન વિના સ્‍વેચ્‍છાએ સર્વસંમતિથી સમરસ ગ્રામ પંચાયતો માટે જે વાતાવરણ ગુજરાતે ઊભું કર્યું છે તે તેજોમય લોકશાહીની ઘટના છે.

ગામમાં એવા અનેક નાનાં કામો છે જે ગામની રોનક બદલી નાંખે, એના માટે નાણાંની નહીં, નેતૃત્‍વની જરૂર છે, એમ તેમણે પ્રેરણા આપતા જણાવ્‍યું હતું.

સમરસ ગ્રામ પંચાયતોની સર્વસંમતિ માટેના ગ્રામજનોના ભરોસાને અંતઃકરણથી આવકારતા મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું કે, સમરસ ગામના તમામ નાગરિકો અને જેમણે ચૂંટણીમાં પદપ્રતિષ્‍ઠા જતી કરીને એકમતિમાં સૂર પૂરાવ્‍યો તે સૌ અભિનંદનના અધિકારી છે. દેશમાં ચૂંટણીઓની ગળાકાપ હરિફાઇ વચ્‍ચે ગુજરાતે લોકશાહીની સર્વસંમતિથી ચૂંટણી પ્રક્રિયાનું વ્‍યાપક સમર્થન મેળવીને એક તેજોમય ઘટના પ્રસ્‍થાપિત કરી છે.

હિન્‍દુસ્‍તાનની લોકશાહીની વિશેષતામાં મહિલાઓ માટે માત્ર મતાધિકાર જ નહીં પરંતુ ૩૩ ટકા મહિલા પ્રતિનિધિત્‍વ કાયદાથી પંચાયતી રાજ અને સ્‍થાનિક સ્‍વરાજની સંસ્‍થામાં મળેલું છે જે દુનિયાને તાજજુબ કરે છે, એનો ઉલ્લેખ કરી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ ગૌરવસહ જણાવ્‍યું કે ગુજરાતે તો સંપૂર્ણ મહિલા સરપંચ અને મહિલા સમરસ ગ્રામ પંચાયતો કરીને પાંચ વર્ષ સુધી સમગ્ર ગ્રામ પંચાયતનો વહીવટ, સ્‍વૈચ્‍છાથી, સર્વસંમતિથી પુરૂષોએ પોતાનો હક્ક જતો કરીને ગામની નારીશક્‍તિને સોંપી દીધો છે. આમા કાયદાનું કોઇ બંધન નથી અને આવી તો ર૯૦ જેટલી મહિલા સમરસ ગ્રામ પંચાયતોની મહિલાશક્‍તિ સન્‍માનજનક વહીવટ કરતી થઇ છે એનો જોટો ક્‍યાંય જડે એમ નથી.

જ્‍યારે સમસ્‍ત ગ્રામજનોએ સર્વસંમતિથી સમરસ ગ્રામ પંચાયતની ચૂંટણી કરી ત્‍યારે ગામના લોકોના બધા સપના પૂરા કરવા, ગામના ભરોસાને સાર્થક બનાવવાનો સંકલ્‍પ કરવાની વિશેષ જવાબદારી ઉપાડવાનું પ્રેરક આહ્‍વાન મુખ્‍યમંત્રીશ્રીએ કર્યું હતું.

ગામડામાં વિકાસ માટેના વાતાવરણની આવી ઉત્તમ સ્‍થિતિ જોતા સમરસ ગ્રામ પંચાયતનો કારોબાર ગ્રામ સ્‍વચ્‍છ બને, હરિયાળુ રહે, શિક્ષિત રહે, કૃષિ-પશુપાલનથી આર્થિક પ્રવૃત્તિથી ધમધમતું રહે એ માટેનો અવસર મળ્‍યો છે. આજે સરકાર તરફથી એક એક ગામને વિકાસ માટે લાખો રૂપિયાના સાધનો મળે છે ત્‍યારે પાંચ વર્ષના ગ્રામ પંચાયતનો કારોબાર એવો કરીએ કે પેઢીઓ સુધી આ ઉત્તમ વહીવટને સૌ યાદ કરે, સન્‍માનપૂર્વક યાદ કરે. પ્રજા માટે જાત ઘસવી છે એવો સંકલ્‍પ કરવા તેમણે અનુરોધ કર્યો હતો.

ગામમાં ઘરેઘર શૌચાલયનું એક કામ પણ કરીએ તો પણ પ્રત્‍યેક પરિવારની માતા-દીકરીના આશીર્વાદ મળશે. ગામના આગેવાનો સર્વસંમતિથી આ અભિયાન ઉપાડવાનો સંકલ્‍પ કરે તો તે સફળ બને જ. એ જ પ્રમાણે ગામનુ એક પણ સંતાન ભણ્‍યા વગર નહી રહે એવો સંકલ્‍પ કેમ ના થાય ? ગામના સો ટકા સંતાનો ભણતા હોય તો ગામનું ગૌરવ વધશે, એનું શ્રેય સમરસ સરપંચને જ મળશે એમ મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું હતું.

ગામની સ્‍વચ્‍છતા માટે ઉકરડાની ગંદકી ઉલેચવાનું અભિયાન ઉપાડવાની અપીલ કરતા શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ સજીવ ખેતીની દિશા અપનાવી ગામની આવક વધે અને ખાતર મળી રહે તે માટે નાણાંની નહીં, નેતૃત્‍વની જરૂર છે, એવું માર્ગદર્શન પણ આપ્‍યું હતું.

ગામની સુખાકારીની પ્રાથમિકતા નક્કી કરી ગ્રામશક્‍તિનો વિશ્વાસ મેળવશો તો એક પછી એક કામ ઉકલતા રહેશે. ગામમાં ઘટાટોપ વૃક્ષરાજીનું પ્રવેશદ્વાર કેમ ના હોય ? એમ તેમણે જણાવ્‍યું હતું.

મુખ્‍યમંત્રીશ્રીએ ગામમાં ગરીબ પરિવારોની સગર્ભા માતા અને કિશોરીઓ તથા નવજાત બાળકને કુપોષણની પીડામાંથી મૂક્‍તિ અપાવવા પોષણની સામૂહિક ચિન્‍તા ગામ આખું ઉપાડી લે તેવું નેતૃત્‍વ સરપંચ આપે તેવી અપીલ પણ કરી હતી.

પ્રત્‍યેક ગામમાં મહિલા શક્‍તિ સખીમંડળોની આર્થિક પ્રવૃત્તિમાં જોડાય તો આખા ગામની અર્થતંત્રની તાસીર બદલાઇ જશે. ગુજરાતમાં અઢી લાખ સખીમંડળોની રપ લાખ બહેનો રૂા.૧૬૦૦ કરોડની આર્થિક પ્રવૃત્તિ સંભાળે છે. ગામે ગામ સખીમંડળો પ્રવૃત્ત થાય તો ગામ આખું વ્‍યાજખાઉ દેવામાંથી મુક્‍ત બનશે.

સમરસ સરપંચો ગ્રામ પંચાયતમાં બ્રોડબેન્‍ડ કનેક્‍ટીવિટીથી પ્રશ્નો ઉકેલે, કૃષિ મહોત્‍સવોમાં સૌને જોડવાનું નેતૃત્‍વ લે, ગ્રામસભામાં પ્રશ્નોની ચર્ચા કરે તેવું વાતાવરણ સર્જવા તેમણે અનુરોધ કર્યો હતો.

