સાબરમતી મેરેથોન

અભૂતપૂર્વ ઉત્‍સાહ ઉમંગ

મુખ્‍ય મંત્રીશ્રીએ વહેલી સવારે કરાવ્‍યું પ્રસ્‍થાન

૪૦ ટકા મહિલા સહિત ૧૮,૦૦૦થી અધિક આબાલ-વૃદ્ધો જોમ-જૂસ્‍સાથી દોડમાં જોડાયા

મુખ્‍ય મંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ અમદાવાદમાં શિયાળાની શીત લહેરના ઠંડીના વાતાવરણમાં પણ જોમ-જુસ્‍સાથી થનગનતા ૧૮,૦૦૦થી અધિક આબાલ-વૃદ્ધોની દોડ સાબરમતી-અમદાવાદ મેરેથોનનો રવિવારની વહેલી સવારે પ્રારંભ કરાવ્‍યો હતો.

સાબરમતી મેરેથોન દોડને નવી ઊંચાઇ ઉપર લઇ જવાની નેમ વ્‍યકત કરતાં મુખ્‍ય મંત્રીશ્રીએ જણાવ્‍યું કે, રાજ્યમાં ચાર શહેરોમાં આ પ્રકારની મેરથોન દોડ યોજાય છે તેને કોઇને કોઇ સમાજ ઉપયોગી ઉમદા હેતુ સાથે જોડાશે.

સાબરમતી મેરેથોનમાં દોડવીર નગરજનોના અભૂતપૂર્વ ઉમંગ અને મિજાજને અભિનંદન સાથે બિરદાવતાં શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ જણાવ્‍યું કે, દુનિયામાં મેરથોન દોડનો પ્રારંભ વિધિવત રીતે ૧૮૯૬માં થયેલો ત્‍યારે માત્ર પુરૂષોને જ તેમાં ભાગ લેવાનો અધિકાર હતો અને લગભગ સૈકા પછી સ્‍ત્રીઓને તેમાં પ્રવેશ મળેલો ત્‍યારે આ ત્રીજી સાબરમતી મેરેથોનમાં જોડાવા માટે ૪૦ ટકા મહિલાઓએ નોંધણી કરાવી છે તે ગુજરાતની મહિલા શક્તિનું ઉર્ધ્‍વગામી દ્રષ્‍ટાંત છે. આજની સાબરમતી મેરેથોનમાં ફૂલ મેરેથોન ૪ર કિ.મી.ની દોડમાં ૬૦૦ નગરજનો, હાફ મેરેથોન ર૧ કિ.મી. દોડમાં ર૧૦૦ દોડવીરો અને ડ્રીમરનમાં ૧૬,૦૦૦ નગરજનો આબાલ-વૃદ્ધો, મહિલાઓએ ભાગ લીધો હતો. ઉપરાંત પ૩ પ્રજ્ઞાચક્ષુ સહિત વિકલાંગ દોડવીરો પણ ઉત્‍સાહ-ઉમંગથી જોડાયા હતા.

સાબરમતી મેરેથોનમાં ભાગ લેવા દેશ-વિદેશના મેરેથોન દોડપ્રેમીઓ પણ જોડાયા હતા. જેના પરિણામે વહેલી સવારે પણ ખૂબ જ ઉત્‍સાહથી અમદાવાદના નાગરિકો આ દોડ જોવા ઉમટયા હતા.

આ મેરેથોનને સફળ બનાવવામાં રિલાયન્‍સ ગૃપનો પ્રેરક સહયોગ મળ્યો હતો. દર વર્ષે જાન્‍યુઆરી મહિનાના પ્રથમ રવિવારે સાબરમતી મેરેથોન કોઇ ઉમદા સામાજીક હેતુ સાથે યોજવાની મુખ્‍ય મંત્રીશ્રીની જાહેરાતને ઉપસ્‍થિત નગરજનોએ હર્ષોલ્‍લાસથી વધાવી લીધી હતી.

આ અવસરે અમદાવાદના મેયર શ્રી આસિત વોરા સહિત મહાપાલિકાના પદાધિકારીઓ-નગર સેવકો તથા રિલાયન્‍સ ગૃપના સહયોગીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.