મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ૧૦ મા કન્યા કેળવણી શાળાપ્રવેશ મહોત્સવનો પ્રારંભ

સાબરકાંઠાના વનવાસી ક્ષેત્ર ભિલોડા અને વિજ્યનગર તાલુકાઓની આંગણવાડી-પ્રાથમિક શાળાઓમાં જઇને પાયાની કેળવણીની જયોત પ્રગટાવી

મઉટાંડામાં વણઝારા કોમની બક્ષીપંચ વસતિ નરેન્દ્રભાઇ મોદીના આગમનથી ઉમંગ-હિલ્લોળે

દાંતોડમાં પણ બક્ષીપંચ પરિવારોમાં આનંદ-ઉત્સવ

સરકારી પ્રાથમિક શાળા એ-ગ્રેડની બનાવવાનો સંકલ્પ કરવા ગામ સમસ્તને આહ્‍વાન 

તાલુકાવાર ઉત્તમ પ્રાથમિક શાળાની સ્પર્ધા યોજાય

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સતત દશમા વર્ષે, કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના જનઅભિયાનનું નેતૃત્વ કરતાં, પ્રત્યેક સરકારી પ્રાથમિક શાળાને એ-ગ્રેડની ઉત્તમ શાળા બનાવવા ગામ સમસ્ત સંકલ્પ કરે એવું પ્રેરક આહ્‍વાન કર્યું હતું. તાલુકાવાર ઉત્તમ પ્રાથમિક શાળાની સ્પર્ધા યોજવા તેમણે અપીલ કરી હતી.

ગુજરાતના ૧૮૦૦૦ જેટલા બધા જ ગામોની ૩ર૭૭ર પ્રાથમિક શાળાઓમાં આજથી ત્રણ દિવસના શાળા પ્રવેશ મહોત્સવનો ઉમંગ-ઉત્સાહના અનેરા વાતાવરણમાં પ્રારંભ થયો હતો. મુખ્યમંત્રીશ્રીએ આજે પ્રથમ દિવસે સાબરકાંઠાના વનવાસી ક્ષેત્ર ભીલોડા અને વિજયનગર તાલુકાઓની પ્રાથમિક શાળાઓમાં તથા આંગણવાડીમાં જઇને કન્યા-કુમારો અને ભૂલકાંઓનું નામાંકન કરાવ્યું હતું અને શૈક્ષણિક સાધનોની કીટ, પુસ્તકો, ભેટ મળેલા રમકડાંનું વિતરણ કર્યું હતું.

સમાજશકિત અને સરકારની સહિયારી તપસ્યાનો આ દશ વર્ષનો પરિશ્રમ ગુજરાતને નિરક્ષરતાના કલંકમાંથી મૂકત રાખશે અને કુપોષણ સામેની લડાઇમાં જંગ જીતશે જ એવો દ્રઢ વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.

આઝાદીના પ૦ વર્ષમાં જેમણે પાયાના શિક્ષણની દુર્દશા કરી તેની ગુનાહિત બેદરકારીમાંથી ગુજરાતની આવતીકાલની ચિન્તા કરીને આ સરકારે સમાજની અને વહીવટીતંત્રની સંવેદનાને ઢંઢોળી છે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

દશ વર્ષમાં પ્રાથમિક શિક્ષણ અને કન્યા કેળવણીની ઉપેક્ષાને બદલવા રાજ્ય સરકારે બધું જ કર્યું છે અને હવે તમામ સરકારી પ્રાથમિક શાળામાં ઉત્તમમાં ઉત્તમ સુવિધા ઉપલબ્ધ કરી છે એમ તેમણે જણાવ્યું  અને ગામમાં એકપણ દીકરી કે દીકરો અભણ રહે જ નહીં એ માટે ગામ જાતે જ સજાગ રહે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

