ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ CAની ICAI, અમદાવાદ બ્રાન્ચની સ્વર્ણિમ જયંતિ ઉજવણીનું ઉદ્દધાટન કરતા મુખ્ય મંત્રીશ્રી
ભ્રષ્ટાચારના-કાળા નાણાંના દૂષણને રોકવામાં CAની ભૂમિકા છે
અર્થતંત્રમાં પારદર્શિતા માટેની રાષ્ટ્રહિતની ભૂમિકા નિભાવવાની ક્ષમતા દાખવવા આહ્વાન આપતા મુખ્ય મંત્રીશ્રી
ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની અમદાવાદ શાખાની સ્વર્ણિમ જયંતિ ઉજવણીનું ઉદ્દધાટન કરતાં CAની સંસ્થામાં કાળા નાણાં અને ભ્રષ્ટાચારને રોકવા માટેની પુરી ક્ષમતા છે અને રાષ્ટ્રહિતના સર્વોચ્ચ દાયિત્વને નિભાવવા તેમણે CA પ્રોફેશનલ્સને આહ્વાન કર્યું હતું.ઇન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા ICAI ની અમદાવાદ બ્રાન્ચમાં ૫૦૦૦ જેટલા CA સભ્યો છે. આ સંસ્થાની સ્વર્ણિમ જયંતિ પ્રસંગે ગુજરાતના મુખ્ય મંત્રીશ્રીએ ફાઇનાન્સીયલ મેનેજમેન્ટ અને ઇકોનોમિક ડીસીપ્લીન વિષયક CAના દાયિત્વની ભૂમિકાને મહત્વની ગણાવી હતી.
CA-ગુજરાતના પ૦ વર્ષની શુભકામનાઓ પાઠવતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, દેશમાં કાળાં નાણાં અને ભ્રષ્ટાચારને રોકવાની ક્ષમતા CAની આ ઇન્સ્ટીટયુશન છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની તાકાત વાસ્તવમાં સાકાર થાય તો દેશની આર્થિક તાકાતમાં ખૂબ મોટું પરિવર્તન આવી શકે તેમ છે. વ્યકિત, વ્યવસ્થા, પદ્ધતિ હોય છે પરંતુ તેની કાયદા અને સંવિધાનની અધિકાર સાથે રાષ્ટ્રહિતની ભાવનાને સર્વોચ્ચ ગણીને CAની સંસ્થા નાણાંકીય વ્યવસ્થાપનમાં પારદર્શિતા લાવી શકે છે. આ રાષ્ટ્રહિતનું દાયિત્વ નિભાવવા તેમણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને આહ્વાન કર્યું હતું.એક સમયે CAની સંખ્યા ધણી જ મર્યાદિત હતી એનો ઉલ્લેખ કરી મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતના વિકાસની હરણફાળ જોતાં પ૦ વર્ષમાં અત્યારે ૧૦,૦૦૦ની CAની સંખ્યા છે પરંતુ નજીકના વર્ષોમાં જ બીજા રપ,૦૦૦ ઉમેરાઇ જશે. અર્થવ્યવસ્થાપનમાં CA પ્રોફેશનલ મેનપાવરની જરૂરિયાત ઉત્તરોત્તર વધતી જ રહેવાની છે, તેમ તેમણે જણાવ્યું હતું.
ગુજરાતનો વિકાસ નકારવાની જેમની માનસિકતા જ છે તેવા નકારાત્મક વાતાવરણ વચ્ચે પણ ગુજરાત એટલે વિકાસ અને વિકાસ એટલે ગુજરાત એ ડંકાની ચોટ ઉપર પ્રસ્થાપિત થઇ ચુકયું છે. ગુજરાતની કુલ મળીને ૧૧ પંચવર્ષીય યોજનાઓનું કદ રૂપિયા બે લાખ ત્રીસ હજાર કરોડનું હતું. જયારે ૧ર પંચવર્ષીય યોજનાનું કદ જ રૂપિયા બે લાખ એકાવન હજાર કરોડ છે. જેમને આ ફરક દેખાતો જ ન હોય તેમને શું સમજાવવું પડે? એવો વેધક સવાલ પણ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યો હતો.
ગુજરાતમાં દશ વર્ષમાં પ્લાન અને નોન-પ્લાન ખર્ચમાં કેટલો ગુણાત્મક સુધારો થયો તેની ભૂમિકા આપતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, અગાઉ ર૦૦૧માં પ્લાન કરતાં નોન-પ્લાન ખર્ચ બમણો હતો. આજે ગુજરાતનો પ્લાન એક્સપેનડીચર ૬પ ટકા છે અને નોન-પ્લાન માત્ર ૩પ ટકા છે. ગુજરાત રેવન્યુ ડેફીશીટમાંથી રેવન્યુ સરપ્લસ સ્ટેટ બની ગયું છે.આખા દેશમાં કૃષિ વિકાસનો ૪ ટકા દર નક્કી કરવા ર૦ વર્ષથી મથામણ થાય છે પણ માંડ ર.પ ટકાએ પહોંચી શકાયું છે. જયારે દશ વર્ષમાં ૭ વર્ષ સરેરાશ દુષ્કાળના વિતવા છતાં ગુજરાતનો કૃષિ વિકાસ દર સતત ૧૧ ટકા રહ્યો છે. ગુજરાતમાં જ ર૪×૭ વીજળી મળતી હોવા છતાં ગુજરાતના પાવર સેકટરની ખોટ કરતી પી.એસ.યુ. કંપનીઓનું પુર્નગઠન કરીને તેને આવક કરતી સર્વિસ સેકટરની કંપનીઓ તરીકે સક્ષમ બનાવી છે. દેશ અને દુનિયામાં આર્થિક મંદીનું વાતાવરણ ચિંતાપ્રેરક હતું ત્યારે ગુજરાતે ર૦૦૯માં વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ કરીને મંદીને પડકારી અને કરોડો-કરોડોના મૂડીરોકાણ મેળવ્યા છે. ગુજરાત આ કરી શકે છે ત્યારે ૧ર૦ કરોડના ભારતમાં એવું સામર્થ્ય હોવું જોઇએ કે, આખી દુનિયાને બજાર બનાવે. ભારત મંદીના સમયમાં બજાર બની જશે તો દેશના અર્થતંત્રને બચાવી નહીં શકાય. આપણા દેશમાં આવી ક્ષમતા છે. આ તાકાતનો મહત્તમ ઉપયોગ કરીએ. દેશમાં ઝીરો મેન્યુફેકચરીંગ ડીફેકટ સાથેનું ઉત્પાદન ""મેડ ઇન ઇન્ડીયા''ને ડંકાની ચોટ ઉપર દુનિયાના બજાર સર કરાવી શકશે, એમ તેમણે જણાવ્યું હતું.
પારદર્શી અને અસરકારક પ્રશાસનની ગુજરાત સરકારે અનુભૂતિ કરાવી છે અને નાણાંકીય વ્યવસ્થાપનનું ઉત્તમ ઉદાહરણ પણ ગુજરાત પુરું પાડી રહ્યું છે તેની રૂપરેખા પણ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપી હતી.
ર૧મી સદીમાં ૧ર૦ કરોડ દેશવાસીઓમાં ૬પ ટકા જનસંખ્યા ૩પ વર્ષથી નીચેની યુવાશક્તિ છે તે દેશના પ્રધાનમંત્રી માત્ર પ૦૦ જેટલા જ સ્કીલ ડેવલપમેન્ટના કોર્સીસ ચલાવવાની વાત કરતા હોય ત્યારે આ સ્કીલ ડેવલપમેન્ટનો ""સ્કેલ કઇ રીતે ભારતની યુવાશક્તિને હુન્નર કૌશલ્યમાં ચીન સાથે સ્પર્ધા કરી શકે તે રીતે ગુજરાત સરકારે જન્મ થી મૃત્યુ સુધી માનવજીવનમાં જે જે સેવાઓની જરૂર પડે તેટલા પ્રકારના સ્કીલ કૌશલ્યની જરૂરિયાતનું અધ્યયન કરીને ૯૭૬ જેટલા હુન્નર કૌશલ્યના અભ્યાસક્રમો તૈયાર કરેલા છે'' તેની સમજ પણ મુખ્ય મંત્રીશ્રીએ આપી હતી અને "મિશન મંગલમ્' જેવા ગરીબી નિમૂર્લન તથા સખીમંડળના માધ્યમ દ્વારા ગરીબ ગ્રામ્ય મહિલાઓના આર્થિક સશક્તિકરણના નવા જ આયામોના વ્યવસ્થાપન માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની સંસ્થાએ અધ્યયન કરવું જોઇએ, એમ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, દશ વર્ષમાં જ ગુજરાતની વીજ ઉત્પાદન ક્ષમતા ૪૬૦૦ મે.વો.માંથી આજે ર૦,૦૦૦ મે.વો. ઉપર પહોંચી ગઇ છે. નિયત સાફ હોય અને નીતિ પારદર્શી હોય તો સિદ્ધિ મળે જ. ગુજરાત સરકાર આજે ભારતના પ્રધાનમંત્રી પાસે ""સેટેલાઇટ'' ગુજરાતના વિકાસ વિઝન માટે માંગે છે અને કેન્દ્રની આખી સરકાર માટે આ મૂંઝવણનો મુદ્દો હતો જેનો દોઢ વર્ષે નિકાલ થયો અને ૩૬ મેગાહટ્સનું સેટેલાઇટ ટ્રાન્સપોન્ડર ગુજરાતે મેળવ્યું છે. દશ વર્ષમાં લોંગ ડિસ્ટન્સ એજ્યુકેશન એન્ડ સર્વિસમાં ગુજરાત આ સેટેલાઇટ ટેકનોલોજીથી આગળ કેટલું નીકળી ગયું હશે તેનો વિકાસની બાબતમાં માર્જીન કેટલું મોટું છે તેનો અંદાજ કાઢવા પણ તેમણે અપીલ કરી હતી.
ગુજરાત પહેલું રાજ્ય છે કે સોલાર એનર્જીના વિકાસ દ્વારા કુદરતી સંસાધનોના મહત્તમ ઉપયોગની પ્રોત્સાહક નીતિ બનાવી છે અને કેન્દ્ર સરકાર કરતાં ગુજરાત સરકારની પ્રોત્સાહક નીતિમાં વિશ્વાસ મુકીને સોલાર પાવરમાં ગુજરાત એકલું ૭૦૦ મેગાવોટનો ફાળો આપી શકે છે. દિલ્હી-મુંબઇ ઇન્ડસ્ટ્રીઅલ કોરિડોરના એક જ પ્રોજેકટથી ગુજરાત હિન્દુસ્તાન માટે આર્થિક સમૃદ્ધિનું પ્રવેશદ્વાર બની રહેવાનું છે અને વિશ્વ વેપારથી ધમધમતા નવા ગ્લોબલ સીટી બનાવવા છે તેના માટે સીએ પ્રોફેશનલ્સની ક્ષમતા વધારવા પણ તેમણે અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે અમદાવાદ બ્રાન્ચના ચેરમેન શ્રી જૈનિક વકીલ, શ્રી અનિકેતભાઇ, શ્રી સુબોધભાઈ સહિત મોટી સંખ્યામાં CA ઉપસ્થિત રહ્યા હતા.