દિલ્‍હીની સલ્‍તનનેકપાસની નિકાસ ઉપર પ્રતિબંધ મૂકીને ગુજરાતના ખેડૂતોના સુખને ગળે ટૂંપો દઇ દીધો એના કારણે એક એવી વિપરીત અસર થઇ કે કપાસીયાના ખાદ્યતેલનું વાપરવાનું ચલણ વધ્‍યું છે અને ગુજરાતમાં હવે આજના યુગમાં સીંગતેલનો વપરાશ માત્ર ચાર ટકા જ રહ્યો છે, ત્‍યારે કપાસની નિકાસ બંધ થતા કપાસીયાનું પીલાણ નથી થતું. ભારત સરકારના ખોટા નિર્ણયને કારણે કપાસીયા અને સીંગતેલ મોંઘા થઇ ગયા છે. આ સાચી વાત આ સરકાર કરે છે તો કેન્‍દ્રની સરકાર લાલપીળી થઇ જાય છે એવો આક્રોશ મુખ્‍યમંત્રીશ્રીએ વ્‍યક્‍ત કર્યો હતો અને જણાવ્‍યું કે ગરીબના ઘરનુ઼ જીવન કેન્‍દ્રની મોંઘવારીની નીતિએ ઝૂંટવી લીધું છે.

આ પ્રસંગે સહુને આવકારતા કુિટર ઉદ્યોગ રાજ્‍યમંત્રી શ્રી રણજીતભાઇ ગિલિટવાળાએ જણાવ્‍યું હતું કે, સમરસ પંચાયતો અને સરપંચોને સન્‍માનવાનો આ દિવસ દક્ષિણ ગુજરાત માટે યાદગાર બની રહેશે.

દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાઓના સરપંચો અને સદસ્‍યો સહિત આ કાર્યક્રમમાં રાજ્‍યમંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલ, સંસદીય સચિવ શ્રી હર્ષદભાઇ વસાવા, સાંસદો સર્વશ્રી સી.આર.પાટીલ, દર્શના જરદોસ, ભરતસિંહ પરમાર, ધારાસભ્‍યો સર્વશ્રી કિશોરભાઇ વાંકાવાલા, કિરીટભાઇ પટેલ, ભારતીબેન રાઠોડ, નાનુભાઇ વાનાણી, સૂરત સહિત વિવિધ જિલ્લા પંચાયતોના અધ્‍યક્ષો, સૂરતના મેયર શ્રી રાજેન્‍દ્ર દેસાઇ, જિલ્લા કલેકટર શ્રી એ.જે.શાહ સહિત જિલ્લા વિકાસ અધિકારીશ્રીમતિ રેમ્‍યા મોહન,  મહાનગર પાલિકાના કમિશનરશ્રી મનોજ દાસ અન્‍ય જિલ્લાઓના કલેકટરશ્રીઓ, જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ, મહિલા આર્થિક વિકાસ નિગમના અધ્‍યક્ષા સીતાબેન નાયક, વિવિધ ખાતાઓના ઉચ્‍ચાધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. અધિક મુખ્‍ય સચિવ શ્રી આર.એમ.પટેલે આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

ભાજપ સ્‍થાપના દિવસ અને હનુમાન જયંતીની ટ્‍વીટર ઉપર શુભકામના પાઠવતા મુખ્‍યમંત્રી

મુખ્‍યમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ આજે ટ્‍વીટર ઉપર ભારતીય જનતા પાર્ટીના સ્‍થાપના દિવસની શુભકામના પાઠવતા જણાવ્‍યું છે કે, દુનિયામાં એવી ઘણી ઓછી લોકશાહી વ્‍યવસ્‍થા છે જેમાં હિન્‍દુસ્‍તાનમાં ભારતીય જનતા પાર્ટી જેવા રાજકીય પક્ષે આટલા ઓછા સમયમાં લોકતંત્રનો મજબૂત વિકલ્‍પ પૂરો પાડયો હોય!

શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ જણાવ્‍યું કે, યુ.પી.એ. શાસને દેશમાં જે નિરાશાનું વાતાવરણ સર્જ્‍યું છે તેની વચ્‍ચે ભાજપના કાર્યકરો મજબૂત અને વિકસિત ભારતના નિર્માણ માટેની દેશવાસીઓની આકાંક્ષાને મૂર્તિમંત કરવા કટિબદ્ધ રહેશે.

મુખ્‍યમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ આજે હનુમાન જયંતીની શુભકામના પાઠવતા જણાવ્‍યું છે કે, આપણે સેવા, સમર્પણ અને શક્‍તિના મૂલ્‍યોની હનુમાન જયંતીએ આરાધના કરીએ.