ભારત માતા કી જય..!

મંચ પર બિરાજમાન માધવાભાઈ વાવિયા, ભાઈ શ્રી ગણેશભાઈ ચૌધરી, શ્રીમાન ભાણજીભાઈ રાવલિયા, શ્રી મનજીતભાઈ, શ્રી અંબાણીભાઈ, ભાઈ શ્રી નારાયણભાઈ, શ્રી લક્ષ્મણભાઈ, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભાઈ શ્રી જયંતીભાઈ ભાનુશાળી, એ.પી.એમ.સી. ના ચેરમેન શ્રી વાઘજીભાઈ, ભાઈ પંકજ મહેતા, શ્રીમાન ગજેન્દ્રસિંહ, ગંગાબહેન તથા સૌ સ્વજનો અને આ ધોમધખતા તાપમાં આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત વાગડના વહાલા નાગરિક ભાઈઓ અને બહેનો...!

આજે હું આપની વચ્ચે આ કચ્છનું નવું વર્ષ મનાવવા માટે આવ્યો છું અને આ કચ્છના નવ વર્ષ નિમિત્તે હું આપ સૌ કચ્છી ભાઈઓ-બહેનોને, વાગડવાસીઓને નવા વર્ષની અંત:કરણ પૂર્વક શુભકામનાઓ પાઠવું છું. આ નવું વર્ષ આ કચ્છને આખી દુનિયામાં ચમકાવે એવી આપણે સૌ ઈશ્વરને પ્રાર્થના કરીએ. મા નર્મદા, એમ કહેવાતું કે નર્મદા મૈયાનું નામ લો તો પણ પુણ્ય પ્રાપ્ત થાય. ઈશ્વર કૃપાથી મા નર્મદા ઘેર ઘેર પહોંચવાની છે. અહીંયાં તમે આવ્યા છો મુંબઈથી, બાકીના પણ લોકો જરા નજર કરજો, ચારે તરફ વિકાસના કામો ચાલી રહ્યાં છે. ભાઈઓ-બહેનો, આ કચ્છના નવવર્ષના આજના મારા પ્રથમ કાર્યક્રમમાં વહેલી સવારે જગન્નાથજી ભગવાનનાં દર્શન કરીને રથયાત્રાની વિદાયનો સમારંભ કર્યો. અને જગન્નાથજીની રથયાત્રાની જ્યારે વિદાય થાય છે ત્યારે પરંપરાગત રીતે કંઈક વિધિ કરવાની હોય છે. અને એ વિધિ હોય છે કે સોનાના સાવરણાથી એ મંદિર પરિસરનો, એ રથયાત્રાના પરિસરનો, ત્યાં પડેલા કચરાની સફાઈ કરવાની હોય છે, પછી એ રથ આગળ વધતો હોય છે. અને હું ભાગ્યશાળી છું. ગુજરાતમાં હું પહેલો મુખ્યમંત્રી છું કે જેને આ કચરો સાફ કરવાની કામગીરી અગિયારમી વખત મળી છે. એટલે ઈશ્વરને પણ મારામાં ભરોસો છે કે કચરો સાફ કરવામાં આ કાબેલ છે. અને હવે તો આપ બધાના આશીર્વાદથી કચરો સાફ કરવામાં આપણે બધા જ પારંગત થઈ ગયા છીએ. અને આજે મારો કચ્છનો પહેલો કાર્યક્રમ, સરદાર સાહેબની પ્રતિમાનું લોકાર્પણ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. કદાચ અત્યાર સુધીમાં સો કરતાં વધારે સરદાર સાહેબની પ્રતિમાના લોકાર્પણ કરવાનું સૌભાગ્ય મને મળ્યું હશે.

ભાઈઓ-બહેનો, મારે આ લેઉઆ પટેલ સમાજનું જે કેળવણી મંડળનું જે કામ કરી રહ્યા છે એ ભાઈઓનો આભાર પણ માનવો છે, અભિનંદન પણ આપવા છે. કારણકે સમાજનું પાયાનું કામ આપ કરી રહ્યા છો. આપ મુંબઈમાં બેઠા હો, વેપાર-ધંધામાં ગળાડૂબ હો, તેમ છતાંય આ વાગડની ધરતીમાં શિક્ષણની સરવાણી ચાલુ રહે એના માટે આપ જે મહેનત કરી રહ્યા છો એના માટે આપ સૌને લાખ લાખ અભિનંદન. ભાઈઓ-બહેનો, ભૂતકાળમાં તો શાંતિ હતી, મા-બાપ જાગૃત હોય, ગામમાંય કોઈ માસ્તર સારા હોય અને છોકરાંઓમાં રસ લે અને જો ભણાવે, અને બાળક નિશાળનું પગથિયું ચડ્યું તો ચડ્યું, નહિંતર આખી જીંદગી બિચારાની એમને એમ જતી રહે. આપણા રાજ્યમાં એકવીસમી સદી પહેલાંની વાત કરું છું, દેશ આઝાદ થયા પછીની વાત કરું છું. એ સ્થિતિ એવી હતી કે ગામમાં નિશાળે જાય એવી ઉંમરના દીકરા-દીકરીઓ, સોની જો સંખ્યા હોય, તો માંડ ચાલીસ જતા હતા, માંડ ચાલીસ, સાંઇઠ તો ઘેર જ રહેતા હતા. કારણકે એ વખતની સરકારોને એની કંઈ ચિંતા જ નહોતી. સાંઇઠ રહી ગયા તો રહી ગયા, મજૂરી કરી ખાશે... અને ચાલીસ પહોંચી ગયા તો પહોંચી ગયા એમનું ભાગ્ય જ્યાં લઈ જાય ત્યાં ખરું... અરે ભાઈ, સમાજને આમ એમના નસીબ પર ન છોડી દેવાય. સમાજનું, સરકારનું, રાજનેતાઓનું, શિક્ષણશાસ્ત્રીઓનું, સૌનું સહિયારું કામ છે કે આ સ્થિતિ બદલવી પડે. અને અમે આ અભિયાન ઉપાડ્યું. ૨૦૦૧ માં જ્યારથી હું આવ્યો છું, આ એક કામ મેં માથે લીધું છે, દીકરીઓ ભણે. અને મને ખબર હતી કે દીકરીઓને ભણાવવાનું કામ હું ઉપાડીશને, તો દીકરા તો આપોઆપ ઠેકાણે આવી જશે. અને આજે એનો લાભ એવો મળ્યો છે કે લગભગ સો એ સો ટકાને આપણે નિશાળમાં દાખલ કરાવવામાં સફળ થયા છીએ. પહેલાં ચાલીસ આવતા હતા અને હવે ધડામ દઈને સો આવતા થયા એટલે રાજ્ય ઉપર કેટલું ભારણ આવ્યું..! ઓરડા ખૂટી પડ્યા, માસ્તરો ખૂટી પડ્યા, બી.એડ.ની કૉલેજોય નાની પડવા માંડી. એકધારું કામ આવી પડ્યું. આ દસકામાં જ પોણા બે લાખ જેટલા શિક્ષકોની ભરતી કરી, પોણા બે લાખ..! કારણ, ગુજરાતનું બાળક ભણે, આપણી દીકરીઓ ભણે અને ગુજરાત એમાં પાછું ન રહી જાય એના માટેનું એક સપનું સેવ્યું. ઓરડાઓ ખૂટ્યા, ૬૦-૬૫,૦૦૦ નવા ઓરડાઓ બનાવવા પડ્યા. હવે આ બધું મેં ન કર્યું હોત, મારી સરકારે આ બધી મથામણ ન કરી હોત, તો ભૂતકાળમાં પણ કોઈ સરકારનો કોઈએ હિસાબ નથી માંગ્યો, મારો પણ ન માંગ્યો હોત..! પણ બીજાનો માંગ્યો કે ન માંગ્યો, એમને પડી હતી કે નહોતી પડી, ભાઈ, આ મુખ્યમંત્રી એવો છે, આ સરકાર એવી છે કે એ ચેનથી સૂઈ જાય એવી નથી, એ બેચેન બની જાય..! અને અમે આ ઉપાડ્યું અને જે બાળકોને ૨૦૦૧ માં દાખલ કર્યાં, ‘૦૨ માં કર્યાં, ‘૦૩ માં કર્યાં, ‘૦૫ માં કર્યાં... એમણે હવે ભણી-ગણીને પાંચમું પાસ કર્યું, હવે કહે કે અમને છઠ્ઠાંની નિશાળ આપો, સાતમું પાસ કર્યું, તો કહે કે હવે આઠમાંની નિશાળ આપો, આઠમું પાસ કર્યું, તો કહે કે દસમા સુધીની આપો, દસમું કર્યું તો કહે કે હવે બારમા સુધીની આપો..! ભાઈઓ-બહેનો, એવો આનંદ આવે છે કે ગુજરાતને ખૂણે ખૂણેથી શિક્ષણ માટેની માગણી આવે છે. આ એક સારી નિશાની છે. શાળા ખોલવા માટેની માગણી આવવી, શાળામાં નવા વર્ગો શરૂ કરવાની માગણી આવવી એ ઉજ્જવળ ભવિષ્યની નિશાની છે, એક મજબૂત પાયો રચાઈ રહ્યો છે એના શુભસંકેત છે અને કચ્છમાં આ વાવડ ઘણા સારા જોવા મળે છે, ભાઈઓ. અને રાજ્યએ પણ નક્કી કર્યું છે કે બાળકોને જ્યાં સુધી ભણવું હોય ત્યાં સુધી એમને ક્યાંય અવરોધ ન આવે, એમને મોકળા મને હર પ્રકારની સુવિધાઓ પ્રાપ્ત થાય અને શિક્ષણમાં આ પ્રત્યેક, ગરીબમાં ગરીબ પરિવાર પણ ફૂલે-ફાલે. પણ ભાઈઓ-બહેનો, આપણા માટે આનંદની વાત છે, આપણું રાજ્ય એવું છે કે જ્યાં સરકાર સાથે ખભે ખભો મિલાવીને સમાજિક સંસ્થાઓ, સામાજિક આગેવાનો, કોઈ પણ રાજકીય સ્વાર્થ વગર શિક્ષણની અંદર એટલી જ જહેમત ઉઠાવી રહ્યા છે. આ રાજ્ય પણ આ કામમાં ગૌરવભેર આગળ વધી શક્યું છે એનું કારણ આવા બધા દાતાશ્રીઓ, આવા બધા સમાજને માટે કામ કરનારા આગેવાનો, એના કારણે શક્ય બનતું હોય છે. એમણે આટલું મોટું સંકુલ ઊભું કર્યું, કેવું ભવ્ય સંકુલ છે, સાહેબ..! આપણને એમ થાય કે આપણે પણ વિદ્યાર્થી હોત તો કેવી મઝા આવત..! ફરી ભણવાનું મન થઈ જાય એવું સરસ સંકુલ બનાવ્યું છે, ભાઈ..! વાગડમાં આવી સરસ મઝાની લીલોતરી દેખાય, તો કેવું આંખ ઠરી જાય એવું બનાવ્યું છે, સાહેબ..! અભિનંદન આપું છું, ખૂબ ખૂબ અભિનંદન આપું છું..! સમાજનો આ જે પુરુષાર્થ છે એ પુરુષાર્થમાં સરકાર ડગલે ને પગલે સાથે છે, આપની આ વિકાસયાત્રાને પૂરેપૂરો સાથ અને સહકાર આ સરકારનો હંમેશા હંમેશા રહેશે એ હું આપને ભરોસો આપવા માંગું છું. આવાં સદ્કાર્યો કરનારા લોકો આ ગુજરાતનું ભાગ્ય છે, કે આવા લોકો આપણી પાસે છે, આવા દાતાઓ આપણી પાસે છે, સમાજ માટે ખપનારા લોકો આપણી પાસે છે અને કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર આ બધું કામ કરનારા લોકો છે.