ભીલોડા તાલુકાના મઉટાંડા ગામની આખી વસતિ બક્ષીપંચની વણઝારા કોમની છે તે ગામમાં શ્રી નરેન્દ્રભાઇ મોદીના આગમનથી વણઝારા પરિવારો આનંદથી હિલોળે ચડયા હતા મુખ્યમંત્રીશ્રીએ શાળાના નવા વર્ગખંડનું ઉદ્દધાટન કર્યું હતું. મુસ્લિમ પરિવારો તરફથી આ શાળામાં સરસ્વતી માતાની મૂર્તિ ભેટ મળેલી છે. વાલીમંડળની બેઠકો સાથે પણ મુખ્યમંત્રીશ્રીએ સંવાદ કરીને બાળકના ભવિષ્ય માટે શાળાની નિરંતર મૂલાકાત લેવા પ્રેરક અપીલ કરી હતી. શાળાને એ-ગ્રેડની ઉત્તમ શાળા બનાવવા તેમણે માર્ગદર્શન આપ્યું હતું. વિજયનગર તાલુકાના દાંતોડ ગામના બક્ષીપંચના કુટુંબોની ઉત્સાહ-ઉપસ્થિતિમાં બાળકોનું તેમણે નામાંકન કરાવ્યું-ફળ-મીઠાઇ વહેંચ્યા હતા-તેજસ્વી કન્યાઓનું સન્માન કર્યું અને ધો-૭ પાસ કરેલી કન્યાઓને મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિમાંથી વિઘાલક્ષ્મી બોન્ડના રૂા. ર૦૦૦ના વ્યાજ સાથે ચેક તેમણે કન્યાને અર્પણ કર્યા હતા.

૬૦ વર્ષમાં પેઢીઓ-અને મહિલાઓ નિરક્ષર રહી ગઇ-એ શરમ અને લાચારી આજની દિકરીના નશીબમાં આવે એ આ સરકારને મંજૂર નથી એમ જણાવી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કોઇ પરિવારમાં દિકરી અભણ રહ્યાનો બોજ વેઠવા વારો ના આવે તેવી હ્વદયસ્પર્શી અપીલ કરી હતી. ""આપણાં દીકરો-દીકરી એક સમાન-અને આપણાં સંતાન અભણ રહેશે તો તેનું પાપ લાગશે. ભૂતકાળની સરકારોએ પાપ કર્યું એનું કલંક આપણે સહન કરી રહ્યા છીએ એમ પણ તેમણે ઉમેર્યું હતું.''

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતની આવતીકાલ માટે વર્તમાન સરકાર કેટલી ચિંતીત અને સંવેદનશીલ છે તેની પ્રેરક ભૂમિકા આપી હતી તેમણે જણાવ્યું કે ચૂંટણીના વર્ષમાં રાજકીય વાદ-વિવાદમાં સમય વેડફવાને બદલે સરકારે મતદારો નથી એવા બાળકોનું શિક્ષણ સુધારવા આખી સરકારની પૂરી તાકાત કામે લગાડી છે, કૃષિ મહોત્સવમાં બે કરોડ પશુઓના આરોગ્યની સંભાળ પણ સરકારે લીધી છે.

મુખ્યમંત્રીશ્રીએ દશ વર્ષ પહેલાં પ્રાથમિક શિક્ષણની દુર્દશા અને દશ વર્ષ દરમિયાન જહેમત કરીને પ્રાથમિક શાળાઓની ઉત્તમ સુવિધાની તુલનાત્મક રૂપરેખા આપી જણાવ્યું કે સમાજની જવાબદારી છે કે બાળકને શિક્ષણથી વંચિત રાખીને શરમિંદુ અને લાચાર બનાવે.

શ્રી નરેન્દ્રભાઇ મોદીના ભિલોડા અને વિજયનગરના આદિવાસી ક્ષેત્રમાં વર્ષો સુધીના અગાઉના સેવારત પરિભ્રમણના યાદગાર સંસ્મરણોથી સમગ્ર જનતા ખૂબ પ્રભાવિત થઇ હતી. વિજયનગર તાલુકાના પાલચિતરીયાના આદિવાસી શહિદ સ્મારકની મૂલાકાતે જઇને મુખ્યમંત્રીશ્રીએ શહિદોને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા