ગુજરાતના ગામોમાં વાદ નહીં, વિવાદ નહીં

પણ વિકાસનું ઉત્તમ વાતાવરણ .

 સમરસ ગ્રામ પંચાયતના સરપંચો એવો વહીવટ આપે કે

સમસ્ત ગામનો વિકાસ પેઢીઓ સુધી યાદ રાખે

૪૨૨ સમરસ ગ્રામ પંચાયતોમાં ૭૨ મહિલા સમરસ ગ્રામ પંચાયતોને રૂા. ૧૦.૮૬ કરોડની ગ્રાન્ટ એનાયત

એપ્રિલ૨૦૧૨માં યોજાયેલી ૧૭૨૮ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સમરસ સરપંચ અને સદસ્યોનું સંમેલન મહાત્મા મંદિરમાં યોજાયું

 એક જિલ્લા પંચાયત, એક તાલકા પંચાયત અને પાંચ ગ્રામ પંચાયતોને ઉત્તમ પારદર્શી વહીવટ માટે કુલ રૂા. ૧.૦૩ કરોડ

મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે એપ્રિલ૨૦૧૨માં યોજાયેલી ચૂંટણીમાં સમરસ બનેલી ગ્રામ પંચાયતોના સરપંચો, મહિલા સમરસ સરપંચો અને સદસ્યોના સંમેલનમાં રૂા. ૧૦.૮૬ કરોડના વિકાસ પ્રોત્સાહક અનુદાનો, ૪૨૨ સમરસ ગ્રામ પંચાયતોને આપતા જણાવ્યું કે, ગુજરાતના ગામડાંઓમાં વાદ નહીં, વિવાદ નહીં પણ વિકાસની સ્પર્ધાનું વાતાવરણ ઊભું થયું છે તેને ઉત્તમ વહીવટ કરવાનો અવસર ગણીને વિકાસ માટે સમરસ ગામને ભાગીદાર બનાવવાનું નેતૃત્વ પુરંુ પાડવા પ્રેરક અનુરોધ કર્યો હતો.

સમરસ બનેલી ૪૨૨ ગ્રામ પંચાયતોના સરપંચો અને સદસ્યોને અભિનંદન આપતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું કે, આખા ગામે ભરોસો મૂક્યો છે. ગામમાં એવું નહીં હોય કે, બીજા શક્તિશાળી કે ચઢિયાતાં ન હોય પણ ગામના સમસ્ત હિત માટે એમણે પોતાનો દાવો જતો કરીને તમને સ્વીકાર્યા તેઓ પણ અભિનંદનના અધિકારી છે અને એવા અનેક ગામો છે જ્યાં જે લોકો દિવસરાત સમરસ ગામનો વિરોધ કરતા રહ્યા છે તેમણે છેલ્લી ઘડીએ દૂધપાકમાં લીંબું નીંચોવી દઇને કોઇને ખાવા નહીં દેવું એવી મનોવૃત્તિથી ગામનું સમરસતાનું વિકાસનું વાતાવરણ બગાડ્યું છે. તેમણે હવે ગામના લોકો બરાબર ઓળખી ગયા છે એમ પણ સમરસ પંચાયતોના સંમેલનના હર્ષનાદો વચ્ચે જણાવ્યું હતું.