ભાઈઓ-બહેનો, ભૂતકાળમાં બધા મુખ્યમંત્રીઓ જેટલી વખત વાગડ આવ્યા હશેને, એના કરતાં વધારે વખત હું એકલો આવ્યો છું. અને મેં ગયે વખતે પણ કહ્યું હતું કે હવે બધા વાગળના જુના દિવસો ભૂલી જાવ અને હવે તો એક જ મંત્ર ‘વાગળ વધે આગળ’..! અને મેં પુરવાર કરવાનું નક્કી કર્યું છે, મિત્રો. એકવાર મારી મા નર્મદાનું કામ પતે પછી જોઈ લો, પછી તો ચારેકોર જયજયકાર થશે, ચારેકોર જયજયકાર થશે..! વિકાસની નવી ઊંચાઈઓને પાર કરવાની છે હવે. અને આ દેશ-દુનિયાએ સ્વીકાર્યું છે. આજે ચારે તરફ આ દિલ્હી સરકાર ઉપર પસ્તાળ પડી રહી છે. દુનિયાભરની એજન્સીઓ દિલ્હી સરકારે કેવો આખા દેશનો ભઠ્ઠો બેસાડી દીધો છે એના માટે રોજ નવા નવા અભિપ્રાયો, સર્વે રિપોર્ટ, મૂલ્યાંકન આવી રહ્યાં છે. એકમાત્ર બચ્યું હોય તો ગુજરાત બચ્યું છે ભાઈઓ, જ્યાંથી સારા જ સમાચારો આવે છે. રોજ નવા વિકાસના સમાચારો, રોજ નવા પ્રગતિના સમાચારો..! પણ આપણું કમનસીબ છે. મેં દિલ્હીવાળાઓને કહ્યું કે ભાઈ, તમે અમારી ઈર્ષા કરવાનું બંધ કરો, આડે આવવાનું બંધ કરો, પથરા નાખવાનું બંધ કરો. અરે, મદદ ન કરવી હોય તો ન કરો, પણ અમને તો કંઈક કરવા દો..! અને તમારી પાસે આટલી બધી તાકાત છે, તો અમારી મદદ ન કરવી હોય તો કંઈ નહીં, આવો ચાલો, અમારી જોડે સ્પર્ધામાં ઊતરો, લો..! અમેય સારાં કામ કરીએ અને તમેય કરો. જે વધારે સારું કરશે, જનતા જનાર્દન એને વધાવશે. પણ એમને સ્પર્ધામાં ઊતરવું જ નથી, બોલો. દૂર દૂર ભાગે છે..! મેં કહ્યું કે આવો ભાઈ, વિકાસની સ્પર્ધા કરીએ, વિકાસની તંદુરસ્ત સ્પર્ધા કરીએ. તમારા ભાગનાં જે કામો છે એ તમે કરી બતાવો, અમારા ભાગનાં જે કામો છે એ અમે કરી બતાવીએ. અને આ જનતા જનાર્દનને જોવા દો કે કોના કારણે સારાં કામ થાય છે, ક્યાં રૂપિયો પાઈ-પાઈ સરખો વપરાય છે અને ક્યાં તિહાર જેલમાં જવાની તૈયારીઓ ચાલે છે એની લોકોને બરાબર ખબર પડી જશે..! ભાઈઓ-બહેનો, પ્રજાની પાઈ પાઈનો હિસાબ પ્રજાને મળવો જોઈએ. પાઈ પાઈનો સદુપયોગ થવો જોઇએ. તમે આજે ગમે ત્યાં જાવ ગુજરાતમાં સાહેબ, કોઈપણ દિશામાં પચીસ કિલોમીટર જાવ, કોઈપણ દિશામાં... તમને વિકાસનું કામ જોવા મળે, મળે અને મળે જ. ક્યાંક નહેર ખોદાતી હશે, તો ક્યાંક પાઇપલાઇન નંખાતી હશે, તો ક્યાંક ચેકડેમ બનતો હશે, તો ક્યાંક શાળાનો ઓરડો બનતો હશે, તો ક્યાંક દવાખાનું બનતું હશે... કોઈને કોઈ કામ ચાલતું જ હોય. ચારે તરફ ગુજરાતમાં કોઈપણ દિશામાં પચીસ કિલોમીટર જાવ, તો તમને કામ થતું જોવા મળે જ. આ ગામમાં બધા ઘરડાઓ બધા બેસેને, ભાભાઓ બધા ખાટલે બેઠા હોય ને હુક્કાપાણી થતા હોય ને તો વાતો કરે છે, “આ મારો વ્હાલો મોદી રૂપિયા લાવે છે ક્યાંથી..?” ચર્ચા કરે છે. કારણકે પહેલાં તો ભૂખડી બારસો જ હતી બધી..! આ રૂપિયો મોદીનો નથી, ન મોદી રૂપિયો લાવે છે, આ તો તમારા જ છે..! પણ બીજે જતા હતા, મેં એ બધું બંધ કરાવી દીધું એટલે તમારે ત્યાં પાછા આવે છે. આ તમારા જ છે, જનતા જનાર્દનના જ રૂપિયા છે, આ જનતા જનાર્દનની જ સંપત્તિ છે, જનતા જનાર્દનના હકના જ રૂપિયા છે પણ પહેલાં જાતજાતના અને ભાતભાતના પંજા એના ઉપર તરાપ મારતા હતા અને હું તો ચોકીદાર છું, કોઈ પંજો આપની તિજોરી પર હાથ ન મારે એના માટેની મથામણ કરું છું. એના કારણે રૂપિયો આજે વિકાસ માટે વપરાઈ રહ્યો છે, એના કારણે રૂપિયો આજે ગુજરાતનું ભલું કરવા માટે વપરાઈ રહ્યો છે, ગુજરાતના ગરીબની જીંદગી બદલવા માટે વપરાઈ રહ્યો છે.

અને એમાંય આપણી પ્રાથમિકતા છે શિક્ષણ, આપણી પ્રાથમિકતા છે ગામડું, આપણી પ્રાથમિકતા છે ગરીબ, આપણી પ્રાથમિકતા છે ખેડૂત. આપ વિચાર કરો, આ કચ્છમાં ખેતી આવી થશે એવો કોઈએ વિચાર કર્યો હતો? હજુ તો નર્મદા મૈયાનાં ડગ મંડાઈ રહ્યાં છે, એના પહેલાં જે કામ ઊપડ્યું છે એ જુઓ. કોઈએ વિચાર કર્યો હતો..? આજે ખેતીમાં કચ્છનું નામ પંકાવા માંડ્યું છે, મિત્રો. કારણ શું? સરકારનું આયોજન, સરકારની દ્રષ્ટી અને એના કારણે આ ક્રાંતિ આવી છે.

દૂધ ઉત્પાદન, આટલી તેજ ગતિથી દૂધ ઉત્પાદન થઈ રહ્યું છે, ડેરીઓ ધમધમતી થવા માંડી છે, દૂધ ઉત્પાદકના ઘરે સાંજ પડે રોકડો રૂપિયો આવવા માંડ્યો છે... એના કારણે વિકાસની વાતમાં એક વિશ્વાસ બેઠો છે અને વિકાસની વાતમાં એક ભાગીદારીનું વાતાવરણ બન્યું છે.

આજે ગામડે ગામડે ગરીબ બહેનોનાં સખીમંડળો બન્યાં છે. આખા ગુજરાતમાં અઢી લાખ સખીમંડળો બન્યા છે, અઢી લાખ..! અને દસ બહેનો, બાર બહેનો, પંદર બહેનો ભેગી મળીને આ સખીમંડળો ચલાવે છે, આર્થિક પ્રવૃત્તિ કરે છે. આ ગરીબ પરિવારની બહેનો ઘેર બેઠા કંઈક ને કંઈક આર્થિક પ્રવૃત્તિ કરે એના માટે આ સરકારે ૧૬૦૦ કરોડ રૂપિયાની રકમ આ બહેનોના હાથમાં મૂકી છે. અને મારી નેમ છે આવનારા દિવસોમાં ૫૦૦૦ કરોડ રૂપિયાની માતબર રકમ આ બહેનોના હાથમાં મૂકવાની. આપ વિચાર કરો કેવા ધમધમાકાવાળા છે આવનારા દિવસો..!

ભાઈઓ-બહેનો, વિકાસ વિના કોઈ આરો નથી. વિકાસ એક જ અમારો મંત્ર છે. અને લગાતાર અગિયાર વર્ષથી આ સરકાર માત્રને માત્ર વિકાસ, એ કામને વરી છે અને એમાં જ સૌનું ભલું લખાયેલું છે. અને એટલે જ, શાંતિ, એકતા અને સદભાવના એ મંત્ર લઈને, સર્વ સમાજને સાથે લઈને, ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ એ મંત્રને ચરિતાર્થ કરતાં કરતાં આપ સૌના આશીર્વાદથી આ ગુજરાત પ્રગતિ કરી રહ્યું છે, આગળ ધપી રહ્યું છે. આજનું આ નવું વર્ષ પણ નવી સિદ્ધિઓ માટેનો, શક્તિનો સંચાર કરનારો એક અવસર બની રહે એવા વિશ્વાસ સાથે આપ સૌને ફરી એકવાર અંત:કરણ પૂર્વકની શુભકામનાઓ પાઠવું છું.

જય જય ગરવી ગુજરાત...!!

Explore More
PM Modi's reply to Motion of thanks to President’s Address in Lok Sabha

Popular Speeches

PM Modi's reply to Motion of thanks to President’s Address in Lok Sabha
Modi govt's next transformative idea, 80mn connections under Ujjwala in 100 days

Media Coverage

Modi govt's next transformative idea, 80mn connections under Ujjwala in 100 days
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Economic Benefits for Middle Class
March 14, 2019

It is the middle class that contributes greatly to the country through their role as honest taxpayers. However, their contribution needs to be recognised and their tax burden eased. For this, the Modi government took a historic decision. That there is zero tax liability on a net taxable annual income of Rs. 5 lakh now, is a huge boost to the savings of the middle class. However, this is not a one-off move. The Modi government has consistently been taking steps to reduce the tax burden on the taxpayers. Here is how union budget has put more money into the hands of the middle class through the years...